ઘણાં વર્ષ પૂર્વે પહેલી વાર સ્કેન્ડિનેવિયામાં ગઈ હતી. હું અને સુધીર લંડનની એક ટ્રાવેલ કંપની મારફત આ ગ્રુપ ટુર પર ગયાં હતાં. ટુર્સ કેવી હોય છે, ઈન્ટરનેશનલી ટુર્સ પર શું કરવામાં આવે છે, તેમની પાસેથી આપણે કઈ સારી બાબતો લઈ શકીએ તે જોવાનો આની પાછળ ઉદ્દેશ હતો. તે સમયે અમારી ઈન્ટરનેશનલ ટુર્સ પણ શરૂ થઈ નહોતી. આથી અમારા વિશ્વ પ્રવાસનો અનુભવ બહુ જ મર્યાદિત સ્વરૂપનો હતો. ગ્લોબ ટ્રોટર પદવી ત્યાર પછી અનેક વર્ષ બાદ મળી. આ ટુર સમયે જો કે અમે ખાસ્સાં નવાં હતાં. શૂઝ કેવાં હોવાં જોઈએ, કપડાં શું પહેરવાં, દુનિયાભરમાં ક્યાંયથી પણ જોઈન થનારા પર્યટકો સાથે કઈ રીતે સુમેળ સાધવો આ બધાના શ્રીગણેશ હતા. તે બધામાંથી પછી મારું લેખન શરૂ થયું તે આજ સુધી ચાલુ છે. જે અનુભવમાંથી શીખવા મળ્યું તે શૅર કરવા લાગી. વાચકો સાથે, પર્યટકો સાથે સુમેળ સાધવાનો આ લેખનો પ્રવાસ આનંદદાયક બનતો ગયો. આ ની ટુર પર હતાં ત્યારે હું સંપૂર્ણ વેજિટેરિયન બની ચૂકી હતી. યુરોપમાં ફરતી વખતે, ખાસ કરીને સ્કેન્ડિનેવિયામાં વેજિટેરિયન હોવું એટલે દિવ્ય બાબત હતી. “વેજિટેરિયન ક્યા હોતા હૈ?” એવું દરેક ઠેકાણે સમજાવીને કહેવું પડતું.
અમારી ટુર મેનેજર અમેંડા નામની બ્રિટિશ છોકરી હતી. જે સમયે તેને અમે કહ્યું કે હું વેજિટેરિયન છું ત્યારે તેનો ચહેરો જોવા જેવો થઈ ગયો હતો. હવે આ પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ કરવાનો તે ફિકરથી તે ગ્રસ્ત હતી. રોજ અમેંડા રેસ્ટોરાં સાથે વાત કરીને વેજિટેરિયનનો કોઈક ઈનોવેટિવ પ્રકાર કરી આપવાનો પ્રયાસ કરતી. હું ચોક્કસ તે જ સમયે વેજિટેરિયન શા માટે બની? આ પ્રશ્ને મેં કપાળે હાથ મારી લીધો. જો કે પ્રણ લીધો હતો, જે તોડવાનો નહોતો. આથી મેં જે કાંઈ સામે આવવાનું છે તેમાંથી વેજિટેરિયન ખાદ્ય અને સેલાડ ખાઈને તે ટુર પર હેમખેમ ભૂખ સંતોષી. ડબલ ટોર્ચર હતું એક્ચ્યુઅલી! એક તો આ ટુર્સ પર લંચ પ્રકાર જ નહોતો. બ્રેકફાસ્ટ અને ડાયરેક્ટ ડિનર. બહુ ભૂખ લાગતી. વારુ, વરણ-ભાત, શાક, ચટણી, અથાણું, પાપડ વગેરે જમવામાં નહોતું. એક જ કોઈક ડિશ રહેતી. પછી તે ભાત, બટાટા, શાક હોય અથવા એક જ ઉકાળેલું ફ્લાવર અને તેની સાથે સોસ અને ચિપ્સ. એટલે કે તે ડિશ દેખાવમાં એટલી સુંદર રહેતી કે જોતાં જ રહીએ. તે સમયે મોબાઈલ ફોન નહોતો. અન્યથા મસ્ત ફોટો કાઢી રાખ્યા હોત.
