તાજેતરમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે રોડ અકસ્માતનો રીપોર્ટ જાહેર કર્યો છે. જે મુજબ વર્ષ 2016માં ભારતમાં દર કલાકે 55 રોડ અકસ્માત થાય છે અને તેમાં 17ના મોત થાય છે અને દરરોજ 1317 અકસ્માતમાં 413 લોકોના મોત થાય છે. 2015માં રોડ અકસ્માતમાં 146,000 લોકોના મોત થયા હતા. જ્યારે 2016માં કુલ 4,80,000 રોડ અકસ્માત થયા, જેમાંથી કુલ 150,785 લોકોના મોત થયા છે. 2015ની સરખામણી કરીએ તો મોતની સંખ્યામાં 3.3 ટકાનો વધારો થયો છે. પણ માર્ગ અકસ્માતમાં 4.1 ટકાનો ઘટાડો થયો છે. આ તો સર્વસામાન્ય અકસ્માતની વાત થઈ. પણ રીપોર્ટમાં ખૂબ જ ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
રોડ અકસ્માત પાછળ બે મુખ્ય કારણો બહાર આવ્યા છે. સૌપ્રથમ વધુ પડતી સ્પીડ અને બીજું મોબાઈલ પર વાત… ઓવરસ્પીડિંગને કારણે 66 ટકા અકસ્માત થયાં હતાં, અને તેમાંથી 61 ટકા લોકોના મોત થયાં હતાં. તેનાથી વધુ ચોંકાવનારી વાત એ છે કે વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરતાં હોવાને કારણે 4,976 અકસ્માત થયા, જેમાંથી 2,138 લોકોના મોત થયા છે. જે રેશિયો 46 ટકા રહ્યો છે. અને 4,746 લોકો ઘાયલ થયા હતા.
વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોન પર વાત કરવાના અકસ્માતમાં વધારો થયો છે, જેથી વાહન ચલાતી વખતે મોબાઈલ ફોન પર વાત કરવી કેટલી ઘાતક છે તે આ રીપોર્ટે દર્શાવે છે. વાહન ચલાવનારની સાથેસાથે રસ્તા પર ચાલતા જતાં લોકો પણ મોબાઈલનો ઉપયોગ કરે છે, તેને કારણે પણ અકસ્માત થયા છે અને દુર્ઘટનાના શિકાર થયા છે.
વિશ્વ આરોગ્ય સંગઠનના રીપોર્ટ અનુસાર જે લોકો વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે તે લોકો સાથે અકસ્માત થવાની શકયતા 4 ગણી વધી જાય છે.
અમદાવાદ આરટીઓ જી. એસ. પરમારે chitralekha.com સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આરટીઓ દ્વારા મોબાઈલ પર વાત કરતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી તો કરાય છે, પણ સાથે સાથે આવા વાહન ચાલકોનું માનસ પરિવર્તન કરવાની જરૂર છે. મોટર વ્હીકલ એક્ટ અનુસાર વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરવી તે ગુનો તો છે જ. પણ લોકો દંડ ભરીને છુટી જાય છે. હા મારી પાસે એવો પોલીસ રીપોર્ટ આવે કે પાંચ વખતથી વધારે વખત વાહન ચલાવતા મોબાઈલનો ઉપયોગ કર્યો હોય તેવો ગુનો હોય તો તેવાના લાયસન્સ રદ કરવામાં આવે છે. પણ અમદાવાદ શહેરમાં જ 40 લાખથી વધારે વાહનો છે. દરેક ઘરમાં 3-3 વાહનો થઈ ગયા છે. મોબાઈલનો યુઝ કરવા માટે લોકોમાં સેલ્ફ અવેરનેસની જરૂર છે. શહેરના પ્રાઈમ લોકેશન પર સીસીટીવી લાગેલા છે, જેમાં મોબાઈલ પર વાત કરતાં કેમેરામાં કેદ થાય તો પણ દંડ લાદવામાં આવે છે. બીજુ આરટીઓ દ્વારા ઝુંબેશ ચલાવાય છે કે શાળા-સ્કૂલ-કોલેજમાં ટ્રાફિક અવેરનેસ અને રોડ સેફટી અંર્તગત સેમિનાર યોજીને શિક્ષણ અપાય છે. આરટીઓ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ પોઈન્ટ ગોઠવીને પણ ટ્રાફિકના નિયમોના ભંગ બદલ લોકોને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પણ લોકો દંડ ભરીને ફરી પાછા એવા ને એવા થઈ જતા હોય છે. મારી દ્રષ્ટિએ જ્યાં સુધી સેલ્ફ અવેરનેસ અને મોબાઈલ પાછળનું ગાંડપણ દૂર કરવાની પણ જરૂરિયાત છે.
