ગયા રવિવારે દુનિયાભરમાં મૈત્રી-દિવસ ઊજવાયો. સંયોગથી એ દિવસે તથા આગલાપાછલા દિવસોમાં ભારતના ફ્રેન્ડ એવા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દોસ્તી ભૂલીને લાદેલા 25 ટકા ટેરિફ વિશે જાતજાતના મેસેજીસ, મીમ્સ, કાર્ટૂન્સ પ્રસારિત થયા. જો કે એ વિષય અર્થશાસ્ત્રીઓનો, પ્રખર રાજકારણીઓનો છે. આપણે ફ્રેન્ડશિપની વાત કરીએ.
ફ્રેન્ડશિપ ડે આવે એટલે ખાસ કરીને સોશિયલ મિડિયા પર જાતજાતના મેસેજીસ વહેતા થાય. જેવા કેઃ જીવનની દરેક સમસ્યાનો ટોલ-ફ્રી નંબર એટલે મિત્ર… આખી દુનિયા સાથ છોડી જાય ત્યારે સાથ નિભાવે એનું નામ મિત્ર… વગેરે.
કેવા હોય છે સમસ્યામાં કામ લાગતા આ ટોલ-ફ્રી નંબર? વિશ્વવિખ્યાત અમેરિકન ઉદ્યોગપતિ, ફોર્ડ મોટર કંપનીના માલિક હેન્રી ફોર્ડને તેમની જીવનસંધ્યાએ એક પત્રકારે સવાલ કર્યોઃ “આજે આપની પાસે ધનસંપત્તિ, પ્રતિષ્ઠા… જે જોઈએ એ બધું જ છે. પણ આજે તમે વિચાર કરો ત્યારે એવું લાગે કે કશુંક એવું છે, જે હજી આપને મળ્યું નથી?”
ફોર્ડે ઉત્તર આપતાં કહ્યું: “સાચો મિત્ર… મારી પાસે સાચો મિત્ર નથી.”
અહીં તમે એક વસ્તુ માર્ક કરી? હેન્રી ફોર્ડે મિત્ર આગળ ‘સાચો’ શબ્દ મૂક્યો, કારણ કે મિત્રો બનવા અને મળવા સહેલા છે, પણ સાચો મિત્ર મળવો ઘણો મુશ્કેલ છે.
કંઈ આવો જ પ્રશ્ન એક નિવૃત્ત સૈનિકને પૂછવામાં આવ્યોઃ “સર, તમને સરહદ પર રહેવું ગમે કે સમાજમાં?”
સૈનિકે કહ્યું કે “સરહદ પર… કારણ કે ત્યાં તો મને ખબર છે કે મારી સાથે ખભેખભા મિલાવીને લડી રહ્યો છે તે મારો દોસ્ત છે અને સામે છે તે દુશ્મન, જ્યારે સમાજમાં ખબર જ નથી પડતી કે કોણ દોસ્ત છે ને કોણ દુશ્મન.”
બાળપણમાં શેરી-મેદાનમાં રમતાં, સ્કૂલ-કોલેજમાં ભણતાં, નોકરી-ધંધો કરતાં આપણને પણ ઘણી વાર આવી મૂંઝવણ થઈ હશે કે કે આ મારો દોસ્ત છે કે દુશ્મન? ઘણાને મૈત્રી કર્યા પછી પસ્તાવું પડે છે, કારણ કે મિત્રના લક્ષણ જોઈને આપણે મિત્ર નથી બનાવ્યો. મિત્ર એ નથી જે આપણને સિગારેટ ફૂંકવામાં, દારૂની મહેફિલોમાં સાથ આપે, નશો ચઢાવી વ્યસની બનાવે, વ્યભિચારના માર્ગે ચઢાવી આપણું ચારિત્ર્ય ભ્રષ્ટ કરે. મિત્રનો ધર્મ એ છે કે આપણને ખરાબ માર્ગે જતાં રોકે અને સારા માર્ગે ચાલવા માટે સમજાવે.
