દિવાળીનું પર્વ શરૂ થઇ ચૂક્યું છે. ઠેર ઠેર પ્રકાશના પર્વના વધામણાં થઇ રહ્યા છે. લોકો ઘરમાં દીવડાઓ કરીને રોશનીથી આ પર્વની ઉજવણી કરી રહ્યા છે.
પરંતુ આ રોશની માટે આપણે જે દીવડાઓ કે તોરણ અને લટકણિયાં જેવી ચીજવસ્તુઓ વાપરીએ છીએ એ કોણ, કેવી રીતે બનાવે છે એની વાત પણ જાણવા જેવી છે.
વાત કરીએ અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા અંધજન મંડળના દિવ્યાંગ દીકરી-દીકરીઓની, જે દીવડાં, તોરણ, લટકણિયા જેવી વસ્તુઓ બનાવી એનું સસ્તા દરે વેચાણ કરે છે.
વિવિધ વસ્તુઓનો સમાવેશ
અંધજન મંડળમાં રહેતા દિવ્યાંગ દીકરા-દીકરીઓ વિવિધ પ્રકારની વસ્તુઓ જેમ કે દીવા અને ઘર સજાવટની વસ્તુઓ બનાવે છે. અહીં રહેતા દિવ્યાંગ,ચક્ષુહીન, ઓછી સમજ ધરાવતા, બહુ વિકલાંગ અને બધિરાંધ આવા પણ તાલીમાર્થીઓ તાલીમ લે છે. જે કલાત્મક વસ્તુઓ બનાવે છે. અત્યાર સુધીમાં આ દીકરા-દીકરીઓએ અંદાજે એકથી દોઢ લાખ જેટલા દીવડા બનાવીને એનું વેચાણ કર્યું છે.
દિવ્યાંગો દ્વારા બનાવવામાં આવેલ દીવડા, તોરણ, લટકણિયા વગેરેમાં અનેક વેરાયટી પણ જોવા મળે છે. જેમાં દીવડામાં સાદા, ફૂલ ડિઝાઇન, તુલસી ક્યારા ગણપતિ, શ્રી, ઓમ જેવા અનેક પ્રકારના દીવડા છે. જ્યારે મિરર વર્ક, બીડ વર્ક, કોપર બેલ જેવા વર્કના તોરણ, લટકણિયા પણ બનાવ્યા છે. જેમાં છ દીવડાનો સેટ અંદાજે 110 રૂપિયામાં, તુલસી ક્યારાના દીવડા 50 રૂપિયામાં એક નંગ તોરણ, લટકણિયા જેવી હેંગિંગ પ્રોડક્ટ 100 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીમાં છે.
તાલીમાર્થીઓને રો મટીરીયલ લાવી આપવામાં આવે છે
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અંધજન મંડળના કોર્ડીનેટર દિપાબહેન જોષી કહે છે, “બ્લાઈન્ડ પીપલ એસોસિએશન સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેમાં દિવાળીનો પર્વ નજીક આવતાની સાથે જ સંસ્થા દ્વારા દિવ્યાંગો માટે દીવડા, તોરણ, લટકણિયા જેવી ઘર સજાવટની વસ્તુઓ બનાવવામાં આવે છે. આ માટે સંસ્થા દ્વારા એમને દીવા, મીણ, વાટ, મણકા-મોતી, આભલાં, દોરી વગેરે પ્રકારનું રો મટીરીયલ લાવી આપવામાં આવે છે.”
સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવે છે
રો મટીરીયલ આપ્યા બાદ એમાંથી વસ્તુ કેવી રીતે બનાવવી એની તાલીમ પણ આપવામાં આવે છે. એ પછી દિવ્યાંગો દ્વારા જાતે દીવડા, તોરણ, લટકણિયા જેવી વસ્તુઓ બનાવવામાં આવે છે. એટલું જ નહિ વસ્તુ બનાવવાથી લઈને એના વેચાણ સુધીમાં તમામ કામ આ દિવ્યાંગો દ્વારા કરવામાં આવે છે. આ માટે સંસ્થા દ્વારા બાળકોને સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવે છે. આ તૈયાર કરેલ દિવાળી પ્રોડક્ટને અંધજન મંડળમાં આવેલ મેજિક ફિંગર શોપ, જુદા જુદા એક્ઝિબિશન અને કોર્પોરેટ સેક્ટરમાં વેચાણ માટે મૂકવામાં આવે છે.
(હેતલ રાવ-અમદાવાદ)