દેવાધિદેવને વહાલી નગરી કાશી, કાશીવિશ્વનાથ કરશે પ્રલયમાં રક્ષા…

વતી કાલે અમાસ છે. એટલે શ્રાવણ માસ આવતીકાલે પૂર્ણ થશે. શિવભક્તોને તો શ્રાવણ માસ પૂર્ણ થાય એટલે ગમે જ નહીં. કારણ કે જે ભક્તો શિવની ભક્તિના રંગે રંગાયા હોય છે તેમને દુનિયાનો કોઈ અન્ય રંગ સ્પર્શી શકતો નથી. પરંતુ શ્રાવણ મહિનાના પવિત્રાતીપવિત્ર દિવસો હોય કે અન્ય દિવસો, ભગવાન શિવ પ્રત્યેની ભક્તિ શ્રદ્ધામાં કોઈ ઉણપ આવતી નથી. કારણ કે મહાદેવજી તો નિરંતર પોતાના ભક્તોનું ધ્યાન રાખે છે અને એટલે જ નિરંતર અને નિત્ય ભગવાન મહાદેવની આરાધના કરવી પણ એટલી જ જરુરી છે.

આપણે આખા શ્રાવણ માસ દરમિયાન chitralekha.com સાથે જ્યોતિર્લિંગોના દર્શન કર્યા છે. ત્યારે આવો આજે દર્શન કરીએ કાશીમાં બિરાજમાન ભગવાન કાશીવિશ્વનાથ મહાદેવના. આ મહાદેવને વિશ્વનાથ મહાદેવના નામથી ઓળખવામાં આવે છે. કહેવાય છે કે કાશીમાં સ્થિત આ શિવલિંગ પ્રલયકાળમાં આ નગરની રક્ષા કરશે, પ્રલયના સમયમાં પણ આ શહેરને કોઈ નુકસાન નહીં થાય.

કાશીને ભગવાન શિવનું નિવાસ સ્થાન કહેવામાં આવે છે. હિંદી ભાષામાં એવું કહેવામાં આવે છે કે काशी के कंकर शिव शंकर है” અર્થાત કાશીના પત્થરો પણ શિવશંકર છે. ભારતમાં સર્વાધિક શિવાલયોની સંખ્યા જો કોઈ સ્થળે હોય તો તે કાશીમાં જ છે, તેવું માનવામાં આવે છે. કાશીને રુદ્રમય માનવામાં આવે છે. ધર્મગ્રંથો અનુસાર કાશી, વારાણસી, બનારસ, અવિમુક્ત, આનંદવન, મહાસ્મશાન જેવા નામોથી જાણીતું આ નગર ત્રિશદળ પર વસેલું છે. જેનો સૃષ્ટિના પ્રલય સમયે પણ નાશ નહીં થાય. પ્રલયકાળમાં ભગવાન મહાદેવ આ સ્થળેથી જ સૃષ્ટિનો સંહાર કરે છે. તેથી જ તેને મહાસ્મશાન તરીકે પણ ઓળખવામાં આવે છે. કાશીમાં મરણના મહિમા પાછળનું ધાર્મિક કારણ ખૂબ મહત્વનું છે. કહેવાય છે કે ભગવાન મહાદેવ સ્વયં મરણોન્મુખ જીવને અહીંયા તારકમંત્ર સંભળાવે છે”, આ મંત્ર સાંભળવાથી જીવને બ્રહ્મજ્ઞાન મળે છે. આમ, જીવમાં બ્રહ્મ પ્રકાશિત થવાની માન્યતાને લીધે કાશીને પ્રકાશનું શહેર પણ કહેવામાં આવે છે. પ્રકાશના શહેરમાં મોક્ષ અંગેની આ માન્યતાને લીધે જ અહીં મૃત્યુનો વિશેષ મહિમા પણ છે.

પૌરાણિક કથા

કાશી વિશ્વનાથની સ્થાપના સંબંધિત પ્રચલિત કથા ભગવાન મહાદેવના આ સ્થળ પ્રત્યેના પ્રેમની છે. હિમાલયમાં વસવાટ કરતાં ભગવાન મહાદેવને ધ્યાન કે સમાધિમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે મા પાર્વતીજીએ પોતાના પતિ ભગવાન મહાદેવને બીજું સ્થાન શોધવા માટે પ્રાર્થના કરી અને ભગવાન શિવે રાજા દિવોદાસની કાશી નગરીની પસંદગી કરી અને નિકુંભ નામના શિવગણે ભગવાન શિવના શાંત અને એકાંત નિવાસ માટે મનુષ્ય વગરની બનાવી, ભગવાન મહાદેવ અને જગત જનની જગદંબા મા પાર્વતીજી આ સ્થળે નિવાસ કરવા લાગ્યાં. કાશીમાં થયેલા સંહારથી દુઃખી થયેલા રાજા દિવોદાસે ઘોર તપ કરી બ્રહ્મદેવને પ્રસન્ન કર્યાં અને પોતાનું દુઃખ દૂર કરવા માટે પ્રાર્થના કરી, બ્રહ્માજીએ આથી ભગવાન મહાદેવને રીઝવ્યાં અને ભગવાન શિવ મંદરાચલ નામના સ્થળે ચાલ્યાં ગયાં. ભગવાન મહાદેવનો કાશી પ્રત્યેનો પ્રેમ અકબંધ હતો. ભગવાન ભોળાનાથ મહાદેવનો કાશી પ્રત્યેનો આ સ્નેહ જોઈને ભગવાન વિષ્ણુએ રાજા દિવોદાસને જ્ઞાનોપદેશ આપતા રાજા દિવોદાસ તપોવનમાં જવા પ્રવૃત્ત થયાં. ત્યારબાદ વારાણસી ભગવાન મહાદેવનું કાયમી નિવાસસ્થાન બની ગયું. ભગવાન મહાદેવે ત્રિશૂળ પર આ નગરીની સ્થાપના કરી છે. વારાણસીમાં ભગવાન શિવ અને માતા શક્તિનો વાસ છે. 51 શક્તિપીઠોમાંની વિશાલાક્ષી શક્તિપીઠ વારાણસીમાં મણિકર્ણિકા ઘાટ પાસે આવેલી છે.

