વેચનાર-ખરીદનાર બન્નેને લાભકારીઃ અમદાવાદ શૉપિંગ ફેસ્ટિવલ

દિવાળી એટલે ખાવા-પીવાનાને ખર્ચવાના દિવસો. અને વાત જ્યારે ખરીદીની આવે ત્યારે ગુજરાતીઓનો ઉત્સાહ કંઈ અનેરો હોય. આથી જ સપરમા દિવસોમાં ગુજરાતના ઉત્પાદક-દુકાનદાર અને ગ્રાહક બન્ને ખુશ થઈ જાય એવો એક આવકારદાયક ઉપક્રમ અમદાવાદમાં શરૂ થયો છે: અમદાવાદ શૉપિંગ ફેસ્ટિવલ.

તૈયાર વસ્ત્રોથી લઈને ઘરસુશોભનની આઈટેમ્સ, હૅન્ડમેડ ચીજો, ગિફ્ટ આર્ટિકલ્સ સહિતની અઢળક ચીજવસ્તુ આ ફેસ્ટિવલમાં ઉપલબ્ધ થઈ રહી છે. દિવાળીના દિવસો, ત્યાર બાદ ડિસેમ્બરમાં ક્રિસમસ, નવું વર્ષ એ પછી જાન્યુઆરીમાં ઉત્તરાયણનું પર્વ… આમ લાંબા સમયગાળા સુધી ખરીદી ચાલતી રહે એવું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન  અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આવો સુદીર્ઘ શૉપિંગ ફેસ્ટિવલ કદાચ ભારતમાં સૌપ્રથમ વાર યોજાઈ રહ્યો છે. દશેરાથી શરૂ થયેલો આ ફેસ્ટિવલ ઉત્તરાયણ પર્વ, ૧૪ જાન્યુઆરી, ૨૦૨૫ સુધી ચાલશે.

દુનિયાના વિવિધ દેશોમાં આ પ્રકારના ફેસ્ટિવલ્સ યોજાતા હોય છે, જેમાં દુબઈ અને સિંગાપોરના શૉપિંગ ફેસ્ટિવલનું ભારતીયોને આકર્ષણ રહેતું હોય છે. હવે અમદાવાદ ફેસ્ટિવલથી ભારત પણ વૈશ્ર્વિક નકશા પર આવી જશે. આવનારાં વર્ષોમાં દેશ-દુનિયાના સહેલાણીઓ અમદાવાદના શૉપિંગ ફેસ્ટિવલમાં આવશે એવો આશાવાદ સેવાઈ રહ્યો છે.

આ વર્ષની વાત કરીએ તો, અમદાવાદ જ નહીં, પરંતુ ગુજરાતનાં અન્ય શહેરોના લોકો પણ આવી રહ્યા છે, શૉપિંગ કરી રહ્યા છે. આ ઉપક્રમ વિશે અમદાવાદનાં મેયર પ્રતિભાબહેન જૈન ચિત્રલેખા.કોમને કહે છે: “વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત  અને લોકલ ફૉર વોકલ  જેવાં સૂત્ર આપ્યાં. એના આધારે જ અમે અમદાવાદ શૉપિંગ ફેસ્ટિવલ શરૂ કર્યો છે, જેમાં નાના-મોટા ઉત્પાદકો, હૅન્ડમેડ ચીજવસ્તુ બનાવતાં કારીગર ભાઈઓ-બહેનો ભાગ લે, એમની પ્રોડક્ટ્સ, કળાનું પ્રદર્શન કરવા મંચ મળી રહે, સાથે તહેવારના દિવસોમાં એમના ધંધા-રોજગારમાં પ્રગતિ થાય, બીજી બાજુ, ગ્રાહકોને પણ ડિસ્કાઉન્ટ મળે, આવો હેતુ શૉપિંગ ફેસ્ટિવલ પાછળનો છે.”

