ભગવાન દત્તાત્રેય નવ નાથ અને ચોષઠ સિધ્ધોના ગુરુ છે. તેમની કૃપા અનન્ય છે, જેની પર ગુરુ દત્તાત્રેયની દયા થાય, આશીર્વાદ થાય તેને બધી વિદ્યા, સમ્માન અને અક્ષય સુખ મળે છે. ગુરુ મનુષ્યને પળવારમાં ભવસાગર પાર કરાવી શકે છે. ભગવાન દત્તાત્રેય ઋષિ અત્રિ અને સતી અનસૂયાને ત્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરના એક જ અવતાર તરીકે જન્મ્યા હતા. મુનિ દુર્વાસા અને ચંદ્ર તેમના સહોદર છે. ભગવાન દત્તાત્રેયના શરણ માત્રથી જ મનુષ્યની પીડા ટળે છે.
ભગવાન દત્તાત્રેયએ સ્વયં ગુરુ સ્વરૂપ છે, ગુરુતત્વનો દેહાવતાર છે. ભગવાન દત્તાત્રેયની છ ભુજાઓમાં સમગ્ર બ્રહમાંડનો વિસ્તાર અને કલ્યાણ કરવાનું બળ રહેલું છે. ભગવાન દત્તાત્રેયએ દિગંબર મુનિ છે, તેઓના સ્વરૂપને મનુષ્ય બાળકની જેમ સમજી શકતો નથી. ભગવાન દત્તાત્રેયની કૃપાથી કાર્તવીર્ય અર્જુનને ક્ષણવારમાં જ્ઞાન અને અંતે મોક્ષની પ્રાપ્તિ થઇ હતી.
ભગવાન દત્તાત્રેયએ વિષ્ણુ શર્મા નામના બ્રાહ્મણનો ઉધ્ધાર કર્યો હતો. અસુરોને જયારે પરાજય કરવામાં દેવો નિષ્ફળ જઈ રહ્યા હતા ત્યારે માત્ર ભગવાન દત્તાત્રેયની કૃપાથી જ દેવોએ અસુરોનો પરાજય કર્યો હતો. જંભ નામના રાક્ષસનો ભગવાન દત્તાત્રેયએ પોતાની શક્તિઓથી પરાભવ કર્યો હતો. આ બધી જ લીલા શક્તિઓમાં ભગવાન દત્તાત્રેયએ માત્ર તેમના જ્ઞાનનો જ વિસ્તાર કરીને બધું જ સિધ્ધ કર્યું હતું। પરશુરામ અને પ્રહલાદને પણ જયારે ગુરુતત્વની શોધ થઇ, ત્યારે તેઓ પણ ભગવાન દત્તાત્રેય પાસે પહોંચ્યા। પરશુરામ જયારે ભગવાન દત્તાત્રેય પાસે ગયા, ત્યારે તેઓ ભગવાન દત્તાત્રેયના સ્વરૂપ અને તેમની દિનચર્યા જોઈને તેમને સમજી ના શક્યા, કેટલાય લાંબા કાળ સુધી તેઓ ભગવાન દત્તાત્રેયની કૃપા માટે રાહ જોતા રહ્યા, પરંતુ અંતે તેઓને જે મળ્યું તે સર્વવિદિત છે.
તેઓ પર જયારે ગુરુકૃપા થઇ ત્યારે તેઓ અનેક વિદ્યાઓના સ્વામી બન્યાં ભીષ્મ પણ આ વિદ્યાના અંશ માત્ર પરશુરામ પાસે જાણી શક્યા, છતાં તેઓ મહાભારતના સૌથી મોટા વીર હતા. પરશુરામ કે જેઓ ભીષ્મના ગુરુ હતા, તેઓને જયારે સિદ્ધિઓની આંકાક્ષા હતી ત્યારે તેઓ યોગ્ય દિશા શોધી રહ્યા હતા. બધી જ વિદ્યાઓ જેની પાસે હોય તેવા એકમાત્ર ભગવાન દત્તાત્રેય પાસે તેઓ ગયા હતા. ત્યારે ભગવાન દત્તાત્રેયએ તેઓને ‘ત્રિપુરા રહસ્ય’ નામનું દેવીશાસ્ત્ર કહ્યું હતું। ‘ત્રિપુરા રહસ્ય’નું શાસ્ત્ર આજે પણ પ્રાપ્ય છે, પરંતુ તેનો અર્થ માત્ર ગુરુજનો જ કહી શકે છે. દેવી ઉપાસના અને દેવીના અંશ વિસ્તારની પૂજા ઉપાસના ભગવાન દત્તાત્રેય પાસે હતી.સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત આ શક્તિસ્વરૂપ દેવીને માત્ર ભગવાન દત્તાત્રેય સમજાવી શક્યા હતા. આ સદ્ભાગ્ય માત્ર પરશુરામને સાંપડ્યું હતું।
ભગવાન દત્તાત્રેયને ઔદુમ્બરનું વૃક્ષ ખુબ પ્રિય છે, ઔદુમ્બરમાં સિદ્ધ ગુરુઓનો વાસ હોય છે. જ્યાં ઔદુમ્બર હોય ત્યાં ભગવાન દત્તાત્રેયની કૃપા વર્ષે છે. ત્યાં રોગ અને મૃત્યુ ક્યારેય આવી શકતા નથી. જે ઔદુમ્બરની પ્રદક્ષિણા કરે, ભગવાન દત્તાત્રેયનો મંત્ર ભણે તેને બધી વિદ્યાઓ અને ગુરુકૃપા સહજ પ્રાપ્ત થાય છે.
શુક્રાચાર્યને સંજીવની વિદ્યા, ભગવાન શંકર પાસેથી પ્રાપ્ત થઇ હતી. પરંતુ, આ વિદ્યા ભગવાન શંકર પાસે પણ ભગવાન દત્તાત્રેયથી જ પ્રાપ્ત થઇ હતી. શુક્ર પણ એક સમયે ભગવાન દત્તાત્રેયનો શિષ્ય બન્યો હતો. બ્રાહ્મણ સ્ત્રીનો મૃત પતિ પણ ભગવાન દત્તાત્રેયની કૃપા થી સજીવ થયો હતો. એક નિઃસંતાન સ્ત્રીને સંતાન અને મૃત પુત્ર પણ ભગવાન દત્તાત્રેયની કૃપાથી પાછા મળ્યા હતા.
ભગવાન દત્તાત્રેયએ ગુરુતત્વનું સાકાર સ્વરૂપ છે, પરંતુ વાસ્તવમાં ગુરુતત્વતો નિરાકાર છે. ગુરુ સર્વસ્થળે સર્વ કાળમાં હાજર રહે છે. ભગવાન દત્તાત્રેયના ભક્ત દરેક દેવમાં પણ ભગવાન દત્તાત્રેયનો જ વિસ્તાર જુએ છે. જે દત્તાત્રેયની નિત્ય સ્મરણ કરે છે, તેને કોઈ બાધા કે પિશાચ પીડા થતી નથી. જ્યાં દત્તધૂનનો નાદ પડે છે, ત્યાં સિદ્ધ અને યોગીઓ આકર્ષાય છે. જ્યાં દત્તની પૂજા આરતી થાય છે, ત્યાં સમૃદ્ધિ અને વિદ્યાઓનો વાસ થાય છે. ભગવાન દત્તાત્રેયની દત્તબાવની 52 ગુરુવાર કરવામાં આવે તો ધાર્યા કાર્ય પર પડે છે.
નીરવ રંજન