એકંદરે ભૂખ્યા પેટ સાથે તે ટુર પાર પડી અને જ્યારે પણ ઈન્ટરનેશનલ ટુર શરૂ કરીશું ત્યારે આપણા પર્યટકોને “બપોરનું ભોજન આપવાનું” એવું અમે નક્કી કર્યું. આપણા ભારતીય મનને સવારનો નાસ્તો, બપોરનું અને રાતનું ભોજનની એટલી આદત છે કે લંચ વિના કઈ રીતે રહેવું એ પ્રશ્ન પડે છે. તે સમયે મને પણ તે મહેસૂસ થયું. બપોરે જમવાના સમયે ભૂખથી પેટમાં કાગડા ઊડતા. સાઈટસીઈંગમાં મન લાગતું નહીં. ક્યારેક-ક્યારેક શરીરને નહીં પણ મનને ભૂખ લાગતી. ચિપ્સ ખાઈને અથવા એકાદ જ્યુસથી ચાલતું નહીં. સાઈટસીઈંગ કરતાં અને જે તે સ્થળનો આનંદ લેવા કરતાં બપોરનું ભોજન નથી તે ચિંતાએ મનમાં ઘર કરી દીધેલું રહેતું.
અમેંડાએ બહુ સારી રીતે ટુર કંડક્ટ કરી. ટુરના કાર્યક્રમમાં લખ્યું હતું, જે જોઈને અમે પૈસા ભર્યા હતા તે સર્વ બરોબર પાર પડ્યું. ટીકા કરવાની જગ્યા નહોતી. “આઈડિયલ વે ઓફ કંડક્ટિંગ ધ ટુર” નો ઉત્તમ દાખલો તેણે અમારી સામે રાખ્યો. “બપોરનું ભોજન નહીં” એ બાબત આપણા ભારતીય પર્યટકોને નહીં ચાલે, જેથી તેમાં અમે ફેરફાર કરવાનું નક્કી કર્યું.
બીજી એક વાત મને ખૂંચી તે એ કે દરરોજ ફક્ત અડધો દિવસ જ સ્થળદર્શન અથવા બે દિવસ એવા હતા કે તે દિવસે કશું જ નહીં. સંપૂર્ણ ફ્રી દિવસ. એટલે તે જોઈને જ અમે બુકિંગ કર્યું હતું, પરંતુ અમે વિચાર કર્યો હતો કે તે સમયમાં આપણે પોતે શહેરમાં ફરીશું. પગપાળા ચાલ્યા વિના શહેર સમજાતું નથી ને. જો કે થયું ઊલટું. દરરોજ અમેંડા અમને બીજા દિવસના ફ્રી ટાઈમમાં તમે શું-શું ઓપ્શનલ કરી શકો છો તેની લિસ્ટ આપતી તેના ચાર્જીસ સાથે અને પછી બસમાં સુસંવાદ અથવા થોડો વિસંવાદ શરૂ થતો.
“પૈસા” જેમને માટે પ્રોબ્લેમ નહોતો તેઓ તુરંત બુક કરતા. પરંતુ અમારા જેવાં અનેકોને ટુરના પૈસા ભર્યા પછી દરરોજ આવા ઓપ્શનલ માટે ક્યાંક સો-બસ્સો જ્યારે ક્યાંક ચારસો ડોલર્સ ભરવાનું ભારે લાગતું. નહીં જઈએ તો આપણે કશુંક મહત્ત્વનું મિસ કરીશું એવું લાગતું અને જઈએ તો આટલા પૈસા શા માટે? આ વિચારથી જીવ અધીરો બની જતો. ગમે તેટલું કહીએ તો પણ આપણું મધ્યમ વર્ગીય મન હિસાબ તો કરે જ છે.
