સ્ટીવ જોબ્સ જેમના દર્શનાર્થે આવ્યાં હતાં: નીમકરોલી બાબા

યારે હું તમને એમ કહું કે, એક બાબા બધું જ જાણે છે, ત્યારે તમારા મનમાં કેવો વિચાર આવશે? એક બાબા જે વર્તમાન, ભૂતકાળઅને ભવિષ્ય બધું જ જાણે છે, આ વાત જલ્દી માન્યામાં આવી શકે નહી. પરંતુ આ વાત સત્ય છે અને આ કહેવું છે, એપલના સ્ટીવ જોબ્સ, ફેસબૂકના માર્ક ઝ્કરબર્ગ અને ખ્યાતનામ અભિનેત્રી જુલિયા રોબર્ટ્સનું. એક સંત જે ચમત્કારથી કમ નથી, પણ પોતે હમેશા પ્રેમ અને સત્યનો જ ઉપદેશ આપ્યો. તેમણે તેમના ભક્તોને અને મુમુક્ષુઓને ભગવાન શબ્દમાં આસ્થા આપી, એ આસ્થા માટે બળ અને પુરાવા પણ આપ્યા. દુનિયાને વશ કરનાર કેટલાય જાણ્યા અજાણ્યા નામ તેમના ભક્ત છે, જે જલદી જાહેર થતું નથી. જયારે તે સામાન્ય અને નિષ્ફળ માણસ હતો ત્યારેએપલના સ્ટીવ જોબ્સને તેની સફળતા માટે પહેલેથી જ બાબાએ આગાહી કરી હતી. આ એક મોટા ચમત્કારથી કમ નહોતું.નીમ કરોલી બાબા તેમના ભક્તોમાં મહારાજજીના નામે ઓળખાય છે, કેટલાય વિદેશીઓ અને ભારતભરમાંથી તેમના સાચા સંત સ્વરૂપને જાણનાર લોકો તેમને મળ્યાં હશે. તેઓએ પોતાનો દેહત્યાગ ૧૯૭૩માં કર્યો, તેઓ આશરે ૭૩ વર્ષ પૃથ્વી પર સદેહે રહ્યા. તેમના ભક્તો મુજબ મહારાજજી ક્યારેય તેમનાથી દૂર ગયા જ નથી, તેઓ હમેશા તેમને મળતાં રહે છે અને તેમની તકલીફોમાં તેમનું દિશાસૂચન કરતા રહે છે.તેમના દરેક ભક્ત કહે છે કે મહારાજજી સમયથી પર હતાં તેમની જોડે અનેક સિદ્ધિઓ હતી જે થકી તેઓ ક્યાંય પણ કોઈ પણ સમયે પ્રવેશ કરી શકતાં હતાં અને તેથી જ તો તેઓ બધું જાણતાં હતાં.બાબાનો આશ્રમ કૈંચીધામ નૈનીતાલથી ૧૫કિલોમીટર દૂર અલમોરાના રસ્તા પર આવેલો છે.

એક વાર એક ભક્ત ચંડીગઢથી તેમને મળવા આવ્યાં હતાં, તેઓ મહારાજજીની સ્મૃતિ વાગોળતા કહે છે, કે મારા પિતાજીએ નક્કી કર્યું હતું કે આજે તેઓ મહારાજજીને રામના દર્શન કરાવવા માટે કહેશે. તેઓ જયારે મહારાજજી પાસે પહોંચ્યા ત્યારે મહારાજજીએ તેમને દૂરથી જોતા જ બુમ પાડીને કહ્યું હતું કે,‘તું રામ માટે આવ્યો છે પણ હું તો આજે કૃષ્ણ સાથે બેઠો છું’. તેમના ભક્તનો આશ્ચર્યનો પાર ના રહ્યો.તેમની આ પ્રકારે મન વાંચી લેવાની શક્તિ તર્કસંગત વિજ્ઞાનની પણ કસોટી હતી. એવું કહેવાય છે કે તેઓએ હનુમાનજીની ખૂબ ભક્તિ કરી હતી, ઘણા ભક્તો તો તેમની સિદ્ધિઓને લીધે તેમને જ હનુમાનજીનું સ્વરૂપ માનતા હતાં અને આજે પણ માને છે.

