સમાજસેવામાં ધર્મની ભૂમિકા કોઈ નવી વાત નથી. એ તો સનાતનનો અવિરત પ્રવાહ છે. અનાદિકાળથી ચાલી આવતી આ એક એવી પરંપરા છે, જેની સામે આખું વિશ્વ સ્વીકારની ભાવનાથી ભરેલું છે. સમાજ પ્રત્યેનાં કોઈ પણ કાર્યની બે ભાવના હોય છે: પહેલી, તમારે એ કરવું છે માટે તમે એને કરીને ફક્ત તમારા કર્તવ્યનું પાલન કરો છો. બીજી ભાવના એ કે તમે તમારી સેવાભાવનાને કારણે કે એને આધીન થઈને નિ:સ્વાર્થ રૂપે એ સેવા કરો છો.
‘બધા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દેવાની પરંપરા સનાતનની જ છે, જે ક્યારેક મહર્ષિ દધીચિ બનીને જગતના રક્ષણ માટે પોતાનાં હાડકાંનું પણ દાન કરી દે છે, તો ક્યારેક રાજા શિબીના રૂપમાં એક નિર્દોષ પક્ષીના જીવનના રક્ષણ માટે એના વજન બરાબર પોતાના શરીરનું માંસ બાજને આપે છે.’
મહાભારતના રણક્ષેત્રમાં દાનવીર કર્ણ અંતિમ શ્ર્વાસ લઈ રહ્યા હતા, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ એમની કસોટી કરવાનું નક્કી કર્યું. ભગવાન એક બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને કર્ણ પાસે પહોંચ્યા અને કહ્યું: ‘મેં તમારી દાનશીલતાની ખૂબ ચર્ચા સાંભળી છે, મને હમણાં જ તમારી પાસેથી કંઈક જોઈએ છે.’
રક્તરંજિત કર્ણએ હાથ જોડીને કહ્યું: ‘હે વિપ્રવર! કહો, મારે તમને શું આપવું જોઈએ?’
બ્રાહ્મણ વેશધારી શ્રીકૃષ્ણ કહે: ‘મને સોનું જોઈએ છે, કર્ણ.’
અંગરાજે ઉત્તર આપ્યો: ‘હે વિપ્રવર! આ સમયે મારી પાસે સોનાના સિક્કા તો નથી, હા, મારો એક દાંત સોનાનો જરૂર છે. તમે એ લઈ લો.’
બ્રાહ્મણે કહ્યું: ‘હે, દાનવીર! હું દાન માટે તમારો દાંત તોડી શકું નહીં.’
આટલું સાંભળતાં જ કર્ણએ નજીકમાં પડેલો એક પથ્થર ઉપાડીને એનાથી પોતાનો દાંત તોડી નાખ્યો અને આકાશ તરફ બાણ છોડીને વરસાદ વરસાવી પોતાનો રક્તરંજિત સોનેરી દાંત બરાબર સાફ કરીને એ બ્રાહ્મણ રૂપી શ્રીકૃષ્ણને ભેટ કરી દીધો.
‘પ્રયાગરાજ મહાકુંભ’માં અનેક સંત-મહાત્માના આશ્રમોએ શ્રદ્ધાળુઓ માટે રહેઠાણ અને ભોજનની વ્યવસ્થા કરી
ભારતની જે સામાજિક સેવા પરંપરાનાં દર્શન આજે આપણે કરીએ છીએ, એ અનાદિકાળથી આ પવિત્ર ધરતી પર પ્રવાહિત થઈ રહી છે. એમાં ફક્ત પુણ્ય કમાવાની લાલસા નથી, પરંતુ સેવા એ સહજ રૂપે સનાતનીઓનો આનુવંશિક ગુણ છે. ભારતની લગભગ અડધી વસતિ ગરીબીમાં જીવે છે, પરંતુ એ પ્રજા માટે દેશના સમૃદ્ધ લોકોએ અનેક મઠ-મંદિરો, આશ્રમો કે અન્ય સેવાકેન્દ્રોનું સંચાલન કર્યું છે.
