કેરળનું એક તદ્દન નાનકડું ગામડું થુમ્બા. નવેમ્બર, 1963ની એક સવારે ગામના દરિયાકિનારે થોડા લોકો ભેગા થયા હતા. એ લોકોને વિશ્વાસ હતો કે ટૂંક સમયમાં એક ઈતિહાસ રચાઈ જવાનો છે, એવો ઈતિહાસ જે થોડાં વર્ષમાં આખી દુનિયાને અચંબામાં મૂકી દેશે. થુમ્બાના રહેવાસીઓએ આગલા દિવસોમાં થોડી ચહલપહલ નિહાળી હતી, જેમ કે એક સાઈકલ પર બે લોકો કોઈ અણીદાર પદાર્થ લઈને ગામ તરફ આવી રહ્યા છે અને એ પછી એક બળદગાડામાં એવો જ બીજો કોઈ સામાન લાવવામાં આવી રહ્યો છે.
બળદગાડામાં જે સામાન આવ્યો હતો એ હકીકતમાં આપણા પહેલા સાઉન્ડિંગ રોકેટનો નીચેનો હિસ્સો હતો, જ્યારે સાઈકલ પર જે અણીદાર પદાર્થ હતો એ હતો રોકેટનો ટોચનો ભાગ. થુમ્બાના દરિયાકિનારે ભેગા થયેલા પેલા લોકો એટલે કે આપણા વિજ્ઞાનીઓએ રોકેટના બધા પુરજા એક કર્યા અને એને પૃથ્વીના વાતાવરણની બહાર મોકલવાનો પહેલો પ્રયાસ કર્યો. ત્રીસેક કિલો વજન સાથે આપણું એ પહેલું રોકેટ ભલે પૃથ્વીની સપાટીથી બસ્સોએક કિલોમીટર જ ઉપર ગયું હતું અને ભલે એ એક બહુ નાનીસી શરૂઆત હતી, અત્યારે આપણે અવકાશવિજ્ઞાન ક્ષેત્રે જે હવાઈ કૂદકા મારીએ છીએ અને એક પછી એક સિદ્ધિ મેળવી રહ્યા છીએ એના પાયામાં એ એક નાનુંઅમથું પગલું હતું.
આમ જોઈએ તો આ એક સપનું હતું, આપણા દૂરદર્શી અવકાશવિજ્ઞાની વિક્રમ સારાભાઈ અને એમના ચુનંદા સાથીઓનું, જે એમણે સાવ જ ટાંચાં સાધનો સાથે સાકાર કર્યું હતું. અત્યારે વિશ્વની સૌથી સફળ અવકાશયાત્રાના ચાલક અને વાહક તરીકે ભારતની ગણતરી થાય છે, એનું શ્રેય થુમ્બાથી છોડવામાં આવેલા સાઉન્ડિંગ રોકેટના એ પ્રયોગને જાય છે.
થુમ્બાથી શરૂ થયેલા સપનાએ આજે વિશ્વની અવકાશયાત્રામાં ભારતને ગૌરવપૂર્ણ સ્થાન અપાવ્યું
આપણે ચંદ્રની સપાટી પર ભારતીય તિરંગો લહેરાવ્યો છે, મંગળની ભ્રમણકક્ષા સુધી આપણો ઉપગ્રહ (મંગલયાન) પહોંચાડ્યો છે, ઔર એક ઉપગ્રહ (આદિત્ય-L1) સૌરજ્વાળાનો અભ્યાસ કરી રહ્યો છે… એક જમાનામાં આ બધું કદાચ કોઈને દીવાસ્વપ્ન લાગતું હશે, પણ આપણે એ શક્ય બનાવ્યું છે. આવા અનેક સોપાન ભારતીય અવકાશવિજ્ઞાન સંશોધન સંસ્થા ઈસરોએ સર કર્યા છે.
