ધ્યાન – સમયનો બગાડ

સદ્‍ગુરુ: આ એક ગણતરી, “ધ્યાનથી મને શું મળશે?” એને છોડી દેવી જ જોઇએ. તમારે કંઈપણ મેળવવાની જરૂર નથી. તમારે આનો લાભ લેવાની જરૂર નથી. દરરોજ થોડી મિનિટો બગાડો – થોડો સમય બગાડતા શીખો, બસ. કંઇ થવાની જરૂર નથી. આ તંદુરસ્ત બનવા અથવા પ્રબુદ્ધ બનવા અથવા સ્વર્ગ સુધી પહોંચવા વિશે નથી – આ ફક્ત સમયનો બગાડ છે.

આ દિવસોમાં ઘણી બધી આધુનિક પરિભાષાઓ ચાલે છે, “આજના સત્સંગથી શું મેળવ્યું?” જો તમે ફક્ત મેળવવાની ઝંખના કરો છો, તો તમે ફક્ત નાની વસ્તુ જ લેશો. વાસ્તવિક વસ્તુ તમારી સાથે ક્યારેય આવશે નહીં. જો તમને વાસ્તવિક વસ્તુ જોઈએ છે, તો ફક્ત મેળવવાનો વ્યવસાય બંધ કરો. સરળ રીતે રહો, કંઇ થાય એવું જરૂરી નથી. જો તમે તમારા જીવનની દરેક બાબતમાં આ એક ગણતરી છોડી દો – “હું શું મેળવી શકું?” – તમે ખરેખર અમર્યાદિત અને સંપૂર્ણ કરુણામયી બનશો. બીજો કોઈ રસ્તો નથી. તમારે ફક્ત આ એક સામાન્ય ગણતરી છોડવી પડશે કારણ કે તે તમારા આખા મન અને માનસિક પ્રક્રિયાની ચાવી છે. તે મનમાં થઈ રહેલી બધી પ્રવૃત્તિની ચાવી છે.

તે ફક્ત એટલા માટે કે લોકોમાં માત્ર હોવાની સરળ જાગરૂકતા ન હતી, માટે તે વૈકલ્પિક રીતે સૂચવવામાં આવ્યું હતું કે તમે ફક્ત પ્રેમમાં હોવા જોઈએ. કારણ કે તે એક એવી અવસ્થા છે જ્યાં અમુક હદ સુધી – હું બધી રીતે નહીં કહું – પરંતુ અમુક અંશે તમે કોઈ મેળવ્યા વગર હોઈ શકો. પ્રેમ અથવા કરુણાની ઊંડી ભાવના વિકસાવવા વિશેની બધી વાતો ફક્ત આ તરફ જ છે કે તમે અપેક્ષાને દૂર કરી રહ્યા છો. કોઈના પ્રત્યે તીવ્ર ભાવના ઉત્પન્ન કરીને, “મને શું મળવું જોઈએ?” એને દૂર કરવામાં આવી રહ્યું છે.

જો તમે આ એક ગણતરી તમારા જીવનમાં છોડી દો, તો નેવું ટકા કામ પૂરું થઈ ગયું; બીજા દસ ટકા જાતે જ થશે. તે સાપ-સીડીની રમત જેવું છે. ત્યાં ઘણી સીડી અને ઘણા સાપ છે. ઉપર અને નીચે મુસાફરી થશે, પરંતુ એકવાર તમે છેલ્લા પગથિયે પહોંચો, તે પછી ત્યાં વધુ સાપ નથી. તમારે ફક્ત એક અને એક અને એક મેળવવાનું છે અને તમે ત્યાં છો; તમને ખાઈ જવા માટે વધુ સાપ નથી. આ તેના જેવું જ છે. જો તમે ફક્ત આ એક ગણતરી છોડી દો, તે પછી, વધુ સાપ નહીં. તમે ત્યાં પહોંચો તે માત્ર સમયનો જ પ્રશ્ન છે.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ) 

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.