ગાયત્રી મંત્ર આપણે બધા જાણીએ છે. પરંતુ આપણને તેના મહત્વ,મહાત્મ્ય અને તેની દિવ્યતા વિશે સંપૂર્ણ ખબર નથી. આજે અહીં જાણીશું ગાયત્રી મંત્રના મહત્વ, મહાત્મ્ય અને તેની દિવ્યતા વિશે.
ગાયત્રી મંત્રનો અર્થ
તે પ્રાણ સ્વરૂપ, દુઃખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી,પાપનાશક એવા પરમાત્માને અમે અમારા અંતરઆત્મામાં ધારણ કરીએ છીએ, તે પરમાત્મા અમારી બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરિત કરે.
મા ગાયત્રી વેદમાતા છે. અને ગાયત્રી મંત્ર વેદ મંત્ર અને સૂર્ય મંત્ર છે. બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર દ્વારા રચાયેલા ગાયત્રી મંત્રનો ઉલ્લેખ યજુર્વેદના છત્રીસમાં અધ્યાયમાં જોવા મળે છે. ગાયત્રી મંત્રનો મહિમા અનંત છે. ગાયત્રી મંત્રના 24 અક્ષર એ માત્ર અક્ષર જ નથી, પણ 24 દેવીદેવતાઓના સ્મરણ બીજ છે. ગાયત્રી મંત્રની ઉપાસના દરેક પાપનો નાશ કરનારી, આધ્યાત્મિક સુખોથી લઈને ભૌતિક સુખોને આપનારી માનવામાં આવી છે. વેદ, પુરાણ, શાસ્ત્ર, ઈતિહાસ, ઋષિ, મુનિ, સંસારી અને વૈરાગી વગેરે તમામ લોકો ગાયત્રી મંત્રની મહત્તાનો સ્વીકાર કરીને આ જગતમાં સુખી બન્યાં છે. મંત્રમાં મનુષ્યનું જીવન બદલી નાખવાની દિવ્ય શક્તિ રહેલી છે. આપણા ખોટા દ્રષ્ટિકોણને કારણે જ સ્વર્ગમાંથી નરક બનેલું છે. મનની એવી ભ્રાંતિઓને દૂર કરવાની શક્તિ ગાયત્રીમાં છે. જે વ્યક્તિ ગાયત્રી મંત્રના પાવરનો ઉપયોગ કરતા શીખી જાય છે તે તમામ બંધનોમાંથી મુક્ત થઈને પરમાત્માની શાશ્વત શાંતિને પ્રાપ્ત કરે છે. ગાયત્રી ત્રિગુણાત્મક છે. એની ઉપાસનાથી જેમ સત્વગુણ વધે છે એ જ રીતે કલ્યાણકારક અને ઉપયોગી રજોગુણની પણ અભિવૃદ્ધિ થાય છે.
ગાયત્રી મંત્ર ઉપાસના માટેનો શ્રેષ્ઠ અને અલૌકિક મંત્ર છે. કહેવાયું છે કે “अक्षर चोवीस परम पुनिता, ईनमे बसे शास्त्र श्रृति गीता”. અર્થાત ગાયત્રી મંત્રના ચોવીસ અક્ષર પરમ પવિત્ર છે અને ગાયત્રી મંત્રના ચોવિસ અક્ષરોની અંદર શાસ્ત્ર, વેદાંત સાર, અને ભગવદ્ ગીતાના અર્થનો સમાવેશ થતો હોવાનું મનાય છે.
ગાયત્રી મંત્ર સૂર્યનો મંત્ર છે. અને સૂર્ય માત્ર કોઈ એક ધર્મના લોકો માટે નથી. સૂર્યની ઊર્જા તો સમસ્ત જીવો માટે છે. એટલે જ ગાયત્રી મંત્ર કરવા માટે ધર્મના બંધનો નથી નડતાં. ઊર્જા કોઈપણ ધર્મના લોકો પ્રાપ્ત કરી શકે છે અને બિલકુલ તેવી જ ઊર્જા પ્રાપ્ત કરવા માટે તેમ જ પોઝિટિવ એનર્જી મેળવવા કોઈપણ વ્યક્તિ ગાયત્રી મંત્રની ઉપાસના કરી શકે છે. પ્રાતઃ કાલે વહેલા ઉઠીને પોતાનો નિત્યક્રમ પતાવીને, સૂર્ય સામે બેસીને જો ગાયત્રી મંત્રના જાપ કરવામાં આવે તો તેનું શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે. જે કોઈપણ વ્યક્તિ ગાયત્રી મંત્રની નિત્ય એક માળા કરે છે તે વ્યક્તિને ભયમાંથી મુક્તિ મળે છે. જો એક માળા ન થઈ શકતી હોય તો 24 મંત્ર કરવા જોઈએ. જે કોઈ વ્યક્તિ પોતાના દિવસની શરૂઆત ગાયત્રી મંત્રના જાપ કર્યા બાદ કરે છે. તેનો આખો દિવસ પોઝિટિવિટીથી ભરપૂર રહે છે. કારણ કે ગાયત્રી મંત્ર આપણને દિવ્ય ઊર્જા આપે છે, અને આ દિવ્ય ઊર્જાની પ્રાપ્તિ થવાથી આપણાં તમામ કામો સુયોગ્ય અને સારી પૂર્ણ થાય છે.