1963માં રોકેટ છોડવાના પહેલા પ્રયોગ પછી આપણે ચાર વર્ષમાં પહેલો ઉપગ્રહ (RH 75) બનાવ્યો, 1975માં આપણે રશિયન રોકેટની મદદથી પહેલો ઉપગ્રહ (આર્યભટ્ટ) અવકાશમાં તરતો મૂક્યો તો 1980માં આપણે ઘરઆંગણે વિકસાવેલા રોકેટ (સેટેલાઈટ લૉન્ચ વેહિકલ)થી રોહિણી ઉપગ્રહ વહેતો મૂક્યો. ભારતની ભૂમિ (શ્રીહરિકોટા લૉન્ચ સાઈટ) પરથી એ ઉપગ્રહ તરતો મૂકવા સાથે ભારત માટે એક નવી દિશા ખૂલી ગઈ.
1975માં આર્યભટ્ટથી શરૂ કરીએ તો 2025ના આરંભ સુધીમાં ભારતે પોતાના કુલ 130 ઉપગ્રહ છોડ્યા છે, જેમાંથી પચાસથી વધુ હજી સક્રિય એટલે કે એમની કામગીરી બજાવી રહ્યા છે. એમ તો ઈસરોએ અત્યાર સુધી 433 વિદેશી ઉપગ્રહો પણ અવકાશમાં તરતા મૂક્યા છે. હજી થોડા મહિના અગાઉ જ યુરોપિયન સ્પેસ એજન્સીએ એના પ્રોબા-થ્રી તરીકે ઓળખાતા મિશનના બે સેટેલાઈટ આપણા રોકેટથી તરતા મૂક્યા તો અમેરિકન સ્પેસ એજન્સી નાસા અને ઈસરો મળીને નિસાર નામનો પ્રકલ્પ સંયુક્તપણે પાર પાડવાનાં છે. આ નક્કર હકીકત સૂચવે છે કે આપણે કેટલું ગજું કાઢ્યું છે. ચંદ્રયાન અને મંગલયાન પણ એનાં ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. માર્સ ઑર્બિટર મિશન (મંગલયાન)ના માધ્યમથી પહેલે જ પ્રયાસે મંગળ સુધી પહોંચનારો પ્રથમ દેશ બની ભારતે એની ટેક્નોલૉજિકલ ક્ષમતા તો પુરવાર કરી જ, સાથોસાથ અવકાશમાં સંશોધનનો અતિ વાજબી દરનો વિકલ્પ પણ વિશ્વ સમક્ષ મૂક્યો.
ભારત અને અમેરિકા સાથે મળી ‘નિસાર’ નામે સેટેલાઈટ સિસ્ટમ વિકસાવી રહ્યાં છે
આશાસ્પદ ભવિષ્યની દિશામાં ભારતનો હવાઈ કૂદકો
પાછલાં વર્ષોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ તો ભારતે મોટી છલાંગ જ મારી છે. 2014માં નરેન્દ્ર મોદીએ દેશનું સુકાન સંભાળતાં વેંત આ ક્ષેત્રે અનેક સુધારાની શરૂઆત કરી, જેનું એક મહત્ત્વનું પગલું એટલે ખાનગી ક્ષેત્રના સહભાગ સરળ બનાવવા (IN-SPACe)ની સ્થાપના. આજે પાંચ વર્ષ કરતાંય ઓછા સમયમાં આપણે ત્યાં 300 જેટલાં સ્પેસ સ્ટાર્ટ-અપ્સ કંઈક નવું કરવા તત્પર છે, એ એનો પ્રતાપ છે. વર્ષ 2019માં ભારતે ચંદ્રયાન-2 તરતું મૂકીને ઔર એક મહત્ત્વની સિદ્ધિ એના નામે કરી. આ પ્રોજેક્ટ હેઠળ એનું લૅન્ડર ભલે અતિ નિયંત્રિત ગતિએ ચંદ્રની ભૂમિ પર ઊતરી ન શક્યું (સૉફ્ટ-લૅન્ડિંગ ન કરી શક્યું), ચંદ્રની ફરતે ફરી રહેલું ઑર્બિટર હજી આપણા આ ઉપગ્રહની સપાટી પરની મહત્ત્વની વિગત એકત્ર કરીને મોકલી જ રહ્યું છે.છેલ્લા દાયકા દરમિયાન જ આપણે દેશનું એકસોમું લૉન્ચ વેહિકલ (રોકેટ) અવકાશમાં મોકલ્યું અને આ જ દાયકામાં આપણે ઔર એક છોગું ઉમેર્યું છે- એ હતું ચંદ્રયાન-3નું પહેલા જ પ્રયાસમાં ચંદ્રના તદ્દન અંધારિયા એવા દક્ષિણ ગોળાર્ધ નજીક સૉફ્ટ-લૅન્ડિંગ. દુનિયાભરના વિજ્ઞાનીઓને ચંદ્રના આ વિસ્તારની ભૂગોળ અને ત્યાંના વાતાવરણ વિશે જાણવામાં રસ છે. ચંદ્રયાન-૩ના રોવર તરીકે ઓળખાતા ઉપકરણે ત્યાં અનેક પ્રયોગ કરી ઘણી મૂલ્યવાન માહિતી એકઠી કરી છે.
