દેશ આખાને પ્રતીક્ષા છે જાન્યુઆરી 22 ની. લગભગ સાડા પાંચસો વર્ષના સંઘર્ષ અને ઇંતજાર પછી હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે એક અવસર આવ્યો છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે ત્યારે ચિત્રલેખા.કોમ ના વાચકો માટે આ વિશેષ લેખમાળા… સાત દિવસ માટે.
——————————————————————————————————
આ વિવાદ આમ તો પાંચસો વર્ષથી ચાલ્યો આવે છે, પણ ૧૯૮૯ પછીનો ઘટનાક્રમ ઝડપી તેમ જ નાટકીય છે. ‘ચિત્રલેખા’એ ૧૯૮૯થી અયોધ્યા સંબંધિત અનેક ઘટનાનું રિપોર્ટિંગ કર્યું છે. અયોધ્યાથી લઈને દિલ્હી, લખનઉ, મુંબઈ, અમદાવાદ કે ગુજરાતનાં અન્ય સ્થળોમાંથી પણ ‘ચિત્રલેખા’ના પત્રકારોએ સતત રામજન્મભૂમિ આંદોલનની માહિતી વાચકોને પીરસી છે. અહીં સંક્ષિપ્તમાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદનો અથથી ઈતિ સુધીનો સાલવાર ઘટનાક્રમ રજૂ કર્યો છે.
૧૫૨૮: મોગલ સમ્રાટ બાબરના સેનાપતિ મીર બાકીએ બે લાખની સેના સાથે અયોધ્યા પર આક્રમણ કર્યું ત્યારે પડખેના રજવાડાના મહારાજાએ ૧૭ દિવસ પ્રતિકાર કર્યો હતો. એમની વીરગતિ પછી જ બાકીએ મંદિર તોડીને એના સ્થાને મસ્જિદનું નિર્માણ કરાવ્યું, જે બાબરી મસ્જિદ તરીકે ઓળખાઈ. ત્યાર પછી ઔરંગઝેબના કાળ સુધી વખતોવખત મોગલ સેના અને હિંદુ રાજાઓ વચ્ચે છમકલાં થતાં રહ્યાં.
૧૮૫૮: સ્થાનિક પોલીસે નોંધ્યા મુજબ પચ્ચીસેક નિહંગ શીખો બાબરી મસ્જિદમાં ઘૂસી ગયેલા અને દિવસો સુધી હવન કર્યો હતો. સાથે દીવાલોને રામનામથી ભરી દીધી હતી.
૧૮૫૯: બાબરી મસ્જિદના આસપાસના કેટલાક વિસ્તારમાં મસ્જિદના વિવાદને કારણે કોમી રમખાણ ફાટી નીકળ્યાં હતાં. સમાધાનના ભાગ રૂપે ૧૮૫૯માં બ્રિટિશરોએ બાબરી ફરતે વાડ ઊભી કરાવી હતી. નિયમ એવો બનાવ્યો કે મસ્જિદનો અંદરનો ભાગ મુસલમાનો ઉપયોગમાં લઈ શકશે અને બહારના ભાગે હિંદુઓ પૂજા કરી શકશે.
૧૮૮૫: આ વર્ષે મહંત રઘુબર દાસે પ્રથમ વાર મસ્જિદને અડીને આવેલા રામ ચબૂતરા પર મંદિર બનાવવાની પરવાનગી માગતો કેસ દાખલ કર્યો હતો, પણ ફૈઝાબાદના મેજિસ્ટ્રેટે એ નકાર્યો. મહંતે પછી નવો કેસ દાખલ કરીને બાબરી મસ્જિદના ફળિયામાં મંદિર બનાવવાની માગ કરી હતી, જે પણ નકારવામાં આવી.
૧૯૪૯-૧૯૫૧: ૧૫૨૮થી ૧૯૧૪ સુધી રામજન્મભૂમિ માટે ૭૬ નાનાં-મોટાં યુદ્ધ કે છમકલાં કે ઘર્ષણ થયાં. ૧૯૪૯ના અંતે કોઈ હિંદુએ રાતોરાત વિવાદિત સ્થળે રામલલ્લાની મૂર્તિ સ્થાપિત કરીને પૂજા શરૂ કરી દીધી. ઘણા કહે છે કે એ મૂર્તિ આપોઆપ પ્રગટ થઈ હતી. અબુ બકર નામનો ચોકીદાર રામલલ્લાની મૂર્તિ કઈ રીતે પ્રગટ થઈ એનો ખુલાસો કરી શક્યો નહોતો. ૧૯૫૦માં ગોપાલસિંહ અને પરમહંસ રામચંદ્ર દાસે ફૈઝાબાદ કોર્ટમાં બે અરજી દાખલ કરીને રામ ભગવાનની મૂર્તિની પૂજા કરવાની પરવાનગી માગી હતી. કોર્ટે એમની વાત માન્ય રાખી અને સાથે જણાવ્યું કે મસ્જિદનો અંદરનો ભાગ બંધ રહેશે. જો કે મુસ્લિમોના વિરોધને કારણે ૧૯૫૧માં સત્તાવાળાએ એ ઓરડાને તાળું મારી દીધું. પૂજા કરવાની પરવાનગી સરકારે નીમેલા એક પૂજારીને આપી.