મહારાજજીએ મોરબી નજીક વાવણીયા ખાતે એક જગ્યાએ જીવનનો મહત્વનો સમય વીતાવ્યો હતો, જે તેમના જીવનમાં સિદ્ધિઓ અને ચમત્કારિક શક્તિઓ લઈને આવ્યો હતો.તેઓ હમેશા ચાલતાં રહેતાં હતાં, વાત કરતાં કરતાં ઉભા થઈને ચાલવા લાગે, તો ક્યારેક આશ્રમમાં એમના સમયે આવી જતાં, તેઓ કાયમ ઈશ્વરના પ્રેમમાં ઓતપ્રોત રહેતા. એકસમયે તેમને ઓળખતા એક જૂના સંત તેમને મળવા આવ્યાં હતાં, તેઓ જયારે આવ્યાં ત્યારે મહારાજજીએ તેમનું ખૂબ ઉમળકાભેર સ્વાગત કર્યું અને તેમને ખૂબ પ્રેમ આપ્યો. અન્ય લોકોના આશ્ચર્ય વચ્ચે મહારાજજીએ એ સંતને ખૂબ સાચવ્યાં. થોડો સમય તેઓ મહારાજજી પાસે પણ રહ્યાં. આ બાબત લોકોને આશ્ચર્ય આપનારી હતી કે મહારાજજી જલદી કોઈને આટલો બધો સમય ન આપી શકે, પરંતુ થોડાક મહિના બાદ ખબર પડી કે પેલા સંતનું થોડા દિવસ જ જીવન બાકી રહ્યું હતું અને માટે જ મહારાજજીએ તેને ખૂબ પ્રેમ આપ્યો હતો.એકવાર કોઈ કુટુંબ મહારાજજીને મળવા આવ્યું હતું, પહાડી રસ્તાઓમાં તેઓ સાંજે મહારાજજીને મળ્યાં, મહારાજજીએ તેમને દર્શન આપીને જલદી જ નીકળી જવા કહ્યું. પેલા કુટુંબના સભ્યોને પણ આશ્ચર્ય થયું કે અમે તો મહારાજજી સાથે સમય વીતાવવા આવ્યાં હતાં અમારે રાત રોકાવું હતું, પણ આમ કેમ? તેઓ જયારે પંજાબ પાછા પહોંચ્યાં ત્યારે તેમને ખબર પડી કે તેઓના રસ્તા પર તેમના નીકળ્યા પછીથી મોટો અકસ્માત થયો હતો અને પહાડ પરના રસ્તા થોડા દિવસ માટે બંધ થઇ ગયાં હતાં. તેઓ આ વાત યાદ કરતા જણાવે છે કે મહારાજજી આવનારું ભવિષ્ય કેટલું આસાનીથી જોઈ લેતા હતા. આ વાત સામાન્ય નહોતી. અન્ય એક ભક્ત પોતાની યાદો તાજી કરતા કહે છે કે તેઓ તેમના મિત્રની તકલીફ માટે મહારાજજીના દર્શન માટે ગયાં હતાં, તેઓ ત્યાં પહોંચ્યાં ત્યારે મહારાજજી તેમની સમસ્યા વિષે અક્ષરસઃ બધું જ જાણતા હતા એટલું જ નહી મહારાજજી પહેલીવાર મળવા આવેલાં તેમના મિત્રનું તેના નામથી જ સંબોધન કર્યું હતું.

વિચારપુષ્પ: “જે ક્યારેય મેળવી શકાતું નથી, તે ક્યારેય ગુમાવી શકાતું નથી”

અહેવાલ-નીરવ રંજન