પોતાના જીવનની જવાબદારી લેવી

(સદગુરુ જગ્ગી વાસુદેવ)

જ્યારે જીવનમાં તમે જે ઈચ્છો તે ના થાય તો ત્યાં નસીબને દોષ દેવાનું પ્રલોભન હોય છે. આ અસફળતા સાથે કામ લેવાની એક રીત છે. લોકો તમારી અત્યારની પરિસ્થિતી માટે તમને સાંત્વના આપવાનો પ્રયત્ન કરે છે. તમે જે કઈ પરિસ્થિતિમાં જીવતા હોવ, માણસ હોવાનો અર્થ એ છે કે તમે પરિસ્થિતિને તમારા અનુસાર વાળી શકો છો. પણ આજે મોટા ભાગના લોકો તેઓ જે પરિસ્થિતીમાં હયાત હોય તે અનુસાર વળી જતાં હોય છે. તેનું સરળ કારણ એ છે કે તેઓ જે પરિસ્થિતિમાં મૂકાયા હોય તેની પ્રતિક્રિયા સ્વરૂપે જીવતા હોય છે. તેથી તેમનો પ્રશ્ન એ હશે કે, “હું કેમ આ પરિસ્થિતિમાં મૂકાયો? શું તે મારૂ કમનસીબ છે?”

દરેક વસ્તુ જેને તમે અત્યારે “મારી જાત” તરીકે ઓળખો છો તે માત્ર એક સંચય છે. તમારું શરીર માત્ર અન્નનો સંચય છે. તમે જેને “મારું મન” કહો છો તે માત્ર પાંચ ઇન્દ્રિયો વડે ભેગી કરેલી છાપો છે. તમે જેને એકઠું કરેલ છે તે તમારું હોઈ શકે છે, પણ તે તમે ના હોઈ શકો. તમે કોણ છો તે તમારા અનુભવમાં આવવું હજુ બાકી છે. તે એક બેભાન અવસ્થામાં છે. તમે જે કઈ એકઠું કર્યું છે તે બાબતે તમે 100 ટકા પણ સભાન નથી. તમે તમારું જીવન જે કાઈ એકઠું કર્યું છે તેના થકી જીવવાની કોશિશ કરી રહ્યા છો, તમે કોણ છો તેના આધારે નહીં.

તમે જે પ્રકારની છાપો એકઠી કરી હશે તેના આધારે તમે ચોક્કસ વૃત્તિઓ મેળવી હશે. આને બદલી શકાય છે. અત્યારની વૃત્તિઓ અથવા જીવનનો તમારો ભૂતકાળનો અનુભવ, તમારી અનુવંશિકતા ભલે ગમે તે હોય, તમારા માતા-પિતા, તમે ક્યાં જનમ્યા હતા અથવા તમે ક્યાં મોટા થયા તેને ધ્યાનમાં લીધા વિના, જો તમે તમારી જાત સાથે ચોક્કસ વસ્તુઓ કરો છો, તો તમે આને બદલી શકો છો. તમે ચોવીસ કલાકમાં સંપૂર્ણ રીતે પોતાની જાતને ફરીથી બનાવી શકો છો. કેટલાય લોકો તે રીતે તદ્દન રૂપાંતરિત થયા.

તો તમે જેમ છો તેમાં ખોટું શું છે? તેમાં કઈ જ ખોટું નથી. જો તમે મને પૂછો કે મર્યાદિત રહેવામાં શું ખોટું છે, તો ત્યાં તેની સાથે કઈ ખોટું નથી, તે માત્ર મર્યાદિત છે, બસ એ જ. ગુસ્સો, ભય, બેચેની અને તાણના સ્વરૂપમાં તમારામાં અપ્રિયતા જન્મે છે કેમ કે તમારું મૂળભૂત સામર્થ્ય – તમારું શરીર, તમારું મન, તમારી ભાવનાઓ અને તમારી જીવન ઊર્જાઓ – તેઓ પોતાની જ વસ્તુઓ કરી રહ્યા છે જાણે કે તેઓ તમારા ના હોય. તમારું મન અને તમારું શરીર તમારી અંદરના તમારાં જીવનને સેવા આપવા માટે છે.

જ્યારે બાહ્ય વાસ્તવિકતાઓની વાત આવે છે, તો આપણે બધા જુદી-જુદી રીતે સક્ષમ છીએ. જે તમે કરી શકો છો, તે કોઈ બીજી વ્યક્તિ ના કરી શકે, જે બીજી વ્યક્તિ કરી શકે, તે તમે ના કરી શકો. પણ જ્યારે તે આંતરિક સંભાવનાઓની વાત પર આવે છે, તો દરેક માનવી સમાન રીતે સક્ષમ છે. તમે એક બુધ્ધ કે એક ઈશુ કે અન્ય કોઈ વ્યક્તિ કરતાં ઓછા સક્ષમ નથી. આપણાં બધા જ પાસે એક સમાન આંતરિક સામર્થ્ય છે – કમનસીબે ક્યારેય તેને શોધાયું નથી કે નથી ક્યારેય તેના સુધી પહોંચાયું.

જેવી રીતે બાહ્ય સુખાકારી માટે ટેકનોલોજી છે, તે જ રીતે આંતરિક સુખાકારી માટે પણ આખી ટેક્નોલોજી છે. જો તમે આને શોધો છો, માત્ર જ્યારે તમે આને શોધો છો, તમે પોતાને ઈચ્છો તે અનુસાર બનાવી શકો છો. તમે પોતાના અનુભવની પ્રકૃતિ અને તમારી અંતિમ મંજિલ નક્કી કરી શકો છો.

(ભારતના 50 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વ્પ્નદ્રષ્ટા અને ન્યુયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ પદ્મ વિભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા છે.)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]