એકંદરે તે ટુરમાંની આ “ઓપ્શનલ સાઈટસીઈંગ” વાળી બાબત મનમાં ખૂંચી. લોકોએ મોકળા મનથી ટુર એન્જોય કરવી જોઈએ એ વાત આ ઓપ્શનલને લીધે ડિસ્ટર્બ થઈ. એક વાર અમેંડાએ ઓપ્શનલની લિસ્ટ જાહેર કરી એટલે બસમાંનો માહોલ જ બદલાઈ જતો. “તું જશે? તમે શું કરશો? બહુ મોંઘું છે નહીં! અમે જઈ રહ્યાં છીએ…” આવો સંવાદ છેડાતો અને અમુક ચહેરા પ્રફુલ્લિત, અમુક આનંદિત જ્યારે અમુક ઉદાસ એવો સીન થતો. અમે અમુક ઓપ્શનલ સાઈટસીઈંગ લીધા. એક-બે સ્થળનું સારું હતું, જ્યારે બે સ્થળે આટલા પૈસા આપીને મૂડ ખરાબ કરી લીધો એવું બન્યું.
સારું થયું આ ટુર પર અમે ગયાં અને તે પણ શરૂઆતમાં, ઈન્ટરનેશનલ ટુર્સ શરૂ કરવા પૂર્વે, કારણ કે આ ટુર પર જ “કાળા પથ્થર પરનું લખાણ” કહેવાય છે ને તે રીતે નક્કી કરી નાખ્યું કે આપણી ટુર્સમાં ક્યારેય ઓપ્શનલ સાઈટસીઈંગ પ્રકાર નહીં રહેશે. જે જોવાનું છે તે આપણી ટુરમાં હોવું જ જોઈએ. પર્યટકોએ એક જ વાર પૈસા ભરવાના. ટુર પર પૈસાનો મુદ્દો જ નહીં, જેથી નારાજી નહીં અને એકાદ બાબત જોવાની રહી જાય પૈસાને અભાવે એવું ક્યારેય નહીં બનવું જોઈએ. આ તે સ્કેન્ડિનેવિયાની ટુર પર નક્કી કર્યું તે આજ સુધી અમે પાળ્યું અને મને લાગે છે અમારા પર્યટકોને પણ તે ગમે છે.
દુનિયાના પ્રવાસમાં આવી અનેક બાબતો અનુભવતી વખતે તેમાંથી આપણા ભારતીય પર્યટકો માટે ચોક્કસ શું લેવાનું તે વિશેની અમારી કલ્પના સ્પષ્ટ થતી ગઈ. દુનિયાએ અમારી કાર્યશાળા બની. કોઈ પણ વાત જેમની તેમ ઉપાડી નહીં શકાય. ગ્લોબલમાંનું લોકલ, લોકલ ગ્લોબલ મળીને જ ગ્લોકલ એવી ખાસ્સી મસ્ત ખીચડી બની છે. દુનિયા નજીક આવી છે, પરંતુ તે છતાં મુંબઈને ચાલતી એકાદ બાબત અથવા અમારી જાહેરાત ક્યારેક-ક્યારેક પુણેમાં ચાલતી નથી અથવા અમારા દિલ્હીકરો સાથે કરવાનું કમ્યુનિકેશન બેન્ગલુરુ અથવા હૈદરાબાદમાં બદલવું પડે છે અથવા કલકત્તા સાથે સંપૂર્ણ અલગ રીતે બોલવું પડે છે. ગ્લોબલ દુનિયામાં ફરતી વખતે લોકલને ભૂલીને ચાલશે નહીં તે આપણાં ભારતે દુનિયાને શીખવ્યું છે.