“ગાયત્રી મંત્રના ફળનું વર્ણન એક જ વાક્યમાં કરવું હોય તો ચોક્કસ એવું કહી શકાય કે, ગાયત્રી મંત્રનો જપ કરનાર વ્યક્તિના જીવનમાં કોઈપણ પ્રકારની ખોટી કે ખરાબ વસ્તુઓ પ્રવેશી શકતી નથી. અને જો કોઈ વ્યક્તિ ગાયત્રીના સાધકનું અહિત કરવાનો પ્રયત્નો કરતી હોય તો તેમાં તેને સફળતા પણ મળતી નથી. ગાયત્રી મંત્ર માત્ર શરીરનું જ નહીં પરંતુ જપ કરનાર વ્યક્તિના આત્માનું, તેના જીવનનું, તેના પરિવારનું અને ભવોભવનું કલ્યાણ કરે છે.”
ગાયત્રી મંત્રના કારણે રજોગુણી આત્મબળ વધવાથી મનુષ્યની ગુપ્ત શક્તિઓ જાગૃત થાય છે. જે સાંસારિક જીવનના સંઘર્ષમાં અનુકૂળ પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે. ઉત્સાહ, સાહસ, ર્સ્ફૂર્તિ, ચેતના, આશા, દૂરદર્શિતા, તીવ્ર બુદ્ધિ, તકની ઓળખ, વાણીમાં માધુર્ય, વ્યક્તિત્વમાં આકર્ષણ, સ્વભાવમાં સારાપણું જેવી અનેક વિશેષતાઓ વિકસિત થાય છે. આ પ્રકારના ગુણો વિકસાવવાથી સામાન્ય વ્યક્તિ પણ ધનિક અને સમૃદ્ધિવાળો બની જાય છે. ગાયત્રી મંત્રમાં એવી તાકાત છે કે તેના સાધકને તે ગમે તેવી સ્થિતિમાં બેઠો કરી શકે છે. જેઓ વેદમાતાનું શરણ સ્વીકારે છે તેમના જીવનમાં સત્વ, ગુણ, વિવેક, સદ્ વિચાર અને સત્કાર્યો પ્રત્યે અસાધારણ રૂચિ ઉત્પન્ન થાય છે. ગાયત્રી મંત્ર આત્મજાગૃત્ત, લૌકિક અને પર લૌકિક, સાંસારિક અને આત્મિક સર્વ પ્રકારની સફળતાઓ અપાવનાર છે.
ગાયત્રી મંત્રની નિત્ય ઉપાસના જે વ્યક્તિ કરે તેને કોઈ દિવસ નબળો વિચાર આવતો નથી. તે વ્યક્તિના જીવનમાં કોઈપણ પ્રકારના ભૂતપલિતો તેને પરેશાન કરતાં નથી. તે વ્યક્તિના જીવનમાં જો કોઈ અઘટિત ઘટના ઘટવાની હોય તો તેનો પહેલાથી જ અણસાર મળી જાય છે. તે વ્યક્તિના જીવનમાં અલૌકિક ચેતનાનો સંચાર થાય છે.
યુવાનો માટે શ્રેષ્ઠ ગાયત્રી મંત્ર
અત્યારની યુવા પેઢીનો આધ્યાત્મિકતા સાથેનો સંબંધ ખૂબ ઓછો થઈ ગયો છે. અને એટલા માટે માટે જ આજનો યુવાન વૈચારિક રીતે પાંગળો બની ગયો છે તેની સહનશક્તિ ઓછી થઈ ગઈ છે અને નબળા વિચારો ઘણાં બધાં યુવાનોના જીવનમાં પોતાનો અડીંગો જમાવીને બેઠા છે. પરિણામે નાની નાની નિષ્ફળતાઓમાં યુવાનો આત્મહત્યા કરી લે છે. આ તમામ સમસ્યાઓમાંથી બહાર નીકળવાનો શ્રેષ્ઠ માર્ગ ગાયત્રી મંત્ર છે. ગાયત્રી મંત્ર મનુષ્યને વૈચારિક રીતે સમૃદ્ધ બનાવી તેનામાં અલૌકિક ચેતનાનો સંચાર અને શુદ્ધ બુદ્ધિ પ્રદાન કરે છે. હવે જે વ્યક્તિમાં અલૌકિક ચેતના હોય, હકારાત્મકતા હોય, અને શુદ્ધ બુદ્ધિ હોય તે વ્યક્તિ દુનિયામાં ક્યાંય પાછો પડતો નથી અને પોતાના તમામ કાર્યોમાં ધારી સફળતા પ્રાપ્ત થાય છે. નિત્ય ગાયત્રી મંત્ર કરનારો યુવાન નોકરી, અભ્યાસ, ધંધો, રોજગાર સહિતના વિશ્વના કોઈપણ ક્ષેત્રમાં પાછો પડતો નથી. તમામ માતાપિતાઓએ પોતાનું બાળક ગાયત્રી મંત્રનો જાપ અવશ્ય કરે તેનો આગ્રહ રાખવો જોઈએ. ગાયત્રી મંત્ર તમને તમામ મુશ્કેલીઓમાંથી સરળતાપૂર્વક બહાર કાઢે છે. અને એટલા માટે જ ગાયત્રી મંત્ર યુવાનો માટે શ્રેષ્ઠ છે.
અહેવાલ- હાર્દિક વ્યાસ