પૂર્વ સંયુક્ત નિયામક વાહન વ્યવહાર- ગાંધીનગરના જશુભાઈ બારેવડિયાએ chitralekha.com ને જણાવ્યું હતું કે વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરનારનું 75 ટકા ધ્યાન વાત કરવામાં હોય છે. 25 ટકા ધ્યાન જ વાહન ચલાવવામાં કે સામે નજર રાખવામાં હોય છે. તમે ખાસ જોયું હશે કે વાહનચાલક મોબાઈલ પર વાત કરતી વખતે વાહન ધીમે ચલાવશે, અને ઓવરટેક નહી કરે. પણ તેનું ધ્યાન મોબાઈલમાં હોવાને કારણે(માઈન્ડ એબસન્ટ) અકસ્માત સર્જાય છે. લોકો 2-3 કિલોમીટર સુધી વાહન ચલાવતી વખતે મોબાઈલ પર લાંબી વાતો કરતાં હોય છે. પાછી કારમાં વાઈફાઈ સુવિધા આવી ગઈ છે, એટલે તે મોબાઈલ હાથમાં રાખ્યા વગર પણ વાત કરી શકે છે. પછી તેની પાસે કોઈ સમયની મર્યાદા રહેતી નથી. ઘણા લોકો તો ડ્રાઈવિંગ કરતી વખતે કારમાં બેસી ત્યાંથી વાતો કરતાં કરતાં છેક છેલ્લા પોઈન્ટે ઉતરે ત્યાં સુધી વાતો કરતાં હોય છે. આ ખુબ ડેન્જરસ છે.
જશુભાઈ જણાવે છે કે મોટર વ્હીકલ એક્ટમાં જોગવાઈ છે કે મોબાઈલ પર વાત કરતાં પકડાય તો દંડ કરાય, અને વધુ વાર પકડાય તો તેનું ડ્રાઈવિંગ લાયસન્સ જપ્ત કરીને 15 દિવસ સુધી સસ્પેન્ડ કરી દેવું જોઈએ. સામાન્ય રીતે લોકો દંડ ભરી દેતા હોય છે, અને પછી ફરીથી પાછા વાહન ચલાવતી વખતે બે દિવસ પછી મોબાઈલનો ઉપયોગ કરતાં થઈ જાય છે. જો લાયસન્સ જપ્ત કરાશે તો તેનો એક સારો મેસેજ જશે. અને લોકો 100 ટકા અટકશે.
અમદાવાદ શહેરના ટ્રાફિક અધિક પોલિસ કમિશ્નર ડૉ. સુધીર દેસાઈએ chitralekha.com સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ એ ડેન્જરસ ડ્રાઈવિંગ ગણાય છે. આવા કેસમાં રૂપિયા 2000 સુધીનો દંડ કરાય છે, અને ત્રણથી વધુ વખત આ ગુનાનો ભંગ થાય તો 3 મહિના માટે લાયસન્સ રદ કરવા માટે આરટીઓને ભલામણ કરાય છે. જાહેર જનતાએ આવું ભયજનક ડ્રાઈવિંગ ટાળવું જોઈએ. અને તમે વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરો છો તો તમારો જીવ તો જોખમમાં મુકો છો પણ ત્રાહિત વ્યક્તિનો જીવ પણ જોખમમાં મુકાય છે.