ભારત વસતિની દૃષ્ટિએ વિશ્વનો સૌથી મોટો દેશ છે. આટલા મોટા દેશમાં જનકલ્યાણનાં કાર્યો ચલાવવા માટેનાં સંસાધનોની પર્યાપ્ત વ્યવસ્થા કરવાનું કોઈ પણ પ્રશાસનિક તંત્રના હાથની વાત નથી, જો એમાં સામાજિક કે ધાર્મિક સંસ્થાઓની ભૂમિકા ન હોય. તમે જુઓ કે આપણાં દરેક તીર્થમાં આવતા તીર્થયાત્રીઓ માટે ધર્મશાળા અને અન્નક્ષેત્રની વ્યવસ્થા કેટલી પ્રાચીન છે. આજથી લગભગ 260 વર્ષ પહેલાં માલવા પ્રાંત (આજનું ઈન્દોર અને મહેશ્વર)નાં મહારાણી દેવી અહિલ્યાબાઈ હોળકરે દેશનાં અનેક તીર્થોમાં ધર્મશાળા, ઘાટ અને માર્ગનું નિર્માણ કરાવ્યું હતું. એક સમ્રાજ્ઞી હોવા છતાં પરમાર્થનાં જેટલાં કાર્યો એમણે કરાવ્યાં એ ભાગ્યે જ કોઈ રાજાએ કરાવ્યાં હશે.
સતયુગથી લઈને આ કળિયુગ સુધી આપણો સનાતની ઈતિહાસ આવાં અસંખ્ય ઉદાહરણોથી ભરેલો છે, જે સમાજસેવાની પરંપરામાં ધર્મ-સંપ્રદાયોની ભૂમિકાના સુવર્ણ અધ્યાય છે. તમે કોઈ પણ તીર્થમાં જાઓ, ત્યાં આજે પણ મોંઘી હોટેલોની વચ્ચે તમને એવી ધર્મશાળા કે આશ્રમ મળી જશે, જે હોટેલો જેવી જ રહેઠાણની સુવિધા પૂરી પાડતાં પણ તમારી પાસેથી નામમાત્રનું શુલ્ક લે છે. આ બધાની વચ્ચે તમને એવાં અન્નક્ષેત્રો પણ મળશે, જે નિ:શુલ્ક આખો દિવસ તમને ભોજન-પ્રસાદી પૂરી પાડે છે. હાલમાં જ પૂર્ણ થયેલા પ્રયાગરાજ મહાકુંભનાં દર્શન જગતઆખાએ કર્યાં. કેટલાય પૂજ્યપાદ સંત-મહાત્માઓના સાંનિધ્યમાં એમના આશ્રમોએ શ્રદ્ધાળુઓ માટે રહેઠાણ અને ભોજનની વ્યવસ્થા કરી. તમે કલ્પના કરો કે શું આ વ્યવસ્થા ફક્ત કોઈ પ્રશાસનિક સ્તરે શક્ય હતી? આ વિશાળ આયોજનમાં આ ધાર્મિક સંસ્થાઓએ કેટલું મોટું યોગદાન આપ્યું.
સામાન્ય જનમાનસમાં સહજ રીતે આ પ્રશ્ન ઊઠતો હશે કે આખરે હજારો લોકો માટે નિ:શુલ્ક ઉપલબ્ધ આ વ્યવસ્થા માટે ધન ક્યાંથી આવતું હશે? જવાબ સીધો છે કે જો એના સંચાલકોની નીતિ અને નિયત સ્વચ્છ હોય તો સમાજના ભામાશાહ આ સુવિધાઓની ઉપલબ્ધતા માટે ધનની વર્ષા કરે જ છે. આજના આ વ્યાપારી યુગે પોતાના પ્રભાવથી ચિકિત્સા જેવા સેવા ક્ષેત્રને પણ ઝપટમાં લઈ લીધું છે. ચિકિત્સા, જે ક્યારેક સેવાધર્મ હતી એ આજે ગળાકાપ વ્યવસાયનું ક્ષેત્ર બની ગઈ છે, પરંતુ આજે આ જ દેશમાં અનેક ધાર્મિક સંસ્થાઓ કે સમાજસેવી સંસ્થાઓ છે, જે અભાવગ્રસ્ત દરદીઓની નિ:શુલ્ક ચિકિત્સા-શુશ્રૂષા કરે છે.
