ઇચ્છનીય બનવું

સમાજ, લોકો અને શિક્ષણે હંમેશા તમને કેવી રીતે ફતેહમંદ થવું એ શીખવ્યું છે. તમે કોઈ ભૌતિક વસ્તુ ઉપર જ કંઈક અંશે જીત મેળવી શકો છો – પથ્થર, જમીનના ટૂકડાઓ અથવા ભૌતિક શરીર પર. પણ જો તમારે અંતિમને જાણવું હોય, તો સમર્પણ એક માત્ર રસ્તો છે – તમે તેને જીતી શકતા નથી. પરંતુ તાર્કિક દિમાગમાં સમર્પણ શરમજનક પ્રતીત થાય છે. સમર્પણ એક એવી વસ્તુ છે જે લોકો ઇચ્છતા નથી કેમ કે સમર્પણમાં તમારો અંત થઈ જાય છે.

ઘણા સ્તરે પોતાને હારી જવાની બીકથી જીતવાની જરૂર ઉત્પન્ન થાય છે. તમને તે બીકને કેવી રીતે હલ કરવી તે આવડતું ન હોવાથી તમે લોકો અને વસ્તુઓ પર જીત મેળવવા ઈચ્છો છો, અને તમને વધુ ને વધુ હાંસલ કરવાની ઈચ્છા થાય છે કેમ કે નહિતર તમને અપૂરતું લાગે છે. કોઈક રીતે તમે પોતે જે રીતે બનેલા છો તે તમારી પોતાની આજુ-બાજુ ભેગી કરેલી વસ્તુઓ સિવાય ઓછું લાગે છે.

આ અપૂર્તતા એટલા માટે નથી  કેમ કે તમે એ રીતે બનેલા છો, પણ કેમ કે તમે પોતાની ઓળખ નાની-નાની વસ્તુઓ સાથે બનાવેલી છે એટલા માટે છે. જો તમે અસ્તિત્વની વિશાળતા જુઓ તો તમને લાગશે કે તમે કેટલા નાના છો અને તમે પોતાને ખોવાઇ ગયેલા જાણો છો. જ્યારે તમારી ઓળખ એ મૂળભૂત રીતે આ નાનકડા માંસ સાથે છે જે આ પૃથ્વી પર ચાલે છે, તો કૂદરતી રીતે તમને ખૂબ જ અપૂરતું મહેસૂસ થાય છે. તમારે દરેક ક્ષણે પોતાને સાબિત કરવા પડે છે. તમારી આજુ-બાજુના લોકોએ તમારા વખાણ કરવા પડે છે, તેઓએ તમને કહેવું પડે છે કે તમે ખાસ છો અને સતત તમને પ્રોત્સાહન આપવું પડે છે. નહિતર તમને લાગે છે કે તમે ખોવાઈ ગયા છો.

ઇચ્છનીય બનવાનો અર્થ છે કે તમે પોતાની ઓળખ મર્યાદિત નથી રાખતા. તમે તે કેવી રીતે કરશો? આ વાતને હલ કરવા માટે તેઓએ ભગવાનની વાત શરૂ કરી. નાની-નાની વસ્તુઓ સાથેની ઓળખને ત્યજી દો અને જે તમે ના જોઈ શકતા હોવ તેની સાથે ઓળખ બનાવો, જેને આપણે સર્વસ્વ કહીએ છીએ તેની સાથે ઓળખ બનાવો. લોકોએ ભગવાનને પણ તમારી જેમ અન્ય ભૌતિક વસ્તુ સાથે ઓળખાવી દીધા છે અને તેમની સાથે તેઓએ ઓળખ બનાવી લીધી છે. અને દુર્ભાગ્યે, એક વ્યક્તિના ભગવાન બીજી કોઈ વ્યક્તિના ભગવાન સાથે ઝગડી રહ્યા છે અને એક બીજા સામે યુધ્ધ ખેલી રહ્યા છે.

દરેક સાધન જે બનાવવામાં આવે છે તેને મરમ્મતની જરૂર હોય છે કેમ કે તે સમય જતાં બગડી જાય છે. એકવાર લોકો સાધનને જોવાનું છોડી દે છે ત્યારે સાધન કામ નથી કરતુ. નવા સાધનો બનાવવાની જરૂર પડે છે કેમ કે સાધનની ખૂદની કિંમત નથી રહી. તે કેટલું સરસ કામ આપે છે બસ એનું જ મહત્વ છે. આ, હું ફૂલને ચીંધીને “ફૂલને જુઓ” કહું અને પોતાની આંગળી સાથે અટકી જઉ, એવી વાત છે.

ઇચ્છનીય બનવાના પ્રયત્નો કરશો નહીં, માત્ર જેને તમે પોતાની જાત કહો છો તેને પોતાની સાથે ઓળખાવાનું બંધ કરી દો. પરંતુ મોટા ભાગના લોકો માત્ર હોય, તેવી રીતે નથી રહી શકતા. તેમનું મગજ તેમની પોતાની કોઈપણ વસ્તુ અને બધી જ વસ્તુ સાથે ઓળખ બનાવ્યા કરે છે. તેથી, તમારી ઓળખ એની સાથે બનાવવી જરૂરી છે જે તમને તોડે છે, નહીં કે જે તમને પ્રોત્સાહિત કરે છે.

(સદગુરૂ જગ્ગી વાસુદેવ)

(ભારતની પચાસ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ ઓથર છે. 2017માં ભારત સરકાર દ્વારા સદગુરુને પદ્મવિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા, જે વિશિષ્ટ અને અસાધારણ સેવા બદલ આપવામાં આવતો વાર્ષિક એવોર્ડ છે.)