૧૯૬૧: ઉત્તર પ્રદેશ સુન્ની વક્ફ બોર્ડે મસ્જિદ અને એની બાજુનો વિસ્તાર કબ્રસ્તાન હોવાની દલીલ કરતી અરજી દાખલ કરી.
૧૯૭૬-૧૯૭૭: આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઈન્ડિયાના ડાયરેક્ટર જનરલ બી.બી. લાલની આગેવાનીમાં નિષ્ણાતોની ટુકડીએ વિવાદિત સ્થળે ખોદકામ કરીને જૂના મંદિરના ૧૨ સ્તંભ શોધી કાઢ્યા હતા, જે આ સ્થળ ભૂતકાળમાં હિંદુ મંદિર હતું એ પુરવાર કરતા સજ્જડ પુરાવા હતા. આવાં વધુ ખોદકામ પછીનાં વર્ષોમાં પણ થયાં, જેમાં વધુ ચિહ્નો મળી આવ્યાં હતાં.
૧૯૮૩-૧૯૮૪: ૧૯૮૩માં કોંગ્રેસના એક નેતા દાઉ દયાલ ખન્નાએ ઉત્તર પ્રદેશમાં એક સભાને સંબોધિત કરતી વખતે અયોધ્યા, મથુરા અને કાશી પર ફરીથી દાવો કરવાની હાકલ કરી. ૧૯૮૪માં વિશ્ર્વ હિંદુ પરિષદે રામજન્મભૂમિ ચળવળ ચલાવવા માટે સેના રચી, જેના સેનાપતિ લાલકૃષ્ણ અડવાણીને બનાવવામાં આવ્યા. એ જ વર્ષે બિહારના સીતામઢીથી રામ-જાનકી રથયાત્રા શરૂ કરવામાં આવી.
૧૯૮૬: અયોધ્યાના ઉમેશ પાંડેએ કરેલી અરજીના અનુસંધાનમાં અદાલતે તાળાં ખોલવાનો આદેશ આપ્યો, પણ મુસ્લિમોએ અલાહાબાદ હાઈ કોર્ટમાં વિરોધ નોંધાવ્યો. અદાલતે જૈસે થેની સ્થિતિ જાળવી રાખવા આદેશ આપ્યો. મુસ્લિમોએ બાબરી મસ્જિદ ઍક્શન કમિટી બનાવી.
૧૯૮૯: હિંદુઓને રાજી રાખવા રાજીવ ગાંધીએ વિશ્ર્વ હિંદુ પરિષદને વિવાદિત જમીન નજીક શિલાન્યાસવિધિ કરવાની મંજૂરી આપી હતી. વિશ્ર્વ હિંદુ પરિષદના અશોક સિંઘલે ગામેગામથી શિલાન્યાસ માટે ઈંટ એકઠી કરવાનું, બે હજારની વસતિદીઠ એક ઈંટ પૂજન કરીને અયોધ્યા મોકલાવવાનું આયોજન કર્યું. ગુજરાતે ૩૦ સપ્ટેમ્બરથી ૨૩ ઑક્ટોબર સુધીમાં ૨૦,૦૦૦ ઈંટ મોકલવાનો સંકલ્પ કરેલો, જે સમય પહેલાં જ પૂરો થયેલો. ગુજરાતમાં પ્રમુખ સ્વામી, મોરારિબાપુ, ડોંગરે મહારાજ અને ૧૦૮ પાર્શ્ર્વનાથ જિનાલયના આચાર્ય પ્રેમસૂરીશ્ર્વરજી મહારાજે પણ રામશિલાનું પૂજન કર્યું હતું.