હાલમાં અમે દીક્ષિતનું ડાયેટ અથવા ઈન્ટરમિટન્ટ ડાયેટ કરી રહ્યાં છીએ. બે જ વાર ખાવાનું. બ્રેકફાસ્ટ-લંચ અમે પસંદ કરેલો વિકલ્પ. આ જો મેં પાંત્રીસ વર્ષ પૂર્વે કર્યું હોત તો તે સ્કેન્ડિનેવિયાની ટુર પર થયેલો ભૂખમરો ખટક્યો નહીં હોત. યુરોપમાંનું ભોજન, ત્યાંના માણસો અથવા ભાષા કે ત્યાંના અનેક દેશોનો ઈન્ગ્લિશ નહીં બોલવાના આગ્રહને લીધે યુરોપ મોટે ભાગે ગ્રુપ ટુર્સ માટે પ્રસિદ્ધ બન્યું. લોકલ્સ સાથે સુસંવાદ સાધનારો ટુર મેનેજર મેડિયેટર બન્યો ભારત અને યુરોપ વચ્ચે, જેને લીધે ભારતીયોને યુરોપ ફરવાનું સુસહ્ય બન્યું.
હવે ખાવાની બાબત ચિંતા રહી નથી યુરોપમાં. ઊલટું એવું થયું છે કે ફક્ત ભારતીય ભોજન નહીં જોઈએ, વચ્ચે વચ્ચે લોકલ ફૂડ પણ આપો એવું પર્યટકો જ કહેવા લાગ્યા છે. તેમાંય અમે અનેક પ્રયોગ કરીને જોયા. રોજ એક લોકલ મીલ આપીએ અને એક ભારતીય ભોજન એવો પણ પ્રયાસ કર્યો, પરંતુ બાય એન્ડ લાર્જ પર્યટકોને રોજ લોકલ નથી જોઈતું તેની પર મંજૂરીની મહોર લાગી. એક પછી એક ભારતીય ભોજનનો કંટાળો આવે એટલે કાંઈક લોકલ-ગ્લોબલ હોવું જોઈએ એ વિચાર પર્યટકોના અને અમારા પણ ગળે ઊતર્યો. હાલમાં તે પ્રમાણે સપ્તખંડમાં ગ્લોબલ-લોકલ-ગ્લોકલ ભોજનનો સ્વાદ અમે પર્યટકોને આપી રહ્યાં છીએ.
થોડા મહિના પૂર્વે તૈપેઈ, તૈવાનમાં રેસ્ટોરાંએ અમને એટલું સરસ વેજિટેરિયન ખાવાનું આપ્યું કે તે તૈવાની ભોજન પછી અમે બધા પર્યટકોએ ખરા અર્થમાં તૃપ્તિનો ઓડકાર લીધો. તે પછી એન્ટાર્કટિકાની ટુર પર હતી ત્યારે ક્રુઝ પર એક્ઝિક્યુટિવ શેફ અમિત રાવ હતો, જે અમને ગ્રીનલેન્ડ-આઈસલેન્ડ ક્રુઝ પર મળ્યો હતો અને અમારી તેની સાથે સારી મૈત્રી બની હતી. તેણે તે એન્ટાર્કટિકા એક્સપીડિશન ક્રુઝ પર રીતસર અમારા ગ્રુપમાંના પર્યટકોને તેણે લાડ કર્યા. તે સાતમા ખંડ પર અમિતને લીધે પર્યટકોએ ઉત્કૃષ્ટ ગ્લોબલ ફૂડ સાથે એકદમ આપણું ભારતીય લોકલ ભોજન પણ મળતું હતું.
ખરેખર હાલમાં આ ક્ષણે આપણે એક મસ્ત દુનિયામાં છીએ. ગ્લોબલ-લોકલ-ગ્લોકલનો હકારાત્મક તાલમેલ આપણને ફાવે તો આપણે જીતી ગયાં સમજો.
(વીણા પાટીલ)
veena@veenaworld.com
(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)
