સદ્ગુરુ: જો તમે દિવસમાં આઠ કે નવ કલાક સૂતા હોવ તો એક વસ્તુ જેના પર ધ્યાન આપવું જોઈએ તે છે કે તમે કેવો ખોરાક લો છો. ઓછામાં ઓછું અમુક ચોક્કસ માત્રામાં, શાકાહારી વસ્તુઓ ખાવી, ખાસ કરીને એવા ખોરાક કે જેમને કુદરતી રૂપમાં, કાચા જ ખાઈ શકાય તેવા હોય તે તમારી સર્વાંગી સુખાકારી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે તમે ખોરાક રાંધો છો, ત્યારે મોટી માત્રામાં પ્રાણ અથવા જીવન ઊર્જાનો નાશ થાય છે. આ એક કારણ છે કે જેનાથી સુસ્તી શરીરમાં પ્રવેશી શકે છે. જો તમે ચોક્કસ માત્રામાં તાજા ફળો અને શાકભાજી ખાઓ છો, તો તેના ઘણા જ ફાયદા છે, પરંતુ એક વસ્તુ તરત જ તમારા ધ્યાનમાં આવશે કે તમારી ઊંઘની માત્રા ઓછી થશે.
સ્ટવથી પ્લેટ સુધી – ફટાફટ
ભારતીય સંસ્કૃતિમાં, પરંપરાગત રીતે એવું કહેવામાં આવે છે કે કોઈપણ રાંધેલા ખોરાકને રાંધ્યાના 1.5 થી 2 કલાકની અંદર ખાઈ લેવો જોઈએ. રાંધેલા ખોરાકને લાંબા સમય સુધી ફ્રિજમાં મૂકી રાખ્યા પછી ખાવાથી તમારી ઊંઘની માત્રા વધી શકે છે. ઉપરાંત શરીરને અન્ય ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે. તે જ બજારમાં ડબ્બામાં પૅક કરીને મળતા (કેનમાં મળતા) ખોરાક માટે સાચું છે. “તમસ” નામની એક વસ્તુ છે જેનો શાબ્દિક અર્થ “જડતા” થાય છે. આ રીતે રાખવામાં આવતા ખોરાકમાં ઘણું બધું તમસ હશે, જે તમારી માનસિક ચપળતા અને સતર્કતામાં ઘટાડો લાવી શકે છે.
જમ્યા પછી તમે તરત જ ન સૂઓ
ઘણા એવા લોકો હોય છે જેઓ એવી માનસિક સ્થિતિમાં હોય છે કે જ્યાં સુધી તેઓ પોતાને ખોરાકથી ભરીને શરીરને સુસ્ત ન બનાવે ત્યાં સુધી તેઓ ઊંઘી શકતા નથી. તમારે સૂતા પહેલા પાચન થવા માટે પૂરતો સમય આપવો જોઈએ. હું કહીશ કે જો તમે ખાવાના બે કલાકની અંદર સૂઈ જાવ છો તો તમે જે ખાધું હશે તેમાંથી 80% ખાદ્યપદાર્થો બરબાદ થઈ જશે. જો તમે એવી સ્થિતિમાં છો કે જ્યાં સુધી તમારું પેટ પૂરું ભરેલું ન હોય ત્યાં સુધી તમે ઊંઘી શકતા નથી, તો તમારે આ સમસ્યા પર ધ્યાન આપવાની જરૂર છે. આ ઊંઘ વિશે નથી, આ એક ચોક્કસ માનસિક સ્થિતિ છે.
ઊંઘ માટે યોગ્ય સ્થિતિ
જ્યારે શરીર આડા પડેલી સ્થિતિમાં હોય, ત્યારે તમે તરત જ જાણી શકશો કે તમારા ધબકારાના દરમાં ઘટાડો થયો છે. શરીર આ ગોઠવણ કરે છે કારણ કે જો લોહી એટલી જ તાકાતથી ફેંકાશે, તો તમારા માથામાં તે વધારે પડતું જશે, જેનાથી નુકસાન થશે. જે રક્તવાહિનીઓ ઉપર તરફ જાય છે તે નીચે જતી રક્તવાહિનીઓ કરતાં વધુ બારીક હોય છે. જયારે તેઓ મગજ સુધી પહોંચે ત્યારે તેઓ લગભગ વાળ જેવી બની જાય છે, એ હદ સુધી કે તેઓ વધારાનું એક પણ ટીપું લઈ ન શકે.
જ્યારે તમે સૂઓ ત્યારે જો તમે તમારું માથું ઉત્તર તરફ રાખો અને 5 થી 6 કલાક સુધી આ રીતે રહો, તો પૃથ્વીનું ચુંબકીય ખેંચાણ તમારા મગજ પર દબાણ લાવશે કારણ કે આયર્ન (લોહ તત્વ) તમારા લોહીમાં એક મહત્ત્વપૂર્ણ ઘટક છે. એવું નથી કે આ રીતે સૂવાથી તમે મરી જશો. પરંતુ જો તમે દરરોજ આવું કરો છો, તો તમે મુશ્કેલીને આમંત્રીત કરી રહ્યા છો. જો તમારી ઉંમર થોડી વધુ હોય અને તમારી રક્તવાહિનીઓ નબળી હોય, તો તે હેમરેજ અને લકવાગ્રસ્ત કરે તેવા સ્ટ્રોકમાં પરિણમી શકે છે. જો તમારી સિસ્ટમ મજબૂત હોય, તો પણ તમે સારી રીતે ઊંઘી શકતા નથી કારણ કે મગજમાં જેટલું હોવું જોઈએ તેના કરતાં લોહીનું પરિભ્રમણ વધારે છે.
જો તમે ઉત્તર ગોળાર્ધમાં છો, તો જ્યારે તમે સૂઓ ત્યારે તમારું માથું પૂર્વ દિશામાં રાખવું શ્રેષ્ઠ છે. ઇશાન ખૂણો (ઉત્તરપૂર્વ) બરાબર છે. પશ્ચિમ પણ ચાલશે. દક્ષિણ, જો કોઈ બીજો વિકલ્પ ન હોય તો. ઉત્તર, બિલકુલ નહીં. દક્ષિણ ગોળાર્ધમાં, તમારું માથું દક્ષિણ તરફ ન રાખો.
(સદ્ગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 4 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.