ગુજરાતમાં શોભાયાત્રા-શિલાપૂજનના કાર્યક્રમમાં હુલ્લડો પણ થયાં, જેમાં દસેકનાં મોત થયેલાં. પોલીસ અધિકારી, કલેક્ટર સહિત ઘણા સરકારી કર્મચારીએ બિનધાસ્ત પૂજા કરી હતી. અમુક કોંગ્રેસી અને મુસ્લિમો પણ શિલાપૂજનમાં સામેલ થયેલા. મુંબઈમાં કોંગ્રેસ પ્રદેશાધ્યક્ષ મુરલી દેવરાના ઉદ્યોગપતિ ભાઈએ શિલાપૂજન માટે તગડું ડોનેશન આપ્યું હતું. એ વખતે દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ વિશ્ર્વ હિંદુ પરિષદના કાર્યક્રમનો વિરોધ કરેલો. એમને સરકારી સંત તરીકે બદનામી પણ મળી હતી. મજાની વાત એ કે કાંચીકામકોટિ પીઠના તત્કાલીન શંકરાચાર્ય ચંદ્રશેખર સરસ્વતીએ સૌથી પહેલી ઈંટની પૂજા કરી હતી.
બિન-વિવાદિત સ્થળે શિલાન્યાસ અને ભૂમિપૂજન વખતે બજરંગ દળના છ હજાર કાર્યકરો અને ૧૦,૦૦૦ ભગવાધારી સાધુઓના રહેવા માટે ૧૦૦ એકરમાં રામનગરી બનાવવામાં આવી હતી. આખા અયોધ્યામાં તલવાર નિકલેગી મ્યાન સે… મંદિર બનેગા શાન સે તથા કસમ રામ કી ખાતે હૈ, મંદિર વહીં બનાયેંગે… જેવાં સૂત્રો પોકારાતાં હતાં. રામનગરીમાં ઘૂસી ગયેલા મુસ્લિમો અને સામ્યવાદી પક્ષના કાર્યકરોની સારી પેઠે ધુલાઈ પણ થઈ હતી. એ વખતે અર્ધલશ્કરી દળોની ૧૦૦ કંપની અયોધ્યામાં તૈનાત હતી. બિહારના કામેશ્ર્વર ચૌપાલ નામના દલિત રામભક્ત દ્વારા સૂચિત મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો. એ જ વર્ષે અયોધ્યા મામલાને લગતા તમામ મામલા અલાહાબાદ હાઈ કોર્ટમાં લઈ જવામાં આવ્યા, જેમાં એક નવો કેસ રામલલ્લા વિરાજમાનના નામે પણ ઉમેરાયો હતો.
૧૯૯૦: લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રા શરૂ કરી, જેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. રામરથને રોકવા માટે લાલુપ્રસાદ યાદવે બિહારના સમસ્તીપુરમાં અડવાણીની ધરપકડ કરાવીને એમને હેલિકૉપ્ટરમાં ડુમકા લઈ ગયા. અડવાણીજી થોડા દિવસમાં છૂટી ગયા, પણ રથયાત્રાનો અંત આવ્યો. એ પછી અયોધ્યામાં કારસેવા માટે હજારો હિંદુઓ એકઠા થયા ત્યારે મુખ્ય મંત્રી મુલાયમસિંહ યાદવની સરકારે એમના પર ગોળીબાર કરાવ્યો, જેમાં ૨૮ કારસેવક મૃત્યુ પામ્યા. પરિણામે ભારતમાં ઘણી જગ્યાએ કોમી રમખાણ થયાં.
એ દરમિયાન એવું પણ બહાર આવેલું કે કેન્દ્રમાં ભાજપના ટેકાથી જનતા દળના વી.પી. સિંહની સરકાર (ડિસેમ્બર, ૧૯૮૯થી નવેમ્બર, ૧૯૯૦) હતી ત્યારે બાબરી મસ્જિદ ઍક્શન કમિટી વતી જાવેદ હબીબે મસ્જિદનો વચ્ચેનો ગુંબજ, જ્યાં રામજન્મભૂમિ હોવાનું કહેવાય છે એ હિંદુઓને મંદિર બનાવવા સોંપીને બાકીના બે ગુંબજ મસ્જિદ તરીકે જાળવવાની દરખાસ્ત વી.પી. સિંહ સમક્ષ મૂકીને ભાજપનો દાણો દાબી જોવાનું કહ્યું હતું, પણ વી.પી. સિંહ આ દરખાસ્ત પર ચપ્પટ બેસી ગયા અને એમની સરકાર જતાં આ વાત પણ પડી ભાંગી.
૧૯૯૨: સપ્ટેમ્બરમાં વિશ્ર્વ હિંદુ પરિષદે સમગ્ર ભારતમાં શ્રીરામ પાદુકાપૂજનનું આયોજન કર્યું. છ ડિસેમ્બર, ૧૯૯૨ના દિવસે ભારતભરમાંથી આવેલા આશરે દોઢ લાખ કારસેવકોએ બાબરી મસ્જિદની ઘેરાબંધી કરી અને મસ્જિદના સંપૂર્ણ માળખાને જમીનદોસ્ત કરી દીધું. બાબરીધ્વંસની ન્યાયિક તપાસ માટે ૧૬ ડિસેમ્બરે લિબરહાન કમિશન રચવામાં આવ્યું.
