અયોધ્યા વિશેેષ: ભાગવત કે રામ, કણ કણ મે રામ…

દેશ આખાને પ્રતીક્ષા છે જાન્યુઆરી 22 ની. લગભગ સાડા પાંચસો વર્ષના સંઘર્ષ અને ઇંતજાર પછી હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે એક અવસર આવ્યો છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે ત્યારે આજથી ચિત્રલેખા.કોમ ના વાચકો માટે આ વિશેષ લેખમાળા… સાત દિવસ માટે.

——————————————————–

ભાગવત કે રામ…  ભાગ્યે જ આવો શબ્દોનો સંગમ ક્યાંય જોયો કે સાંભળ્યો હશે. શ્રીમદ્ ભાગવતની સાથે અહીં શ્રીરામને ખૂબ ભાવથી જોડવામાં આવ્યા છે. બે અવસરને એક કરવાનો સુંદર પ્રયોગ કરવામાં આવ્યો છે.

અયોધ્યામાં ભગવાન શ્રીરામના મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના સમયગાળામાં જ રાજકોટમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસાસને શ્રીમદ્ ભાગવતકથાનું આયોજન થયું છે. આયોજનને રામમય બનાવવા આ કથાને ખાસ ભાગવત કે રામ… એવું નામ આપવામાં આવ્યું છે. રાજકોટમાં 17 થી 24 જાન્યુઆરી દરમિયાન રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાનારી ભાગવતકથાને આવું વિશિષ્ટ નામ ખુદ કથાકાર રમેશભાઈ ઓઝાએ આપ્યું છે.

કથાના આયોજક અને રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરિયા ચિત્રલેખા.કોમ ને જણાવે છે: ‘કથાસ્થળને અયોધ્યા નગરી  નામ આપવામાં આવ્યું છે. કથાના આમંત્રણકાર્ડમાં પણ અયોધ્યાના નૂતન રામમંદિરની પ્રતિકૃતિ સાથેની ખાસ ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં જ્યારે ભવ્ય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાશે એનું જીવંત પ્રસારણ કથાસ્થળેથી કરવામાં આવશે.’

વધુમાં ઉમેરે છે કે હું તો આ કથાના આયોજન માટે નિમિત્ત માત્ર છું. આ કથા રાજકોટના તમામ 18 વર્ણની છે. અયોધ્યામાં મૂર્તિપ્રતિષ્ઠાની સાથે જ રાજકોટમાં ભાઈશ્રીએ અમને કથા આપી એથી સોનામાં સુગંધ ભળે એવો સંયોગ ઊભો થયો છે. હજારો-લાખો લોકો રાજકોટ રહીને કથાના માધ્યમથી અયોધ્યાનો આનંદ માણી શકે એવો અમારો પ્રયાસ છે.

રાજકોટની આ ભાગવતકથાની તૈયારીને લઈને જુદા જુદા સમાજના આગેવાનો સાથે બેઠકો કરવામાં આવી રહી છે, એમાં પણ અયોધ્યાનો મુદ્દો ચર્ચામાં રહે છે. અયોધ્યાના ઉત્સવને આ કથાના આયોજન સાથે જોડવા અનેક કાર્યક્રમનું આયોજન થયું છે. સમગ્ર સૌરાષ્ટ્રથી મોટી સંખ્યામાં લોકો આ કથામાં આવશે એવું અનુમાન છે એટલે એક લાખથી વધુ લોકોના ભોજન-પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. કથાનો સમય બપોરના ચારથી સાંજના સાત સુધીનો રાખવામાં આવ્યો છે અને સવારના સમયે કથાસ્થળે સરકારની આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ  જેવી યોજનાનો લાભ આપવા ખાસ કૅમ્પ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, કથાની જે આવક થશે એ આરોગ્યસેવાના બે પ્રકલ્પ માટે આપવામાં આવશે. બાળકોમાં થતા ડાયાબિટીસની સારવાર માટે કામ કરતી સંસ્થા રાજકોટના જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન  અને પંચનાથ હૉસ્પિટલને કથાની આવકમાંથી દાન આપવામાં આવશે.

– દેવેન્દ્ર જાની (રાજકોટ)


સુરતના વલથાણ પુણાગામ કૅનાલ રોડ ખાતે કૉર્પોરેટ ગિફ્ટ નામે વ્યવસાય કરતા સંદીપ ગોંડલિયા અને રાજેશ શેખડા અયોધ્યા મંદિરની આબેહૂબ કાષ્ઠ પ્રતિકૃતિ બનાવી રહ્યા છે. એ જણાવે છે કે અમે છેલ્લાં 12 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ. અયોધ્યા મંદિરની ફાઈનલ ડિઝાઈન તૈયાર થઈ અને એની થ્રી-ડી ઈમેજ સામે આવી ત્યારથી અમે આવું મંદિર બનાવવાની યોજના ઘડી રહ્યા હતા. લેઝર કટિંગ દ્વારા લાકડાના વિવિધ ડિઝાઈનના 500 જેટલા પીસ તૈયાર કરી એને જોડીને આ કાષ્ઠમંદિર બને છે. રામમંદિરની જેમ ગર્ભગૃહ, સભામંડપ, ગુંબજ, હનુમાનજીની મૂર્તિ, ત્રણેય દિશાનાં દ્વાર સહિતની આબેહૂબ પ્રતિકૃતિ છે.

રામમંદિરની આ પ્રતિકૃતિ 5 અગલ અગલ સાઈઝમાં બને છે. સૌથી નાની સાઈઝ છ ઈંચ અને સૌથી મોટી 42 ઈંચ છે. 650 થી 32,000 રૂપિયા સુધીની કિંમતનાં આ મંદિરની બનાવટમાં વર્ષો સુધી ટકી રહે એવું મલેશિયાનું એમડીએફ પ્લાઈવૂડ વાપરવામાં આવ્યું છે.

સંદીપભાઈ ચિત્રલેખા.કોમ ને જણાવે છે કે લેઝર દ્વારા તૈયાર થયેલા મંદિરના અલગ અલગ 500 પાર્ટ્સને જોડવાનું કામ 30 જેટલી મહિલા કર્મચારી દ્વારા થઈ રહ્યું છે. એક દિવસમાં 200 જેટલાં મંદિર બને છે, આમ છતાં માગ એટલી છે કે ગ્રાહકોને બીજા દિવસનો વાયદો કરવો પડે છે. છેલ્લા 6 મહિનામાં આવાં 6 હજારથી વધુ મંદિર આસ્થાળુઓનાં ઘર-ઑફિસની શોભા બની ચૂક્યાં છે.

રાજેશભાઈ ચિત્રલેખા.કોમ ને જણાવે છે કે આ મંદિરના વેચાણમાંથી થનારી આવકનો એક હિસ્સો જરૂરતમંદ લોકો માટે વાપરવામાં આવે છે.

અહેવાલ: અરવિંદ ગોંડલિયા (સુરત)

તસવીરો: ધર્મેશ જોશી