અમદાવાદ: સારંગપુરથી અવર-જવર કરતાં લોકો માટે મોટા સમાચાર આવ્યા છે. 2 જાન્યુઆરી 2025થી સારંગપુર બ્રિજને તોડીને નવો બનાવવાનો હોય દોઢ વર્ષ માટે એટલે કે 30 જૂન 2026 સુધી સારંગપુર બ્રિજ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. જેને લઈને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. સારંગપુર બ્રિજ બંધ થતાં અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રિજ પર વાહનોનો ધસારો વધશે.ક્યા છે વૈકલ્પિક રૂટ?
1. ગીતા મંદિર, ગાંધી રોડ, ખાડિયા તથા શહેર તરફથી આવતો ટ્રાફિક કાગડાપીઠ પોલીસ સ્ટેશન થઇને વાણિજ્ય ભવન થઇને અનુપમ/અંબિકા બ્રિજ થઇને એપરલ પાર્ક થઇને અનુપમ સિનેમા થઈને જરૂરિયાત મુજબ અલગ અલગ મુખ્ય માર્ગનો ઉપયોગ કરી શકાશે.
2. ગીતા મંદિર તથા શહેર તરફથી આવતો ટ્રાફિક જે કાલુપુર સર્કલ જવા માટે સારંગપુર સર્કલ થઇ રેલ્વે સ્ટેશન સામેનો એક તરફનો માર્ગ ચાલુ છે તેનો ઉપયોગ કરી મોતી મહેલ હોટલ થઇ કાલુપુર સર્કલ તથા અન્ય અલગ અલગ માર્ગો તરફ જઇ શકાશે.
3. રખિયાલ ઓઢવ તરફથી સારંગપુર બ્રિજ તરફ આવતો ટ્રાફિક રખિયાલ ચાર રસ્તાથી ન્યુ કોટન ચાર રસ્તા થઇ અનુપમ સિનેમા થઈ અનુપમ/અંબિકા બ્રિજ થઇ કાંકરીયા ગીતામંદિર થઇ શહેર તરફના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે.
4. રખિયાલ ઓઢવ તરફથી આવતો ટ્રાફિક કે જેઓને કાલુપુર સર્કલ કે કાલુપુર બ્રિજ તરફ જવા માટે કામદાર મેદાન ચાર રસ્તા થઇ ચારતોડા કબ્રસ્તાન થઇ સરસપુર ગુરુદ્વારા થઈ કાલુપુર બ્રિજ થઇ શહેરના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે.
રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ થતું હોવાના કારણે રેલવે વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સારંગપુર બ્રિજ અને કાલપુર બ્રિજને ફોર લેન બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. આ બ્રિજ રૂ. 439 કરોડના ખર્ચે બનાવાશે, જેનું કામ દોઢ વર્ષ સુધીમાં પૂર્ણ થાય તેવો અંદાજ છે.