પ્રતિભાબહેન ઉમેરે છે: ‘ફેસ્ટિવલ માટે સિંધુ ભવન રોડ, સી.જી. રોડ, નિકોલ મૉડર્ન સ્ટ્રીટ અને કાંકરિયા વિસ્તારમાં એક્સક્લુઝિવ શૉપિંગસ્થળ રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત, સાબરમતી રિવરફ્રન્ટ, માણેક ચોક, લૉ ગાર્ડન, ગુજરી બજાર, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, પ્રહ્લાદનગર રોડ સહિત ૧૪ સ્થળો તથા અમદાવાદના વિવિધ શૉપિંગ મૉલમાં પણ આયોજન કરવામાં આવ્યું છે.’

ભારતમાં આ પ્રકારે સૌથી વધુ દિવસનો આ એક અનોખો શૉપિંગ ફેસ્ટિવલ છે, એની વાત કરતાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન દેવાંગભાઈ દાણી ચિત્રલેખા.કોમને કહે છે: “ભારતમાં, ગુજરાતમાં અગાઉ નાનાં નાનાં આયોજન થયાં હતાં, પરંતુ ૯૫ દિવસ ચાલનારો આ પહેલો શૉપિંગ ફેસ્ટિવલ છે. દશેરાથી દિવાળીના દિવસોમાં ગુજરાતીઓ સહિત ભારતીયો ખરીદી કરે છે એટલે વેપારીઓને ઘરાકી મળે, હૅન્ડિક્રાફ્ટના કારીગરો, માટીકામના કારીગરોને એમનાં કૌશલ બતાવવાની સાથે રોજગારી મળે, સાથે આપણો સાંસ્કૃતિક વારસો પણ જળવાઈ રહે એ ઉદ્દેશ છે. વળી, લાભ પાંચમ પછી અહીં વિદેશમાં વસતા ગુજરાતીઓ, ભારતીયો લગ્નપ્રસંગમાં કે ફરવા આવતા હોય છે, એમને પણ અહીં ડિસ્કાઉન્ટ સાથે ખરીદીનો લાભ મળશે.”

અમદાવાદના ફ્લાવર શોની જેમ શૉપિંગ ફેસ્ટિવલ પણ વૈશ્ર્વિક સ્તરે નામના મેળવે એવી ખેવના ધરાવતા દેવાંગભાઈ ઉમેરે છે: ‘અમદાવાદ શૉપિંગ ફેસ્ટિવલ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન  વૈશ્ર્વિક સ્તરે જવાની નેમ ધરાવે છે. લોકો જેમ અહીંથી દુબઈ કે સિંગાપોર શૉપિંગ ફેસ્ટિવલમાં જાય છે એવી જ રીતે વિશ્ર્વપ્રવાસીઓ અમદાવાદ શૉપિંગ ફેસ્ટિવલમાં આવે, ખરીદી કરે એવો આ પ્રયાસ છે. ખરીદી ઉપરાંત પ્રવાસીઓ ગુજરાતનો હેરિટેજ વારસો પણ નિહાળી શકે અને આપણા કારીગરોને, વેપારીઓને માર્કેટ મળે.’

આ શૉપિંગ ફેસ્ટિવલમાં માત્ર ખરીદીનું જ આકર્ષણ નથી, બલકે સાંસ્કૃતિક કાર્યક્રમો તથા રમતગમતનાં આયોજન પણ થયાં છે. સિંધુ ભવન રોડ પર ઑક્સિજન પાર્ક પાસે, નિકોલ મૉડર્ન સ્ટ્રીટ, કાંકરિયા તેમ જ સી.જી. રોડ પર આવેલા મ્યુનિસિપલ માર્કેટમાં જાણીતા કલાકારોના લાઈવ પરફોર્મન્સ તેમ જ લેઝર શોની રંગત જોવા મળી રહી છે. સાથે જ ફેન્સિંગ, આર્ચરી, બૉક્સિગં, યોગ, સ્કૅટિંગ, ટેબલ ટેનિસ, ચેસ સહિતની રમતોનો લહાવો પણ લોકો માણી રહ્યા છે.

