સદગુરુ: જે લોકો નસીબ ઉપર આધાર રાખે છે, તેમની નજર હંમેશા સ્થળો, ચીજવસ્તુઓ, પથ્થરો અને માળા-મણકા પર રહે છે – શુકનિયાળ જૂતાં, શુકનિયાળ સાબુ, શુકનિયાળ આંકડા – આવું બધું. નસીબ પર મદાર રાખવાની અને કામ થવાની રાહ જોઈને બેસી રહેવાની આ પ્રક્રિયામાં, લોકો તેમના માટે જે ચીજોનું સરળતાથી સર્જન કરી શક્યા હોત, તે સઘળું ગુમાવી દીધું.
જીવનના દરેક પાસાં સાથે, આ કામ તમારે કરવાનું રહે છે. તમારી શાંતિ અને તમારી અશાંતિ તમારૂં કામ છે. તમારી બુદ્ધિમત્તા અને તમારી મૂર્ખામી તમારૂં કામ છે. તમારો આનંદ અને દુઃખ તમારૂં કામ છે. તમારામાં રહેલો દુષ્ટાત્મા અને ઈશ્વર તમારૂં કામ છે.
તમે વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ બની શકો કે નહીં તે અમે નથી જાણતા, પણ જો તમે ઈચ્છો, તો તમે પરમ સુખી અને અતિ આનંદિત વ્યક્તિ બની શકો છો. આપણે સૌ આ ક્ષમતા ધરાવીએ છીએ – આપણને કોઈ નસીબની જરૂર નથી. આ ક્ષમતાનો પણ સવાલ નથી. આ કેવળ ઈચ્છાશક્તિ ધરાવવાનો અને સંવેદનશીલ હોવાનો સવાલ છે અને આપણાંમાંની દરેક વ્યક્તિ તેટલી સૂઝ ધરાવે છે. આપણે ન્યૂક્લિઅર રિએક્ટરનું નિર્માણ કરવા જેટલી બુદ્ધિશક્તિ ભલે ન ધરાવતાં હોઈએ, પણ આપણે સૌ અંદરથી પ્રસન્નતા સાથે જીવવા પૂરતી સૂઝ જરૂર ધરાવીએ છીએ. અને, બાહ્ય કાર્યની દ્રષ્ટિએ આપણે જે પણ અન્ય ક્ષમતાઓ ધરાવતાં હોઈએ, તે પણ ત્યારે જ પૂર્ણ અભિવ્યક્તિ મેળવી શકે, જ્યારે તમે શાંતિપૂર્ણ અને આનંદિત હોવ. અન્યથા, તમારી સર્વાધિત મૂળભૂત ક્ષમતાઓ પણ બાહ્ય જગતમાં અભિવ્યક્તિ મેળવશે નહીં.
તમારી ઊર્જાઓને તેમની પૂર્ણ ક્ષમતાઓ સાથે અભિવ્યક્ત થવા દેવાને બદલે, યોગ્ય પ્રકારની પરિસ્થિતિ નિર્માણ પામી શકે તે રીતે આપણી આસપાસ જરૂરી આંતરિક અને બાહ્ય વાતાવરણનું સર્જન કરવાને બદલે, આપણે હંમેશા એવી કોઈ અન્ય બાબત તરફ નજર દોડાવતાં રહીએ છીએ, જે આપણા માટે એવા કાર્યો કરી શકે. આજે, સવારથી સાંજ સુધી, તમારા માટે અંદર જે થયું, તે ચોક્કસપણે તમારૂં કરેલું છે.
આજે, તમારૂં તમારી આસપાસનાં લોકો સાથે જેટલું ઘર્ષણ થયું, તેનો આધાર તમે પરિસ્થિતિને સમજવામાં તથા તમારી આસપાસનાં લોકોને – તેમની મર્યાદાઓને અને તેમની અંદરની શક્યતાઓને સમજવા પ્રત્યે કેટલા અસંવેદનશીલ રહ્યા છો, તેના પર છે. આ દિવસે ગ્રહો કઈ સ્થિતિ ધરાવે છે કે પછી તમે કઈ શુકનવંતી ચીજ ધારણ કરી હોઈ શકે છે તે નિઃશંકપણે નક્કી નથી. આ બાબત રહેલો – તમે કેટલી સંવેદનશીલ રીતે, બુદ્ધિશાળી રીતે અને કેટલી સભાનતા સાથે તમારી આસપાસના જીવનને જુઓ છો અને તેના પ્રત્યે કેવો વ્યવહાર કરો છો, તેના પર નિર્ભર કરે છે.
આધ્યાત્મિક પ્રક્રિયાના મૂળભૂત સિદ્ધાંતો આપણી ઊર્જાઓને એ રીતે સુગ્રથિત કરવા માટે છે, જેથી ચીજો, લોકો અને પરિસ્થિતિઓ આપણાં જીવનને હવે પછી માર્ગદર્શિત ન કરે. આપણી નિયતિનું સર્જન આપણી બહાર નથી થયું. આપણી નિયતિ આપણી અંદર જ નિર્મિત થઈ છે – એવી રીતે બનવા માટે કે જેથી જીવન, મૃત્યુ અને તેનાથી આગળની પ્રક્રિયા એક સચેત પ્રક્રિયા બની રહે, તે અસ્તિત્વનાં અન્ય બળોને આધીન નથી. તમે જે છો તેના સ્રોત બનો છો. તમે તમારી સાથે જે બને છે તે સર્વસ્વનો આધાર બનો છો અને બાહ્ય પ્રભાવોથી મુક્ત થાઓ છો.
જ્યારે હું ‘બાહ્ય’ શબ્દનો ઉપયોગ કરૂં છું, ત્યારે હું કેવળ બહારની દુનિયા કે લોકો વિશે વાત નથી કરી રહ્યો, બલ્કે તમારો દેહ અને તમારૂં દિમાગ સુદ્ધાં તમારા માટે બાહ્ય છે. હવે, જો તમારૂં શરીર અને દિમાગ સુદ્ધાં તમને પ્રભાવિત ન કરતું હોય, તો પછી પૃથ્વી કે તેની પાર એવી કોઈ શક્તિ નથી જે તમને આ માર્ગ કે પેલા માર્ગ તરફ ખેંચી શકે. જે પણ માર્ગ તમે ઈચ્છો, જે પણ રીતે તમારૂં અસ્તિત્વ ટકે, તે જ રીતે સઘળું આકાર પામે છે.
(સદગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 4 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.