એની સફળતાને આગળ વધારવા ચંદ્રયાન-4 મિશન પણ થોડા સમયમાં આવશે. ચંદ્રના દક્ષિણ ગોળાર્ધમાં વધુ પ્રયોગો હાથ ધરવા અને ત્યાંની માટીના નમૂના ભેગા કરી એનાં સંશોધન માટેનું આ મિશન છે, જે માટે આપણે 9200 કિલો વજનનો ઉપગ્રહ મોકલવાના છીએ.
અવકાશ સંશોધનના આ અને બીજા પ્રકલ્પ આપણા રાષ્ટ્રીય વિકાસમાં નોંધપાત્ર પ્રદાન આપી રહ્યા છે. ઉપગ્રહો દ્વારા મેળવવામાં આવતી માહિતી આપણને ખેતી, નગરવિકાસ તથા કુદરતી આપદાના સામના માટે સજ્જ થવા સહિત અનેક કામમાં મદદરૂપ થઈ રહી છે. જળશક્તિ વૉટર કન્ઝર્વેશન પ્રોગ્રામ અંતર્ગત ભૂગર્ભમાં રહેલાં પાણીના જથ્થા વિશેની માહિતી આપણને પૃથ્વીની એક ગંભીર સમસ્યાના નિવારણ માટે કેવી સહાય કરી શકે છે એનો દાખલો છે.
ભારતના અવકાશ સંશોધનને લગતી બીજી તમામ યોજના પણ આશાસ્પદ ભવિષ્ય તરફ લઈ જવાની અપાર શક્યતા ધરાવે છે. આંગળીને વેઢે ગણી શકાય એટલા દેશ જે કરી શક્યા છે અને આપણે જે દિશામાં આગળ વધી રહ્યા છીએ એવો એક પ્રોજેક્ટ છે ગગનયાન-ભારતના ચુનંદા અવકાશવિજ્ઞાનીઓને આપણી જ સ્પેસફ્લાઈટ (અવકાશયાન)માં પૃથ્વીની સપાટીથી આશરે અઢીસો કિલોમીટર જેટલે દૂર મોકલવાનો આ પ્રકલ્પ છે. અમુક આંતરરાષ્ટ્રીય એજન્સીના સહકારથી આપણા એ ચુનંદા અવકાશયાત્રીઓ (ગગનવીર)ની તાલીમ અત્યારે ચાલી રહી છે. આપણા એ અવકાશયાનની સુરક્ષા તથા એમાં સવાર થનારા અવકાશયાત્રીઓની સલામતીમાત્રની યંત્રણાને લગતાં પરીક્ષણ હાલ થઈ રહ્યાં છે. એ ગગનવીરોને અવકાશમાં મોકલતાં પહેલાં મિશન માટેની આપણી સજ્જતા ચકાસવા ત્રણ માનવરહિત ટેસ્ટ ફ્લાઈટ છોડવાની આપણી યોજના છે.
