ખુશહાલપણે મોટા થાવ

તમે જે કંઇ કરો, તેની નકલ બાળકો કરવા ઇચ્છે છે. આમ, તેઓ માટે, તમે માન આપવા લાયક ઉદાહરણ બની શકો તો માવતર તરીકે બહુ કંઇ કરવાનું રહેતું નથી. અહીં થોડા વિચાર-યોગ્ય મુદ્દાઓ આપ્યા છે:

સ્વ મૂલ્યાંકન: બાળકને જન્મ આપવાનું નક્કી કરતાં પહેલાં, તમે કેવાં બેસો છો, ઉભા રહો છો, વાત કરો છો અને પરિસ્થિતિઓમાં પ્રતિભાવો આપો છો, તે દરેક પાસાંને મૂલવવું જોઇએ. ખુદને પૂછો, કે જો તમે પાંચ વર્ષના બાળક હો, તો તેને આ માણસ (તમે) ગમશે? માન આપી શકશે? બીજું, બાળકો સાથે પૂરતો સમય વિતાવીને જુઓ કે તેમને તમે ગમો છો કે નહી તથા તમને તેઓ ગમે છે કે નહી. આનાથી ઘણું ડહાપણ આવશે.


યોગ્ય વાતાવરણ: તમારે ત્યાં બાળક હોય, તો માત્ર પ્રેમાળ, સહાયક અને સ્ફૂર્તિકારક વાતાવરણ રચવાનું છે. બાળક જ્યારે તમારા જીવનમાં પ્રવેશે, ત્યારે શીખવાનો સમય છે, નહી કે શીખવવાનો. બાળકને આફત શું, સારું શું વગેરેની ખબર ન હોય ત્યારે તેઓ આફત ભણી જતા હોય તે વખતે તમારું ડહાપણ વાપરો. અન્યથા, બાળકો જીવનને તમારા કરતા વધુ આનંદીપણે ચલાવવા સક્ષમ છે. તેમની પાસેથી એ પાસાંઓ શીખો. ખુદ જેનું પાલન કરી શકતા ન હો તેવી બાબતો જો બાળકોને શીખવવા જશો તો સ્પષ્ટ છે કે સમયાંતરે એ તેમના ધ્યાને આવી જશે. તમારા શબ્દો અને તમારું આચરણ મેળ ખાતાં હોવા જોઇએ. એક પ્રેમાળ અને ધબકતું વાતાવરણ સર્જશો તો તેઓ ઠીક રહેશે.

ઝાડ ચઢો: તમારે બાળકોને શારીરિક રીતે પોષિત અને માનસિકપણે પ્રદિપ્ત રાખવા જોઇશે. આ માટે સરળતમ રાહ એ છે કે તેમને કુદરતના સાંનિધ્યમાં લઇ જાવ; જ્યાં જીવડાં થી લઇ પુષ્પ, સઘળું તેમને ઉત્તેજના પૂરી પાડે. વધુ ને વધુ રમકડાં લઇ આપવાને બદલે બાળકોને ખુલ્લામાં લઇ જાવ, ઝાડ ઉપર ચડવા દો, તેમની સાથે ક્યાંક ચાલવા જાવ, તેમની સાથે તરો. આવું બધું કર્યે બાળક શારીરિક અને માનસિક રીતે તંદુરસ્તપણે વધશે.

૨૦ વર્ષનો પ્રોજેક્ટ: જો બાળક યોગ્યપણે આગળ વધે, તો એક બાળક એટલે ૨૦ વર્ષનો પ્રોજેક્ટ. અન્યથા, એ જીવનભરનો પ્રોજેક્ટ છે. જો એ માટેની તૈયારી ન હોય તો તમારે એમાં પડવુ ન જોઇએ. બાળક, એક વ્યક્તિગત પ્રોજેક્ટ નથી. આપણે એક ભાવિ પેઢી સર્જી રહ્યા છીએ. કોઇક રીતે આવનારી પેઢી કમ સે કમ આપણે છીએ તેનાથી એક ડગલું આગળ હોવી જોઇએ. બીજી પેઢી આપણા જેવી જ અને વધુ કંઇ ન હોવાની હોય, તો શો અર્થ? બાળક ધરાવવાની જવાબદારી માટે સામેલતા જરૂરી છે. જે કોઇ વધુ પ્રેમાળ, વધુ આનંદિત હોય, તેમની સાથે બાળકો રહેવું પસંદ કરશે.

અદભુત જગત:  આજકાલ ત્રણ વર્ષના બાળકોને ટેલિવિઝન સાથે કે સ્માર્ટ-ફોનના સ્ક્રીન ઉપર ચોંટેલા જોવા સામાન્ય છે. આપણને ખબર નથી કે તેઓ શું ગ્રહણ કરી રહ્યા છે. શું સમજી રહ્યા છે. એક ક્ષણે કોઇક સુંદર દુનિયા રચવાની વાત કરે છે અને બીજી ક્ષણે બોમ્બ ફૂટી રહ્યો છે અને તે પછીની ક્ષણે વળી કંઇક બીજું થઇ રહ્યું છે. બાળકોને તમારે જીવનની સકારાત્મક, અદભુત બાબતો દર્શાવવાની છે. સકારત્મક બાબતો એટલે સારું વિરુદ્ધ નરસું નથી; માત્ર જીવન જેવું છે તેવું.

ભાવનાત્મક સુરક્ષિતતા: માનસિક-અસ્થિર થનારાની સંખ્યા આજે ઘણી વધુ છે. મુખ્યત્વે આનું કારણ એ છે કે, બેપરવાઇ-યુક્ત સ્થિતિઓમાં તેઓ મોટાં થયા. હવે પુખ્ત બનતા, પોતાના પતિ/પત્નિ/જોડીદારો બાબતે તેમનામાં ગંભીર ભાવનાત્મક અસુરક્ષિતતા છે. ભાવનાત્મક અસુરક્ષિતતા મનુષ્યોને માનસિકપણે અસમતોલ બનાવે છે. કોઇ લાગણીશીલ બન્યું એમ કહીએ, તેનો અર્થ એ કરાય છે કે તે વ્યક્તિ કંઇક ઘેલી થઇ. આ ખ્યાલને બદલવાની જરૂર છે. આપણે એ કેમ સ્વિકારતાં નથી કે, ખુશી, આનંદ, પ્રેમ, ભક્તિ, હર્ષોન્માદ એ લાગણીઓ છે.

(સદગુરૂ જગ્ગી વાસુદેવ)

(ભારતની પચાસ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ ઓથર છે. 2017માં ભારત સરકાર દ્વારા સદગુરુને પદ્મવિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા, જે વિશિષ્ટ અને અસાધારણ સેવા બદલ આપવામાં આવતો વાર્ષિક એવોર્ડ છે.)