મનોચિકિત્સક હંસલ ભચેચે chitralekha.com ને કહ્યું હતું કે હવે લોકોમાં મોબાઈલની ટેવ પડી ગઈ છે. દરેક માનવીના શરીરનો એક ભાગ થઈ ગયો હોય તેમ મોબાઈલ રિંગ વાગે ત્યારે તે ગમે તેવી સ્થિતીમાં પણ મોબાઈલ ફોન ઉપાડી લે છે અને વાત કરે છે. વાહન ચલાવી રહ્યા છો, ફોન ન ઉપાડાય તેવું ભાન હોવા છતાં યંત્રવત તે ફોન ઉપાડી લે છે, અને વાત પણ કરે છે. લોજિક થિંકિંગ કામ જ કરતું નથી. આદત પડી ગઈ છે. અચ્છા… આપણે ત્યાં વાહન ચલાવતી વખતે રિંગ વાગે… અને તમે ઈચ્છો છો કે ફોન નથી ઉપાડવો, પણ સામે વાળા જરાય ધીરજ ધરતાં નથી, ઉપરાઉપરી રિંગ માર્યા જ કરે છે. વારંવાર રિંગ વાગવાને કારણે તમારે ફોન ઉપાડીને વાત કરવી પડે છે. એટલે કે તમારી પર પ્રેશર ઉભું કરાય છે. લોકો વિવેકબુધ્ધિનો ઉપયોગ કરતાં જ નથી. અને હવે તો યુવાનોમાં ખાસ મેસેન્જર પર ચેટ કરવાનો ટ્રેન્ડ વધી ગયો છે. વાત કરો તો બાજુવાળાને ખબર પડી જાય, પણ ચેટ કરો તો કોઈને ખબર ન પડે. રસ્તામાં જતા આવતાં લોકો પણ મોબાઈલથી ચેટ કરતાં હોય છે.
તમે મોબાઈલમાં વાત કરો ત્યારે તમારુ ધ્યાન ડાયવર્ટ થઈ જાય છે. બેધ્યાન થવાને કારણે તમે સમયસર બ્રેક નથી મારી શકતા અને અકસ્માત સર્જાય છે. વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગની આદતને બદલવા શુ કરવું જોઈએ, જેથી આપણી સલામતી વધે ? તેવા પ્રશ્નના જવાબમાં હંસલ ભચેચે જણાવ્યું હતું કે બે વસ્તુ ધ્યાનમાં રાખો. (1) તમે કારની ડ્રાઈવિંગ સીટ પર બેસો ત્યારે મોબાઈલને સાયલન્ટ કરીને પાછળની સીટ પર મુકી દો. અથવા ટુ વ્હીલર ચલાવતા હોય તો મોબાઈલ સાયલન્ટ કરીને ડેકીમાં મુકી દો. જેથી મોબાઈલની રિંગ વાગે તો પણ તમારુ ધ્યાન ડાયવર્ટ નહી થાય. (2) તમારી સાથે કોઈ ટ્રાવેલ કરતું હોય તો મોબાઈલની રિંગ વાગે તો બાજુવાળા મિત્ર અથવા પરિવારજનને કહેવું કે મોબાઈલ ઉપાડીને વાત કરી લે. ‘ડ્રાઈવિંગ કરે છે. દસ મીનીટ કે પંદર મીનીટ પર આપને કૉલબેક કરે છે.’ અથવા અર્જન્ટ મેસેજ હોય તો તે લઈ લે. જો આપ બે વસ્તુનું પાલન કરશો તો તમારી વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરવાની ટેવ છૂટી જશે.
અંતે તો તમારી જિંદગી અમુલ્ય છે, આપનો પરિવાર આપની ઘેર રાહ જુએ છે, તમારી બહેન કે ભાઈ આપની રાહ જુએ છે, જેથી વાહન ચલાવતી વખતે ખુબ જ સાવચેતી રાખો અને ચાલુ ડ્રાઈવિંગ વખતે મોબાઈલ પર વાત નહી કરવાનો સંકલ્પ લો. અથવા તો વાહનને સાઈડમાં ઉભુ રાખીને મોબાઈલ પર વાત કરી લો. વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ, તેવો chitralekha.comનો આ નમ્ર પ્રયાસ છે.
(અહેવાલ- ભરત પંચાલ અને તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ)