સિમ્પ્લિફાય! ઍમ્પ્લિફાય!

થોડા સમય પૂર્વે નીલ અને હેતાને ત્યાં ગયાં હતાં. એટલે કે, અમારો મોટો દીકરો અને પુત્રવધૂ. અમારા ઘરના બાળકોએ અને અમે એક નિયમ બનાવ્યો છે. લગ્ન થાય એટલે બાળકોએ અલગ રહેવાનું. તમે તમારું જીવન એન્જોય કરો અને અમે અમારું. બાકી આપણે છીએ એકબીજા માટે. નીલ અલગ રહેવા ગયો ત્યારે ભારતીય માતા- પિતા હોવાથી ગિલ્ટ મહેસૂસ થતું હતું. તે ગિલ્ટમાં અમારા મોટા પુત્ર રાજને પૂછ્યું, ‘તને શું લાગે છે કે જોડે રહેવું જોઈએ કે અલગ?’ તેનો સ્પષ્ટ શબ્દમાં એક વાક્યમાં ઉત્તર હતો, ‘મમ, સાથે રહેવું નથી.’ હવે આ નિર્ણય લઈને ત્રણ વર્ષ થયાં અને આ નિર્ણય બહુ સારો લીધો એ અમે બધાં માની ગયાં. એક નિર્ણયથી જીવન સુખી થયું. સમય જ ક્યાં છે ‘તું આવું શા માટે બોલી’ અને ‘તેણે આવું કેમ કર્યું આવી બાબતો પર માથાકૂટ કરવી જ નથી. જે જીવન છે તે ખુશીમાં જીવીએ. જેટલી બાબત સરળ કરી શકાય તેટલી કરીએ. આ નિર્ણયને લીધે વ્યર્થ ખટપટ કરવામાં ખર્ચ થતો સમય અને શક્તિ બચી ગયાં, જે અમે બધા સારા કામ માટે વાપરી શકાયાં. જો કે, તે સમયે નીલ હેતાની મુલાકાતમાં બહુ ગપ્પાં માર્યાં પછી હેતાએ કહ્યું, ‘મોમ યુ મસ્ટ સી ધિસ, વી ઓર્ગેનાઈઝ્ડ રિમોટ્સ. બેડરૂમમાં ટીવીનું રિમોટ, સાઉન્ડ સિસ્ટમનું રિમોટ, એપ્પલ રિમોટ મારી બાજુમાં રાખવું કે નીલની બાજુમાં તેવો પ્રશ્ન કાયમ રહેતો. ક્યારેક મ્યુઝિક લગાવવાનું મન થાય તો રિમોટ બીજી બાજુમાં હોય છે. તેની પર સોલ્યુશન કાઢવાનું નક્કી કર્યું અને અમે બધાં રિમોટ બેડની વચ્ચે લગાવ્યાં. એમેઝોન પર અમને આ સોલ્યુશન મળ્યું.’ વાહ! ક્યા બાત હૈ! તેમને બતાવ્યું નહીં પણ મનમાં હું બહુ ખુશ થઈ. એકબીજાની સહાયથી અને સંમતિથી જીવનમાં નાની નાની બાબતો પર સોલ્યુશન્સ લાવવાની આદત બહુ સારી છે. આ નાનાં નાનાં સોલ્યુશન્સ મોટી ખુશી મેળવી આપે છે.બિનજરૂરી બાબતોમાં નાહકનો ખર્ચ થતો સમય બચાવવા માટે અને તે જ સમય સારા કામમાં લગાવવા માટે લોકોએ શું-શું કર્યું છે. અલ્બર્ટ આઈનસ્ટાઈન કાયમ એક જ રંગનાં, એક જ પ્રકારનાં કપડાં પહેરતા. તેમનો પ્રશ્ન હતો કે, વ્હાય મેક ઈટ કોમ્પ્લિકેટેડ? ગ્રે કલરનો સૂટ, લેધર જેકેટ, પગમાં સોક્સ વિના શૂઝ, આ પોશાક તેમણે જીવનભર પોતાનો બનાવ્યો અને કયાં કપડાં પહેરવાં જોઈએ તે સ્ટ્રેસમાંથી તેઓ મુક્ત રહ્યા. અટલે કે તેમની પાસે એક જ પ્રકારનાં કપડાંના અનેક સેટ્સ હતા. સ્ટીવ જોબ્જે એપ્પલનો લોગો ધરાવતું કાળું ટર્ટલ નેક ટી-શર્ટ અને બ્લુ જીન્સ સ્ટાઈલ ઈસે મિયાકે નામે જાપાની ફેશન ડિઝાઈનર પાસેથી બનાવડાવી લીધી હતી. તેમનું કહેવું હતું, `આજે કયાં કપડાં પહેરવાનાં? આ ડિસીઝનમાં વેડફાતો સમય મેં બચાવ્યો. તે સમય અન્ય બાબતોમાં કામે લગાવ્યો અને ડિસિઝન ફટિગમાંથી પોતાનો છુટકારો કર્યો. આપણે જાણીએ છીએ કે સ્ટીવ જોબ્જનો આ ડ્રેસ દુનિયાભરમાં પોપ્યુલર થયો, આઈકોનિક બન્યો. ફેસબુક કે મેટાના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે સ્ટીવ જોબ્જના પગલે પગલાં માંડ્યાં. તેમણે પણ ગ્રે ટી-શર્ટ જીન્સ અને સ્નિકર્સ એમ ત્રણ બાબતો નજીક કરી. તેમનો આ ડ્રેસ ઈટાલિયન ડિઝાઈનર બ્રુનેલ્લો કુચિનેલીએ બનાવ્યો. માર્ક ઝકરબર્ગના કહેવા અનુસાર એક જ ડ્રેસ પહેરવાનું કારણ આપણી શક્તિ અન્ય મહત્ત્વનાં કામો પર કેન્દ્રિત કરી શકાય છે. આ લોકોએ આ ડ્રેસીસ ડિઝાઈનર પાસેથી બનાવડાવી લીધા. કારણ કે તેઓ કોઈ તેની કોપી કરે નહીં એવું ચાહતા હતા. એપ્પલના હાલના CEO ટિમ કૂક દરરોજ ચિકન રાઈસ સેલાડ ખાય છે એવું કહેવાય છે. તેમનું પણ તે જ કહેવું છે, સિલેકશન કરવામાં આટલો સમય શા માટે વેડફવો જોઈએ. આ દિગ્ગજો કેટલો ઊંડો વિચાર કરે છે. સમય બચાવે છે. સ્ટ્રેસ ઓછો કરવાનો પ્રયાસ કરે છે. આપણે પણ આવા વેડફાતા સમય વિશે આત્મપરીક્ષણ કરવું જોઈએ.

થોડા સમય પૂર્વે USA અને જાપાનની ટુરમાં મેં કપડાંનું બહુ શોપિંગ કર્યું. એટલે કે, ઈફ ગિવન અ ચાન્સ આય એમ અ કમ્પ્લીટ શોપોહોલિક. જાપાનથી ઘરે આવી અને ગિલ્ટમાં ડૂબી કે આપણે આટલું શોપિંગ કર્યું? જરૂર તો નહોતી, તો પછી ક્યાંક સસ્તું હતું તેથી, ક્યાંક સ્ટાઈલ તરીકે તો ક્યાંક જસ્ટ ગમ્યું તેથી જરૂર નહીં હોવા છતાં આટલું શોપિંગ? હવે થઈ ગયું તે થઈ ગયું. યુ.એસ.એ. અને જાપાનમાં જઈને કપડાં તો પરત કરી શકાશે નહીં. તો પછી પ્રાયશ્ચિત્ત શું કરવું આ અવિચારી કૃતિનું, બિનજરૂરી શોપિંગનું? તે પછી નક્કી કર્યું કે આગામી અઢી વર્ષ સુધી કપડાંનું શોપિંગ કરવાનું નહીં. સુધીરના મતે આ આવો અતિશયોક્તિભર્યો નિર્ણય લેવા કરતાં દરેક વખતે વિચારપૂર્વક નિર્ણય લેવાની આદત પાડો. જો કે તેને ક્યારેક મને સંભળાવવાનો ચાન્સ મળે છે. આ નિર્ણય લીધા પછી મારું મોલમાં દિશાહીન ભટકવાનું સ્ટ્રેસ ખતમ થયું. શોપિંગની એન્ક્ઝાઈટી ખતમ. આથી પ્રવાસ અર્થપૂર્ણ બન્યો. શોપિંગની બાબતમાં આમ જોવા જઈએ તો આ છેવટનો નિર્ણય લેવા માટે અમારો રાજ કારણભૂત ઠર્યો. હું અને સુનિલા યુ.એસ.એ.માં શોપિંગ કરતી વખતે કહેતાં, ‘અરે તું લે ને તારા માટે કાંઈક.’ તે જવાબ આપતો, ‘મને કશું જોઈતું નથી. આય ડોન્ટ નીડ ઈટ!’ ‘અરે સારી કાર લે તારા માટે.’ પણ જોબમાં જોડાયો નહીં ત્યાં સુધી તેણે કાર લીધી નહીં. જોબ શરૂ થયા પછી એક સાદી કાર લીધી, જેની લોન પોતાના પગારમાંથી ભરી શકાય. ‘રાજ તને પૈસા જોઈએ?’ ‘નહીં મમ હું હવે જોબ કરું છું.’ હાલમાં અમને નવો જ સ્ટ્રેસ છે, બાળકો પૈસા માગે છે તેનો નહીં પણ બાળકો પૈસા માગતા નથી તેનો. રાજનું કહેવું હતું, ‘આય ડોન્ટ વોન્ટ થિંગ્ઝ અનનેસેસરીલી.’ શેર્ડ એપાર્ટમેન્ટમાં તેના રૂમમાં સૂવા બેડ, કામ કરવા ડેસ્ક અને સામે ટીવી. બસ આટલું જ. કશું પણ એક્સ્ટ્રા લાવવાનું નહીં. આજકાલ બાળકો આપણને શીખવે છે અને તે સારું પણ છે. તે શીખમાંથી જ હોઈ શકે અથવા આઈનસ્ટાઈન ઈન્સ્પિરેશન હોઈ શકે, અમારી કાર લેવાનો કિસ્સો યાદ આવ્યો.