ગગનયાન જેવી ઔર એક મહત્ત્વાકાંક્ષી યોજના છે 2035 સુધીમાં અવકાશમાં આપણું પોતાનું કહી શકાય એવું ભારતીય અંતરીક્ષ સ્ટેશન. અવકાશમાં જ લાંબો સમય રહીને આપણા વિજ્ઞાનીઓ વિવિધ પરીક્ષણ કરી શકે અને ભવિષ્યના અનંત અવકાશમાં થઈ શકે એવા ડીપ-સ્પેસ મિશન માટેની તૈયારી તરફનું આ એક મહત્ત્વનું પગલું છે. હમણાં થોડાં સપ્તાહ અગાઉ જ ઈસરોએ અવકાશમાં બે પ્રયોગાત્મક ઉપગ્રહોને એકદમ નજીક લાવી એમનું ડોકિંગ (સાદી ભાષામાં કહીએ તો બે ઉપગ્રહનું મિલન) કરાવ્યું. SpaDeXના આપણા આ સફળ પ્રયોગને પગલે ભવિષ્યમાં આ રીતે બે ઉપગ્રહ કે સ્પેસસ્ટેશન વચ્ચે ક્રૂ કે માલસામાન અથવા તો ઈંધણની અદલાબદલી પણ શક્ય બનશે. આ ક્ષમતાના બળ પર આપણે પાંચ હિસ્સામાં બનનારું સ્પેસસ્ટેશન વિકસાવી રહ્યા છીએ, જેનું પહેલું મોડ્યુઅલ (હિસ્સો) આપણે 2028 સુધીમાં અવકાશમાં તરતો મૂકવા ધારીએ છીએ. પછીનાં વર્ષોમાં બાકીના હિસ્સા તબક્કાવાર અવકાશમાં મોકલી એમને એકબીજા સાથે જોડી (ડોકિંગ કરાવી) સ્પેસસ્ટેશન તૈયાર કરવામાં આવશે.
થોડા મહિના અગાઉ ભારતે અવકાશમાં બે ઉપગ્રહોને નજીક લાવી એમનું મિલન (ડોકિંગ) કરાવ્યું
અત્યારે આપણે સ્પેસ બાયોલૉજી અને બાયોટેક્નોલૉજીના અભ્યાસ ક્ષેત્રે પણ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. બાહ્ય અવકાશના વાતાવરણની અસર હેઠળ માનવશરીરને ટકવામાં મદદ કરે એવી ઔષધિ અને અમુક વનસ્પતિના વિકાસની શક્યતા આપણા વિજ્ઞાનીઓ તપાસી રહ્યા છે.ભારતની અવકાશને આંબતી આવી સફળતા એ માત્ર ટેક્નોલૉજીના વિકાસને કારણે નથી, એ પાછળ આપણા નેતૃત્વની દૂરંદેશી અને અમુક નીતિવિષયક સુધારા પણ છે. વિશેષ તો પાછલા દાયકામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ક્ષેત્રની ક્ષમતા માપીને જે પગલાં લીધાં છે એનાથી આપણા વિજ્ઞાનીઓને વિશ્ર્વાસનું ઈંધણ મળ્યું છે. ઈસરોના વિજ્ઞાનીઓ એમની નિપુણતાને નિતનવી શોધ તરફ વાળી રહ્યા છે. સરકારની દૂરદર્શિતાને કારણે ખાનગી ક્ષેત્રનો સહકાર વધ્યો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એ માટે અનેક અવસર ઊભા થયા છે. આગામી વર્ષોમાં આપણે ન્યુ જનરેશન લૉન્ચ વેહિકલ અર્થાત્ અતિ આધુનિક રોકેટ બનાવી રહ્યા છીએ, જે આપણી ક્ષમતા ઔર વધારશે. આ રોકેટ 30,000 કિલો જેટલા વજનની સામગ્રી લો અર્થ ઑર્બિટમાં ગોઠવવામાં સહાયરૂપ બનશે.
આગે આગે દેખિયે હોતા હૈ ક્યા?