શૉપિંગ ફેસ્ટિવલની મુલાકાત લેનારા લોકો માટે જાતજાતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ગુજરાતી ભોજન સહિત જાતજાતની ચટાકેદાર વાનગીઓ પીરસતી રેસ્ટોરાં પણ સજ્જ છે. અનેક ઠેકાણે ફ્રી બસ-રાઈડ પણ રાખવામાં આવી છે તો સાથે સાથે ટૂર-ટ્રાવેલ ઑપરેટર પણ આમાં સહભાગી થયા છે.

જો અમદાવાદ શૉપિંગ ફેસ્ટિવલ ૨૦૨૪ ડૉટકૉમ  પર રજિસ્ટ્રેશન કરાવશો તો સરપ્રાઈઝ ગિફ્ટ, ઈનામો જીતવાની તક છે, લકી ડ્રોમાં સહભાગી થઈ શકાશે.

ચિત્રલેખા.કોમએ ફેસ્ટિવલનાં વિવિધ સ્થળની મુલાકાત લીધી તો અનેરાં દૃશ્યો જોવા મળ્યાં, જેમ કે સિંધુ ભવન રોડ પર ભાવનગરથી આવેલા શાંતિલાલ ગોયાણી અને એમનાં પત્ની સંગીતાબહેન નાળિયેરની છાલમાંથી વિવિધ ચીજો બનાવતાં હતાં. એમની કળા જોવા લોકો ટોળે વળ્યા હતા. શાંતિભાઈ કહે છે કે લોકો નાળિયેરની છાલ ફેંકી દે છે, એના રેસામાંથી વિવિધ સુશોભિત વસ્તુ છેલ્લાં ૧૫ વર્ષથી બનાવીને અમે વેચીએ છીએ અને બહેનોને રોજગારી પણ આપીએ છીએ. અમદાવાદ શૉપિંગ ફેસ્ટિવલમાં અમને સારો રિસ્પોન્સ મળ્યો છે. અમારી દિવાળી સારી જશે.’

– તો પીઠોરા અને વારલીકળાના માહેર, છોટા ઉદેપુર જિલ્લાના મલાજા ગામમાં રહેતા શંકરભાઈ રાઠવાની ચિત્રકળા જોઈને શૉપર્સ અચરજ પામતા હતા. શંકરભાઈ છેલ્લાં ૧૫ વર્ષથી આવી પરંપરાગત કળાના માધ્યમથી ચિત્રો સર્જે છે. એ કહે છે: ‘શૉપિંગ ફેસ્ટિવલમાં મારી કળાની કદર થઈ છે, લોકો ૮૦૦ રૂપિયાથી લઈને ૧૦ હજાર રૂપિયા સુધીના પીઠોરા આર્ટ પીસીસ ખરીદવામાં રસ દાખવી રહ્યા છે.’

ઘરની દીવાલ પર વૉલ પીસ તરીકે, દરવાજામાં કે પછી સોફા પર કે પછી અન્ય રીતે પણ પીઠોરા આર્ટનું ઈન્સ્ટૉલેશન કરી શકાય છે.

આજકાલ જમાનો સોશિયલ મિડિયા ને રીલ્સનો છે. અમદાવાદ શૉપિંગ ફેસ્ટિવલ વિશેની રીલ્સ જોઈને ગાંધીનગર પાસે આવેલા કુડાસણનાં હેતલબહેન ચૌધરી અને એમનાં બહેન હિમાની અમદાવાદ આવ્યાં. હેતલબહેન કહે છે: ‘લેધર પર્સ, ઑર્ગેનિક મીણબત્તી, ગણપતિજી, રિદ્ધિસિદ્ધિની મૂર્તિઓ સહિતની વસ્તુ અહીંથી અમે ખરીદી છે. અહીં વસ્તુઓ સારી મળે છે. મને લાગે છે કે તહેવારોના દિવસોનું શૉપિંગ કરવા માટે આ બેસ્ટ ફેસ્ટિવલ છે.’

(શૈલેષ નાયક,અમદાવાદ)

(તસવીર: પ્રજ્ઞેશ વ્યાસ,અમદાવાદ)