પોતાનાં સેવાકાર્યોની પ્રશંસા કરવી સંકોચજનક છે, પરંતુ એ સમાજની પ્રેરણા બની શકે માટે જણાવવા ઈચ્છું છું કે અમારી સંસ્થા પરમશક્તિ પીઠ પણ આ ક્ષેત્રમાં કેટલાંક પ્રયાસ કરતી રહે છે. એના દ્વારા સેંકડો નિરાશ્રિત નવજાત બાળકોનાં પાલન-પોષણ, એમની શિક્ષા અને પછી લગ્ન દ્વારા એમના પ્રતિષ્ઠાપૂર્ણ સામાજિક પુનર્વાસની સાથે અમે રોગમુક્ત સમાજની દિશામાં પણ કાર્યરત છીએ. અમારી સંસ્થાના વાત્સલ્ય ગ્રામ, વૃંદાવનમાં સંચાલિત પ્રેમવતી ગુપ્તા નેત્ર ચિકિત્સાલયમાં આંખોની નિ:શુલ્ક ચિકિત્સાવ્યવસ્થા ઉપલબ્ધ છે. અહીં દર બે મહિને મોતિયાના ઑપરેશનની વિનામૂલ્ય શિબિર યોજાય છે, જેના દ્વારા અત્યાર સુધી હજારો દરદીઓને નવી નેત્રજ્યોતિ પ્રાપ્ત થઈ ચૂકી છે. અમારી સંસ્થાના વરિષ્ઠ સહયોગી અને દેશના જાણીતા નેત્રસર્જ્યન ડૉ. શ્યામ અગ્રવાલ પોતાની સાથે મુંબઈના પ્રખ્યાત આઈ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો અને પૅરામેડિકલ ટીમ સાથે આ શિબિરમાં ઑપરેશન કરે છે.
સમાજસેવાની એમની ભાવના જુઓ, કે આ શિબિર માટે ખર્ચ થતાં ધનની વ્યવસ્થાના સહયોગી પણ એ પોતાની સાથે જ લાવે છે. શ્યામજી આ શિબિરોમાં દૂર દૂરથી આવેલા અભાવગ્રસ્ત નેત્રરોગીઓની સારવાર જ નથી કરતા, પરંતુ એમને ઘડપણમાં કેવી રીતે પ્રસન્ન રહેવું, કેવી રીતે આધ્યાત્મિકતા તરફ આગળ વધવું એનું માર્ગદર્શન આપીને એમનો ઉત્સાહ પણ વધારે છે.
પોતાના અતિવ્યસ્ત સમયની વચ્ચે ડૉ. શ્યામ અગ્રવાલ આખરે આ બધું કેમ કરે છે? ત્રણ-ચાર દિવસનો સમય એ અને એમની આખી ટીમ વાત્સલ્ય ગ્રામમાં કેમ આપે છે? આટલા દિવસોમાં એ મુંબઈમાં રહીને કેટલું ધન કમાઈ શકતા હોત, પરંતુ આ આપણી સનાતની સેવા પરંપરાના સંસ્કાર જ છે, જે એમને આ ત્રણ-ચાર દિવસ માટે પોતાના અંગત સ્વાર્થથી પર રાખીને ફક્ત પરમાર્થ માટે સમર્પિત કરે છે.
વાત ફક્ત પરમશક્તિ પીઠ કે ડૉ. શ્યામ અગ્રવાલ અને એમની ટીમની નથી, આ તો એક ઉદાહરણ જ છે, જેને અમે નિકટથી જોયું છે અને અનુભવ્યું છે. આ દેશમાં એવી હજારો ધાર્મિક-સામાજિક સંસ્થાઓ અને લાખો સમર્પિત સમાજસેવકો છે, જે આ મહાન રાષ્ટ્રના સંચાલનમાં, એનાં સુખ-દુ:ખમાં એના નાગરિકોની સહાયતા માટે હંમેશાં તત્પર રહે છે. મને ફક્ત માનવસેવા જ નહીં, પરંતુ પ્રકૃતિ અને પ્રાણીમાત્રની સેવા માટે કટિબદ્ધ આપણી સનાતની પરંપરા પર ગર્વ છે. પ્રભુને પ્રાર્થના કરું છું કે આપણી ભાવિ પેઢીઓમાં પણ સેવાના આ સનાતની સંસ્કાર ગંગાધારની જેમ અવિરત પ્રવાહિત રહે.
(દીદી મા સાધ્વી ઋતંભરા)
(પ્રખર રાષ્ટ્રવાદી, ‘વિશ્વ હિંદુ પરિષદ’ની મહિલા પાંખ ‘દુર્ગા વાહિની’નાં સ્થાપક, અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટેના આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર)