શ્રી કાશીવિશ્વનાથ મંદિર

વારાણસીમાં ગોદોલિયા ચોક પાસે વિશ્વનાથ ગલીમાં આવેલું વર્તમાન કાશી વિશ્વનાથ મંદિર સુવર્ણ મંદિર અથવા ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે, કારણકે આ મંદિરનો 15.5 મીટર ઉંચો કળશ સુવર્ણ જડિત છે. પ્રવર્તમાન કાશી વિશ્વનાથ મંદિર અને ગુજરાતના સોમનાથ મંદિર વચ્ચે સામ્યતા એ છે કે બંને મંદિરો મુસ્લિમ આક્રમણખોરો કે શાસકો દ્વારા ધ્વંસ થયાં છે અને ફરીવાર તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સોમનાથનું મંદિર તો સંપૂર્ણ નવનિર્માણ પામ્યું છે, પરંતુ કાશી વિશ્વનાથમાં તેમ નથી થયું.

કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ મંદિર અત્યારે જે સ્થળે આવેલું છે તે સ્થળ જ્ઞાનવ્યાપી મસ્જિદની બાજુમાં છે. તે બંનેને અલગ પાડતી એકમાત્ર દીવાલ ત્યાં છે. ઈતિહાસની નોંધ પ્રમાણે આજે જે મંદિર છે તે વિશ્વનાથનું ચોથું મંદિર છે. પંજાબ-લાહોરના મહારાજા રણજિતસિંહે ઈ.સ 1832 માં 22 મણ સોનાનો કળશ મંદિરને ભેટમાં આપ્યો હતો. મંદિરના કુલ ત્રણ શિખર કળશમાંથી અન્ય બે પર સોનાનો ઢોળ છે અને ત્રીજા કળશ માટે ઉત્તર પ્રદેશનું સાંસ્કૃતિક અને ધાર્મિક બાબતોનું મંત્રાલય રસ દાખવી રહ્યું છે. વિશ્વેશ્વર અથવા કાશી વિશ્વનાથના અન્ય બે મંદિરો પણ વારાણસીમાં આવેલાં છે, જેમાંનું એક મંદિર બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સ્થાપક પંડિત મદનમોહન માલવિયાની પ્રેરણાથી બન્યું છે. ન્યુ કાશી વિશ્વનાથ મંદિર તરીકે ઓળખાતું આ મંદિર વારાણસીનું સૌથી ઉંચું મંદિર છે. ગંગા કિનારે માનમંદિર ઘાટ પર સ્વામી કરપાત્રી દ્વારા નિર્માણ થયેલું બીજું વિશ્વનાથનું મંદિર છે.

કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ

અંદાજે 40 ચોરસફૂટ જેટલાં વિસ્તારમાં આવેલા પ્રવર્તમાન મંદિરમાં બે ગર્ભગૃહ અને ત્યારબાદ બે સભામંડપ છે. બે ગર્ભગૃહ પર ચતુષ્કોણી શિખર છે અને સભા મંડપ પર ઘુમ્મટ આકારનું શિખર છે. આ ઘુમ્મટ અને ડાબા ગર્ભગૃહ શિખર પર રણજિતસિંહે આપેલું સુવર્ણપાત્ર જોઈ શકાય છે. મંદિરના મહાદ્વારમાં પ્રવેશતાં જ ડાબી બાજુના ગર્ભગૃહમાં કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ આવેલું છે. જમણી બાજુના ગર્ભગૃહમાં પણ એક શિવલિંગ છે. તેની શાળુંકાનો ભાગ ચાંદીથી મઢેલો છે. મુખ્ય શિવલિંગ મધ્યમ કદનું છે, તેના પર પુષ્પ, બિલ્વપત્રનો અભિષેક થતો જોઈ શકાય છે.

કાશીમાં મૃત્યુનો મહિમા

આમ તો આપણાં ત્યાં જન્મના અનેક મહિમાઓનો ખૂબ મહિમા છે. પરંતુ કાશી એક એવી નગરી છે કે જ્યાં મરણનો મહિમા છે. અહીંયા જે વ્યક્તિ દેવલોક પામે તેને ચોક્કસ મુક્તિ મળે છે. એક ગુજરાતી કહેવત છે કે “સૂરતનું જમણ અને કાશીનું મરણ”. અર્થાત સૂરતનું જમણ શ્રેષ્ઠ છે અને કાશીનું મરણ શ્રેષ્ઠોત્તમ છે. કાશીમાં જે વ્યક્તિનું મૃત્યુ થાય તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જન્મ મરણનું જે ચક્ર છે તેમાંથી મુક્ત થવા માટે અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે કાશી સૌથી ઉત્તમ છે. કાશીના મહિમાનું વર્ણન ધર્મગ્રંથોમાં પણ જોવા મળે છે.

 

હાર્દિક વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]