ગુજરાતીઓ હરવા-ફરવાના શોખીન છે એ તો આખી દુનિયા જાણે છે. શનિ-રવિની બે દિવસની રજાઓ હોય તો પણ ફરવા નીકળી પડે તો પછી દિવાળીના તહેવારોની ઉજવણી કરવા નીકળી ન પડે તો ગુજરાતીઓ કેવા?
પરંતુ તમે જો આ દિવાળીની રજાઓમાં ગુજરાત બહાર ક્યાંય ફરવા જવાનો પ્લાન ન કર્યો હોય અને છેલ્લી ઘડીએ ગુજરાતમાં, નજીકમાં ક્યાંય ફરવા જવાનું મન થાય તો આ સ્થળો તમારા માટે બેસ્ટ ઓપ્શન્સ હશે…
સાસણગીર
જંગલમાં ફરવાની મજા લેવી હોય તો દિવાળી સમયમાં સાસણગીર જવાનો પ્લાન બનાવી શકો છો. ગીર નેશનલ પાર્ક, એશિયાઈ સિંહોનું હોમ ટાઉન છે. વિશાળ જંગલ અને બાયોડાયવર્સિટી માટે જાણીતું છે, જ્યાં મૃગ, ચિતલ, હરણ અને અન્ય પશુઓની ઘણી જાતો જોવા મળે છે. જીપ સફારી પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ છે. આ ઉપરાંત ગીરમાં આવેલું કાન્કઈ માતાનું મંદિર પણ મહત્વનું ધાર્મિક સ્થળ છે, જ્યાં મુલાકાતીને શાંતિ અને પ્રકૃતિનો આનંદ માણવા મળે છે. અહીં કુદરતી સૌંદર્ય અને વન્યજીવનનો અનોખો અનુભવ મેળવી શકાય છે.
સાપુતારા
સાપુતારા હિલ સ્ટેશન ગુજરાતનું એકમાત્ર હવા મથક છે. સાપુતારાનો મતલબ નાગનું ઘર. સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું આ હિલ સ્ટેશન અદભુત કુદરતી સૌંદર્ય ધરાવે છે. અહીં ઘણા આકર્ષક સ્થળ છે. જેમાં હાથગઢ કિલ્લો, વાંસદા નેશનલ પાર્ક, સનસેટ પોઈન્ટ ઉપરાંત, સાપુતારા તળાવનો પણ સમાવેશ થાય છે. જ્યારે સાપુતારા જતા રસ્તામાં વધઈ ગાર્ડન, ગીરા ધોધ, સપ્તશૃંગી ગઢ પણ ફરવા માટે બેસ્ટ છે.
દીવ
નેચર લવર માટે દીવ બેસ્ટ ટુરિસ્ટ પ્લેસ છે. દીવમાં ઘણા સુંદર બીચ ઉપરાંત અનેક ઐતિહાસિક ઇમારતો છે. નાગોઆ, ધોધલા બીચ અને જલંધર બીચ સૌથી વધુ પ્રખ્યાત છે. પ્રવાસીઓ દીવમાં પેરાસેલિંગ, સન બાથિંગ, સ્વિમિંગ અને સ્પીડ બોટ, સ્કુબા ડાઈવિંગ, બનાના બુટ જેવી અનેક રાઈડની મજા લઈ શકે છે. તો વળી દીવમાં ડાયનોસોર મ્યુઝિયમ, સી સેલ મ્યુઝિયમ, સેન્ટ પોલ ચર્ચ, સેન્ટ થોમસ ચર્ચ, ગંગેશ્વર મહાદેવ, નાયડા કેવ ગુફા, દીવ કિલ્લો જોવાલાયક સ્થળો છે. ટુંકમાં દિવાળીમાં દીવ ગુજરાતીઓ માટે હોટ ફેવરીટ સ્પોટ છે.
દમણ
છેલ્લા કેટલાક સમયથી વલસાડને અડીને આવેલું નાનકડું દમણ હવે પ્રવાસીઓની પહેલી પસંદ બની રહ્યું છે. છેલ્લા 4 વર્ષમાં દમણના કાયાપલટ બાદ દમણના બીચ અને સી રાઈડસ ગોવાને પણ ટક્કર આપી રહ્યા છે. મીની ગોવા તરીકે જાણીતા દમણમાં દિવાળી વેકેશનનામાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. દમણમાં આવેલ દેવકા, જમ્પોર, લાઈટ હાઉસ બીચની સાથે ઐતિહાસિક કિલ્લાઓ અને ચર્ચ પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બની રહ્યું છે. અહીંના બીચની હવે કાયાપલટ થઇ ગઈ છે. અગાઉ માત્ર સસ્તી બિયર અને દારૂ માટે જાણીતું દમણ હવે હકીકતમાં પ્રવાસીઓને વિશ્વ કક્ષાના બીચ પૂરા પાડી રહ્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી
વડોદરા નજીક નર્મદા કિનારે આવેલુ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાલાયક સ્થળો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે સરદાર પટેલની ગગનચુંબી મૂર્તિ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યૂઇંગ ગેલેરી, બટરફ્લાય ગાર્ડન, આરોગ્ય વન, એકતા ક્રૂઝ, એકતા નર્સરી, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, વિશ્વ વન, ઇકો બસ ટુરિઝમ, યુનિટી ગ્લો ગાર્ડન, જંગલ સફારી, રિવર રાફ્ટિંગ, કેકટસ ગાર્ડન જોવાલાયક છે.
કચ્છ- ભુજ- માંડવી
દિવાળી સમય પર કચ્છમાં સફેદ રણની મુલાકાતે સમગ્ર ગુજરાતની સાથે દેશ-વિદેશથી પણ લોકો આવે છે. કચ્છની સાથે ધોળાવીરા કે જ્યાં સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું ખોદકામ કરેલુ ત્યાં પણ જઈ શકાય. જેની મુલાકાત લઈ શકાય છે. આ સાથે જ કચ્છ મ્યુઝિયમ, માંડવી બીચ, ભુજનો આઈના મહેલ, કંડલા-મુંદ્રા બંદર, નારાયણ સરોવર, હમીરસર તળાવ, માતાનો મઢ, પ્રાગ મહેલ અને કાળા ડુંગરની મુલાકાત લઈ શકો છો.
પોળો ફોરેસ્ટ
સાબરકાંઠાના વિજયનગર વિસ્તારમાં આવેલા પોળોનો વિસ્તાર કુદરતી સૌંદર્ય માટે આકર્ષણનું કેન્દ્ર છે. પૌરાણિક મંદિરો, જંગલ, નદી અને પર્વતોનો આહલાદક સમુહ એટલે પોળો ફોરેસ્ટ! અહીં પ્રકૃતિ તમારી સાથે વાતો કરે છે એવો અહેસાસ થાય છે. અરવલ્લીના પર્વતોની ગિરિમાળા અને જંગલનો સમન્વય છે માટે જ આ સ્થળ અદભૂત લાગે છે.
હેતલ રાવ