અવકાશ સંશોધન અંતર્ગત આપણે નેવિગેશન વિથ ઈન્ડિયન કૉન્સ્ટેલેશન (NavIC system)ની ક્ષમતા પણ વધારી રહ્યા છીએ. જીપીએસ જેવી આ સિસ્ટમ માટે આપણે વધુ ઉપગ્રહ તરતા મૂકવાના છીએ, જે આપણને કુદરતી સંપત્તિ શોધવાના અને કેટલાક વ્યૂહાત્મક પ્રકલ્પ માટે કામ આવશે. અમેરિકન સ્પેસ એજન્સી નાસા સાથેનું નિસાર મિશન આપણી પર્યાવરણ વ્યવસ્થાનો અભ્યાસ કરશે તો એ પછી ભારત જપાનીઝ ઍરોસ્પેસ એક્સ્પ્લોરેશન એજન્સી સાથેનું લ્યુનાર પોલાર એક્સ્પ્લોરેશન મિશન (LUPEX) પણ અવકાશમાં મૂકવાનું છે. એમ તો શુક્ર ગ્રહના અભ્યાસ માટે પણ ઉપગ્રહ મોકલવાની આપણી યોજના છે અને વધુ એક મંગલયાન પણ ખરું જ. આદિત્ય-L1 બાદ ઈસરો હવે સૂર્ય પરની ગતિવિધિના ગહન અભ્યાસ માટે આગળ વધવાનું વિચારી રહ્યું છે.
આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં આપણી બે રોકેટ લૉન્ચિંગ સાઈટ છે જ. મોદી સરકારે ત્યાં હવે વધુ એક લૉન્ચ પૅડ બનાવવાની યોજનાને મંજૂરી આપી છે તો તામિલનાડુના કુલશેખરપટ્ટીનમ નજીક આપણું નવું સ્પેસ-પોર્ટ બનશે, જ્યાંથી આપણે વધુ ઉપગ્રહો તરતા મૂકી શકીશું. અવકાશમાં જતાં લૉન્ચ વેહિકલ (રોકેટ)ના ટુકડા, જેની અવધિ પૂરી થઈ ગઈ હોય એવા ઉપગ્રહો તથા અન્ય પ્રકારનો અવકાશી કચરો દૂર કરવાની દિશામાં કંઈક નક્કર કરવાનું પણ ઈસરોની વિચારણા હેઠળ છે. એક જવાબદાર દેશ તરીકે આપણે આ કામ પણ કરવું રહ્યું.
અંતે એટલું ઉમેરવાનું કે દેશનો સ્પેસ પ્રોગ્રામ આપણાં સપનાં, આપણી અપેક્ષા અને આપણા ખંતની સફર છે. કેરળના એક છેવાડાના ગામથી શરૂ થયેલી આપણી આ સફર છે, જે આજે એક મહત્ત્વના પડાવ સુધી પહોંચી છે. પાછલાં વર્ષોમાં આપણે એ દિશામાં નોંધપાત્ર વિકાસ કર્યો છે. એ માટે આપણે જે દૃષ્ટિ કેળવી છે એને કારણે ભારત એક નવા યુગમાં પ્રવેશ્યું છે. આજે ભારત અંતરીક્ષમાં વધુ ને વધુ ઊંચાઈ સર કરી રહ્યું છે ત્યારે વિશ્વ સમસ્તની નજર આપણા પર છે, આપણી કુશળતા અને કાર્યક્ષમતા પર છે.
(ડૉ. જિતેન્દ્રસિંહ)
(લેખક વિજ્ઞાન અને ટેક્નોલોજી ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન તરીકે સ્વતંત્ર હવાલો ધરાવે છે. કેન્દ્ર સરકારમાં ભૂવિજ્ઞાન, અંતરીક્ષ વિભાગ અને વડા પ્રધાન કાર્યાલયના રાજ્ય પ્રધાનનો કાર્યભાર સંભાળે છે.)
(શબ્દાંકન: ઉમંગ વોરા)
