બોર્ડની પરીક્ષા નજીક છે. આપણે જોયું છે કે જેમ પરીક્ષા નજીક આવતી જાય એમ એના માટે જે માહોલ રચાય છે જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ બન્નેની મનોસ્થિતિ ઘણી વાર તણાવભરી (સ્ટ્રેસફુલ) થઈ જાય છે. બોર્ડની પરીક્ષા માટે આપણે એટલું હાઈપ ક્રિએટ કરી દીધું છે કે જાણે છોકરાઓ બોર્ડની પરીક્ષાની નહીં , યુદ્ધની તૈયારી કરતા હોય!
અને એ પણ હકીકત છે તે વિદ્યાર્થી ઈચ્છે તો પણ આજુબાજુના વાતાવરણની અસર એમના પર થયા વગર રહેતી નથી એટલે જ પેઢી દર પેઢીથી બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક ભય, ચિંતા અને સ્ટ્રેસની લાગણી અનુભવે છે. ઘણીવાર વિદ્યાર્થીઓ પરીક્ષા પહેલાં પોતાના પરિણામ વિશેના વિચારોથી પણ સ્ટ્રેસ અનુભવે છે. પરીક્ષા પહેલાં રીવિઝન પૂર્ણ કરવાના દબાણના કારણે વિદ્યાર્થી બેચેન અને નર્વસ થઈ જાય છે. એમના ઊંઘ અને ભૂખ (ખોરાક) ઉપર પણ અસર પડે છે. કાં તો એ ખાવાનું અને ઊંઘવાનું સાવ ઓછું કરી દે છે અને કાં તો ચિંતામાને ચિંતામાં ખોરાક વધી પણ જાય છે.
વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પણ વધારે પડતો સ્ટ્રેસ માથે લઇ લેતા હોય છે. બોર્ડની પરીક્ષા દરમિયાન તમે તમારા બાળકને જે રીતે સપોર્ટ (કે ઓવર સપોર્ટ) કરો છો તેની અસર તેના પરફોર્મન્સ પર પડે છે. એટલે આ દમિયાન તમારું પેકેન્ટીંગ (parenting) અઘરું થઈ જાય છે. વાલીઓનું વધારે પડતું ટેન્શન બાળકોના પરીક્ષાના પરફોર્મન્સને અસર કરી શકે છે તેથી વાલીઓએ શાંત વાતાવરણને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નો કરવા જોઈએ.
બાળકો સાથે બેસીને શાંતિથી વાત કરવી જોઇએ કે એ દબાણ ન અનુભવે. બાળકને તમારા ઈમોશનલ અને મેન્ટલ સપોર્ટની જરૂર હોય છે એટલે બાળકમાં વિશ્વાસ રાખો કે તે કરી લેશે. અને હા, વિદ્યાર્થી પરીક્ષા આપવા જાય ત્યારે પરીક્ષાખંડની બહાર ત્રણ કલાક બેસી ન રહો. બાળકને તમારો મોરલ સપોર્ટ આપો અને તેમના પર તમને પૂરો ભરોસો છે તે જતાવો, પણ ફિઝીકલી ત્યાં રહીને તેમની ઢાલ ન બનો. કંઈ તકલીફ પડે તો બાળક પોતાની જાતે મેનેજ કરી લેશે એવો વિશ્વાસ રાખો. એમને સ્વતંત્ર (independent) બનવામાં મદદ કરો. (Help them grow independently)
સગાસંબધીઓ બાળકને લાઈટ ફીલ કરાવવા નાની નાની ગિફ્ટ્સ લઈને પ્રોત્સાહિત કરવા આવે છે. હવે તો એ જાણે રિવાજ બની ગયો છે, પણ અમુકવાર એ પ્રોત્સાહન બાળક માટે પરફોર્મન્સ પ્રેશર બની જતું હોય છે.
(પ્રતીકાત્મક તસવીર)
આપણને માતાપિતા તરીકે ખબર હોય છે કે તેઓ બાળકનો આત્મવિશ્વાસ વધારવા માટેનો પ્રયાસ કરતાં હોય છે પણ બાળકને આ કઈ રીતે સમજાવવું?
બાળકની પરીક્ષા દરમિયાન તમે માત- પિતા તરીકે ઘણીબધી રીતે તેને સપોર્ટ કરી શકો છો. બાળકને અમુક ટિપ્સ આપો. જેમ કે,
|
જ્યારે પરીક્ષામાં સફળતા કે નિષ્ફળતાની એકમાત્ર જવાબદારી બાળક પર નાખવામાં આવે છે, ત્યારે માતા-પિતા અને સમાજ એ સમજવામાં નિષ્ફળ જાય છે કે બાળક તેમની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે કેટલા તણાવમાંથી પસાર થાય છે. નબળા પરિણામ કે ફેલ થવાનો ડર બતાવીને બાળકનો આત્મવિશ્વાસ ઓછો ન કરવો.
બાળક સારું ભણે અને સારા માર્ક્સ લાવે તે બધા માતાપિતાની ઈચ્છા હોય છે પરંતુ એટલું યાદ રાખજો કે પરીક્ષાના રીઝલ્ટ કરતા તેમની જીંદગી મહત્વની છે.
(આશા વઘાસિયા)
(લેખિકા અમદાવાદસ્થિત જાણીતા પેરેન્ટીંગ કાઉન્સેલર છે. પેરેન્ટીંગ કાઉન્સેલિંગ માટે સેન્ટ ઝેવિયર્સ અને યેલ યુનિવર્સિટીમાંથી સર્ટીફિકેટ મેળવનાર આશાબહેને આ વિષય પર ઘણું રિસર્ચ વર્ક કર્યું છે.)