અગાઉની કાર દસ વર્ષ જૂની થઈ તેથી હવે નવી કાર લઈએ. આ કારના મેઈનટેનન્સમાં જ વધુ પૈસા ખર્ચ થઈ રહ્યા છે તેથી શોરૂમમાં ગયાં અને અડધો કલાકમાં તે જ રંગની તેવી જ કાર ફક્ત નેક્સ્ટ વર્ઝન બુક કરીને બહાર નીકળ્યાં. દસ શોરૂમ્સ ભટકો, ઓનલાઈન પર કારના રિવ્યુઝ અને પોડકાસ્ટ જોવા કલાકો વિતાવો, તેમાંથી અમારો છુટકારો થયો હતો.બિનજરૂરી બાબતોથી ભરેલું ઘર સાફ કરવામાં, અમેરિકન માણસોનું ‘સેલને નામે લાગેલું ગાંડપણ દૂર કરવા અને ‘પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી’ઉકેલવા મારી કોંડો અને તેના જેવા અનેક લોકોએ પોતાને કરોડપતિ બનાવ્યા. અમેરિકન્સ આ મેડનેસમાંથી બહાર આવશે કદાચ પણ આપણે ભારતીયો ઓનલાઈનના નવા સમુદ્રમાં ડૂબકીઓ લગાવવા માંડ્યા છીએ. રોજ આપણાં મોટા ભાગનાં ઘરોમાં ઓનલાઈન શોપિંગનાં કેટલાં બોક્સીસ આવે છે તેનું પરીક્ષણ કરવું જોઈએ. ખરેખર આટલી બાબતો આપણને જોઈએ? અગાઉ આપણે ક્યાં આટલી વસ્તુઓ બજારમાંથી લઈ આવતા? કોવિડમાં આપણા બધાને જ ઓનલાઈન શોપિંગનું ગાંડપણ લાગ્યું હતું. અમારા ઘરમાં આવતી વસ્તુઓ જોઈને એક દિવસ અમને જ નૉશિયા થયો. આ ક્યાંક અટકવું જોઈએ. આ પછી નક્કી કર્યું. જેને વસ્તુ મગાવવી છે તેણે તે ઓનલાઈન શોપિંગના કાર્ટમાં નાખવાની, બીજાએ તે ચેક કરવાની અને ત્રીજાએ પૈસા ભરતી વખતે રિ-ચેક કરવાનું. ડુ વી રિયલી નીડ ધિસ? આના સિવાય ચલાવી શકીએ કે આપણે? આ પ્રશ્ન પોતાને પૂછવાનો અને બધાનો એકમત થાય તો જ તે વસ્તુ લેવાની. તે બોક્સીસનો કચરો વાતાવરણને જેટલી હાનિ પહોંચાડે છે તે ઓછી કરવામાં અમે યોગદાન આપ્યું. અમારા ઘરમાંથી બહાર જનારા કચરાનું પ્રમાણ ઓછું કર્યું.

