જમ્મુ-કશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળકી આસિફા તથા ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં 16 વર્ષની સગીર બાળા પર કરાયેલા ગેંગરેપ અને આસિફાની હત્યાની ઘટનાઓએ દેશભરમાં ખળભળાટ મચાવી દીધો છે. આ બે ઘટનાએ કેન્દ્ર તથા ઉક્ત બંને રાજ્યમાં શાસક ભારતીય જનતા પાર્ટીની આબરૂનું ખૂબ ધોવાણ કરી નાખ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ‘બેટી બચાઓ’નો નારો આપીને સમગ્ર દેશને પ્રભાવિત કર્યો હતો, પરંતુ હવે ભાજપશાસિત જ રાજ્યોમાં અધમ કૃત્યોએ ચિંતા ઉપજાવી છે. ભાજપમાં સુષમા સ્વરાજ, નિર્મલા સીતારામન, સ્મૃતિ ઈરાની, મેનકા ગાંધી, ઉમા ભારતી, સાધ્વી નિરંજન જ્યોતિ, હેમા માલિની, કિરણ ખેર, સાયના એન.સી., શાઝિયા ઈલ્મી, સાધ્વી પ્રાચી જેવા પ્રધાનો અને નેતાઓ છે તે છતાં ભાજપશાસિત રાજ્યોમાં માસૂમ અને સગીર વયની બાળકીઓ પર ગેંગરેપ અને હત્યા જેવા શરમજનક ગુનાઓ બન્યા છે.
કઠુઆ અને ઉન્નાવની ઘટનાઓને પગલે મેનકા ગાંધી, જે કેન્દ્રનાં મહિલા તેમજ બાળવિકાસ ખાતાનાં પ્રધાન છે, એમણે કહ્યું છે કે એમનું મંત્રાલય 12 વર્ષની વય સુધીની બાળકી પર બળાત્કાર કરનારને ફાંસીની સજા અપાય એવી માગણી કરશે.
હાલ દેશમાં બાળકોને જાતીય દુષ્કર્મો સામે રક્ષણ આપવા માટે એક કાયદો અમલમાં છે, POSCO – એટલે કે, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ. આ કાયદામાં સુધારો કરી બાળકીઓ પર બળાત્કાર કરનારને ફાંસીની સજા ફટકારવાની જોગવાઈ કરવામાં આવે એવી માગણી મેનકા ગાંધીનું મંત્રાલય કરવાની છે.
બળાત્કારની લગાતાર બનતી ઘટનાઓથી જનતા ત્રાસી ગઈ છે.
2014માં, ભાજપે જ મહિલાઓને સલામતી પૂરી પાડવામાં કોંગ્રેસ-યૂપીએ સરકાર નિષ્ફળ ગઈ છે એવો જોરદાર પ્રચાર કર્યો હતો. એ વખતે દિલ્હીની નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસે ભારે ચકચાર જગાવી હતી.
પરંતુ 2018માં, કઠુઆ અને ઉન્નાવમાં બળાત્કારની બનેલી ઘટનાઓ અંગે વડા પ્રધાન મોદીએ જાળવી રાખેલા મૌનથી વિપક્ષો તેમજ જનતાને ખૂબ અકળામણનો અનુભવ થયો હતો. લોકોમાં એવી લાગણી ફેલાઈ છે કે મહિલાઓ પર અત્યાચારનો મામલો માત્ર ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો એક કાર્ડ તરીકે જ ઉપયોગમાં લે છે.
2013ની સાલમાં, એ વખતે ગુજરાતના મુખ્યપ્રધાન મોદીએ જ કહ્યું હતું કે નિર્ભયા ગેંગરેપ કેસે દિલ્હીનું નામ બદનામ કર્યું છે અને એ ‘રેપ કેપિટલ’ બની ગયું છે. લોકોને મોદીનું એ વલણ ગમી ગયું હતું અને તે પછીના વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપને ઝળહળતો વિજય અપાવ્યો હતો.
ઉન્નાવમાં બનેલી ઘટનામાં તો ભાજપના જ વિધાનસભ્ય – કુલદીપ સિંહ સેંગર આરોપી છે. તે છતાં મોદીએ બે દિવસ સુધી મૌન જાળવી રાખ્યું હતું. વડા પ્રધાને ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં સરસ દેખાવ કરી રહેલા ભારતીય એથ્લીટ્સ, ખેલાડીઓને બિરદાવતું વિધાન, ટ્વીટ કર્યું હતું, તે ઉપરાંત ગુરુવારે ચેન્નાઈમાં જઈને એમણે સંરક્ષણ મંત્રાલયના એક પ્રદર્શનના ઉદઘાટન પ્રસંગે ભાષણ કર્યું હતું, પરંતુ મહિલાઓની સલામતી વિશે એમણે એક હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો નહોતો. અંતે, શુક્રવારે સાંજે, નવી દિલ્હીમાં ડો. આંબેડકર નેશનલ મેમોરિયલના ઉદઘાટન પ્રસંગે સંબોધન કરતી વખતે વડા પ્રધાન મોદીએ બળાત્કારની ઘટનાઓ પર મૌન તોડ્યું હતું. એમણે કહ્યું કે બળાત્કારની ઘટનાઓ શરમજનક છે. એક પણ ગુનેગારને છટકવા દેવામાં નહીં આવે.
‘બળાત્કારની ઘટનાઓમાં પીડિતોને ન્યાય મળશે, પૂરેપૂરો ન્યાય મળશે, ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવશે,’ એવી વડા પ્રધાન મોદીએ ખાતરી આપી.
સેંગાર ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના બાંગરમઉ મતવિસ્તારમાંથી વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા છે. એ ચાર વખત વિધાનસભ્ય બન્યા છે. એવો આરોપ છે કે સેંગર અને એમના ભાઈઓએ 2017માં 16 વર્ષની સગીરા પર ગેંગરેપ કર્યો હતો. એ યુવતીએ ગયા રવિવારે લખનઉમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના નિવાસસ્થાનની બહાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, એ યુવતીનાં પિતાનું ગયા અઠવાડિયે પોલીસ કસ્ટડીમાં થયું હતું અને યુવતીએ એ માટે સેંગરને જવાબદાર ગણાવ્યા છે. આ કેસમાં સીબીઆઈ તપાસ કરી રહી છે.
જમ્મુ અને કશ્મીરના જમ્મુ પ્રાંતના કઠુઆ જિલ્લામાં આઠ વર્ષની આસીફા નામની છોકરીનું છ પુરુષો ગયા જાન્યુઆરીમાં અપહરણ કરી ગયા હતા અને ગામના એક મંદિરમાં એક અઠવાડિયા સુધી એને ગોંધી રાખી હતી હતી અને એની પર સામુહિક બળાત્કાર કર્યો હતો. બાદમાં નરાધમોએ પકડાઈ જવાનો ડર લાગતાં એ છોકરીને મારી નાખી હતી. બદમાશોએ એ છોકરીનું 10 જાન્યુઆરીએ અપહરણ કર્યું હતું અને 14 જાન્યુઆરીએ એને ગળું દાબીને મારી નાખી હતી. છોકરીનો મૃતદેહ 17 જાન્યુઆરીએ મળ્યો હતો.