૧૯૯૩: પી.વી. નરસિંહ રાવની સરકારે અયોધ્યાની કુલ ૬૭.૭ એકર જમીન કેન્દ્ર સરકારની દેખરેખ હેઠળ લીધી, જેને બાદમાં કેન્દ્ર સરકાર દ્વારા જમીન સંપાદનના અયોધ્યા ઍક્ટ, ૧૯૯૩ થકી કાયદેસર કરવામાં આવી.
૨૦૦૨: ૨૭ ફેબ્રુઆરીએ અયોધ્યાથી પાછા ફરી રહેલા કારસેવકોની ટ્રેન પર ગોધરામાં કેટલાક સ્થાનિક મુસલમાનોએ હુમલો કરીને એક કમ્પાર્ટમેન્ટને આગ લગાડી, જેમાં ૫૮ કારસેવકો જીવતાં ભૂંજાઈ ગયા. પછી ગુજરાતભરમાં થયેલાં રમખાણોમાં બન્ને પક્ષે હજારથી વધુ લોકો માર્યા ગયા. એ જ વર્ષે એપ્રિલમાં અલાહાબાદ હાઈ કોર્ટની લખનઉ બેન્ચે રામમંદિર વિવાદના કેસની સુનાવણી શરૂ કરી.
૨૦૦૩: ભારતીય પુરાતત્ત્વ વિભાગના અધિકારીઓએ હાઈ કોર્ટના નિર્દેશ અનુસાર તપાસ કરી રિપોર્ટ રજૂ કર્યો કે બાબરી મસ્જિદ જે જગ્યાએ ઊભી હતી ત્યાં દસમી સદીના મંદિરના અવશેષ મળી આવ્યા છે.
૨૦૦૯: અગાઉ માત્ર ત્રણ મહિના માટે રચાયેલા લિબરહાન કમિશને ૧૭ વર્ષ બાદ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો, જેમાં અટલ બિહારી વાજપેયી, મુરલી મનોહર જોશી, લાલકૃષ્ણ અડવાણી, કલ્યાણસિંહ, પ્રમોદ મહાજન, ઉમા ભારતી, ગિરિરાજ કિશોર, અશોક સિંઘલ, બાળાસાહેબ ઠાકરે, વગેરેને બાબરીધ્વંસ અને પછીનાં કોમી રમખાણો માટે જવાબદાર ગણાવ્યાં.
૨૦૧૦: સપ્ટેમ્બરમાં અલાહાબાદ હાઈ કોર્ટે રામજન્મભૂમિની જમીનને ત્રણ સરખા ભાગે વિભાજિત કરવાનો ચુકાદો આપ્યો, જેમાંથી એક ભાગ રામજન્મભૂમિ માટે નિર્મોહી અખાડાને, બીજો ભાગ મસ્જિદ માટે સુન્ની વક્ફ બોર્ડને અને ત્રીજો ભાગ રામલલ્લા માટે હિંદુ મહાસભાને આપવાનો વિચિત્ર નિર્ણય હતો, જેની સામે બધા પક્ષો સુપ્રીમ કોર્ટમાં ગયા અને સ્ટે મેળવી લીધો.
૨૦૧૬: ભાજપના નેતા સુબ્રમણ્યન્ સ્વામીએ અયોધ્યામાં રામમંદિરના નિર્માણની ઈચ્છા સાથે સુપ્રીમ કોર્ટમાં વધુ એક કેસ દાખલ કર્યો, જેને કારણે ખટલો થોડો ગૂંચવાઈ ગયો અને લંબાઈ પણ ગયો.
૨૦૧૯: ૧૪ ઑક્ટોબરે સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં ૧૦ ડિસેમ્બર સુધી ૧૪૪ની કલમ લાગુ કરવાનો આદેશ આપ્યો. નવ નવેમ્બરે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં વિવાદિત સ્થળને રામજન્મસ્થાન તરીકે માન્ય રખાયું, એનો કબજો ભારત સરકાર દ્વારા ચરિત ટ્રસ્ટને સોંપવાનો તથા મસ્જિદના નિર્માણ માટે ઉત્તર પ્રદેશ સુન્ની વક્ફ બોર્ડને પાંચ એકર જગ્યા અન્યત્ર ફાળવવાનો સરકારને આદેશ આપ્યો.
૨૦૨૦: પાંચ ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામમંદિર માટે ભૂમિપૂજન કર્યું.
૨૦૨૪: આનુષંગિક વિધિઓ પૂરી કર્યા પછી બાવીસ જાન્યુઆરીએ બપોરે ૧૨:૨૦ વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પ્રભુ શ્રીરામની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો છે.
– નિતુલ ગજ્જર -સમીર પાલેજા