મારી ફુઈ કમલ સાવે બોર્ડીમાં રહેતી. તેની પાસે હું આઠમું- નવમું ધોરણ એમ બે વર્ષ ભણી. તે સમયે ત્યાંના આસપાસના આદિવાસીઓના ગામમાં જવા મળતું. તેમનાં ઘર આજે પણ જેમનાં તેમ નજર સામે છે. નાનાં લીંપણ કરેલાં ઘર. પાટિયાં પર રચાયેલાં ગણતરીનાં વાસણો, એક સાઈડમાં પાતળા બિછાના અને સતરંજી અથવા ચટાઈ, લીંપણ કરેલી દીવાલો પર અથવા કુડા પર સુંદર વાર્લી પેઈન્ટિંગ્સ. આ આનંદિત ઘર બતાવી આપતું કે સુખી સંતુષ્ટ કુટુંબને બહુ ઓછી બાબતોની જરૂર હોય છે. આપણે ઘરમાં સતત સામાન વધારતા રહીએ છીએ અને પછી સ્ટ્રેસ વધે છે.

હાલમાં મને ઘરમાં સ્ટ્રેસ છે અનેક રિમોટ્સનો. છતાં સારું છે કે અમે બહુ ઓટોમેશન કર્યું નથી. અન્યથા લાઈટનું રિમોટ, પંખાનું રિમોટ, ટીવીનું રિમોટ, સ્પીકર્સનું રિમોટ એવી જંજાળમાં પડદાના, કાચના, બારીઓના રિમોટ વધ્યા હોત. પહેલાંનાં ઘરો સારાં હતાં. બટન દબાવો એટલે ફેન શરૂ, ઘરમાં આવ્યા પછી એક ટ્યુબલાઈટ લગાવતાં આખું ઘર ઊજળી ઊઠતું. હવે આપણે ઘણા દીવા લગાવીએ છતાં આપણને જોઈએ તેવો ઉજાશ મળતો નથી. વસ્તુઓને લીધે આ રીતે સ્ટ્રેસ વધે છે. ક્યારેક ક્યારેક એવું લાગે છે કે અરે આવા બધાનો સ્ટ્રેસવાળા નિર્ણયો લેવાના પણ પછી જીવન એકદમ નીરસ થઈ જશે ને. ઓવરસિમ્પ્લિફિકેશન પણ ત્રાસદાયક જ હોય છે. સો આ ‘ટુ બી ઓર નોટ ટુ બી’ની લડાઈ ચાલુ રહેશે જ પણ એટલીસ્ટ શું સારું અને શું સારું નથી તેનું ભાન થઈ રહ્યું છે તે મહત્ત્વની વાત છે. નવું વર્ષ શરૂ થયું છે, શક્ય તેટલા વિચારપૂર્વક નિર્ણય લઈએ. બાબતોને થોડી આસાન કરીએ. મન પરથી બિનજરૂરી તાણ ઓછો કરીએ. નવી બાબતો શીખીએ, હોબીઝ માટે સમય કાઢીએ. જીવન રસરસીને જીવીએ. લેટ્સ સિમ્પ્લિફાય થિંગ્સ એન્ડ એમ્પ્લિફાય ધ હેપ્પીનેસ ઈન લાઈફ!

અરાઉન્ડ દ વર્લ્ડ

(વીણા પાટીલ)

veena@veenaworld.com