અધિક માસઃ ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાનો શ્રેષ્ઠ મહિનો

16 મેને બુધવારથી અધિક જેઠ માસ શરૂ થઈ રહ્યો છે, ત્યારે આપણે અધિક માસના મહત્વને જાણવું જરૂરી થઈ પડે છે. અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. પુરુષોત્તમ એટલે સાક્ષાત ભગવાન શ્રી હરિ, અને માસ એટલે મહિનો એટલે એમ કહી શકાય કે પુરુષોત્તમ માસ એટલે ભગવાન વિષ્ણુનો મહિનો. ત્યારે આવો જાણીએ કે પુરૂષોત્તમ મહિનામાં કેવી રીતે કરવી ભગવાન વિષ્ણુની ઉપાસના.

આગામી 16મેને બુધવારથી અધિક માસ શરૂ થઈ રહ્યો છે. અધિકમાસને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટેનો મહિનો માનવામાં આવે છે. આ આખા મહિનામાં દાન, જપ, તપ, પૂજા, અર્ચના ઈત્યાદી કરવાથી ખૂબ જ સારૂ ફળ પ્રાપ્ત થાય છે. તો આ સીવાય આ મહિનામાં વ્રત અને ઉપવાસનું પણ વિશેષ મહત્વ રહેલું છે. તો આ મહિનામાં દેવ દર્શનનું ખૂબ મહત્વ રહેલું છે. અધિક માસમાં સમય મળે ત્યારે દેવ દર્શને જવામાં આવે તો પણ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. અધિકમાસનું હિંદુ ધર્મમાં અને તેમાં પણ ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયમાં ખૂબ મહત્વ છે. પુરૂષોત્તમ માસ કે અધિકમાસ આમ તો ખગોળીય ઘટનાના આધાર પર મનાવવામાં આવે છે. ખગોળીય ગણના મુજબ દરેક ત્રીજા વર્ષે એક વર્ષમાં એક મહિનો વધુ હોય છે.

જે રીતે આપણે ગ્રેગોરિયન કેલેંડરમાં લીપ યર ઉજવીએ છીએ એ જ રીતે હિંદુ કાળની ગણના મુજબ અધિક માસ મનાવવામાં આવે છે. આ સૌર અને ચંદ્ર માસને એક સમાન લાવવાની ગાણિતીક પ્રક્રિયા છે. જે મહિનામાં સૂર્ય સંક્રાંતિ નથી હોતી એ અધિકમાસ હોય છે. આ જ રીતે જે મહિનામાં બે સૂર્ય સંક્રાંતિ હોય છે એ ક્ષય માસ કહેવાય છે. સૂર્યની જેમ સંક્રાતિ થાય છે અને એ જ આધાર પર આપણા ચંદ્રના આધારિત 12 મહિના હોય છે. દરેક ત્રણ વર્ષના અંતર પર એક અધિકમાસ આવે છે. અધીક માસ એટલે તેરમો મહિનો. સૌર વર્ષ 365.2422 દિવસનો હોય છે જ્યારે કે ચંદ્ર વર્ષ 354.327 દિવસનો હોય છે. આ રીતે બંનેના કેલેંડર વર્ષમાં 10.87 દિવસનો ફરક આવી જાય છે અને ત્રણ વર્ષમાં આ અંતર એક મહિનાનુ થઈ જાય છે. આ અસમાનતાને દૂર કરવા માટે અધિક માસ અને ક્ષય માસનો નિયમ છે.  

અધિકમાસ કે પછી પુરૂષોત્તમ માસમાં શાસ્ત્રો મુજબ કોઈ શુભ કાર્ય થઈ શકતા નથી છે. પણ આ સંપૂર્ણ મહિનામાં દાન-પુણ્યની મહત્વની પરંપરા છે. વ્રત ઉપવાસ પણ કરવામાં આવે છે અને આખા મહિનાને દેવ-દર્શનમાં વિતાવવાની સલાહ પણ અપાય છે. આ વધારાનો મહિનો હોવાથી તેને અધિકમાસ કહેવાય છે. તો સાથે જ તેને પુરૂષોત્તમ માસ પણ કહેવાય છે. કહેવાય છે કે વર્ષનો દરેક મહિનો કોઈને કોઈ દેવતા સાથે જોડાયેલો છે તેથી તેરમાં માસને અધિક નામથી ઓળખવામાં આવે છે. આ મહિનાને પોતાનું નામ આપવા બધા દેવોને વિનંતી કરવામાં આવી પણ બધા દેવોએ ના પાડી દીધી. જેનાથી તે દુખી થઈને ભગવાન કૃષ્ણ પાસે ગયા અને ભગવાન કૃષ્ણએ આ માસને પોતાનુ નામ આપ્યુ. ત્યારથી તે માસને પુરૂષોત્તમ નામ મળ્યું, અને તે પુરૂષોત્તમ માસ તરીકે ઓળખાયો. આ સાથે જ આ માસને વરદાન પણ મળ્યુ કે આ મહિનામાં કરવામાં આવેલ દાન-પુણ્યનુ ફળ પણ વધુ મળશે. તેથી જ આ મહિનો દાન-પુણ્ય પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ મહિનો છે.

ભગવાન વિષ્ણુએ અધિક માસને પોતાનું પુરૂષોત્તમ નામ આપ્યું હોવાથી આ મહિનો ભગવાન વિષ્ણુની ઉપાસના કરવા માટેનો શ્રેષ્ઠ મહિનો છે. અને સાથે જ આ માસમાં ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. આ મહિનામાં સવારે સૂર્યોદય પહેલા ઊઠીને નિત્યકર્મ પૂર્ણ કરી ભગવાનનું સ્મરણ કરવું જોઈએ અને પુરૂષોત્તમ માસના નિયમ ગ્રહણ કરવા જોઈએ…

  • પુરૂષોત્તમ માસમાં શ્રીમદભાગવતના પાઠ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.
  • આ માસમાં તીર્થો, ઘરો તથા મંદિરોમાં ભગવાનની કથા થવી જોઈએ.
  • ભગવાન પુરૂષોત્તમના વિશેષ રૂપનું પૂજન થવું જોઈએ અને ભગવાનની કૃપાથી દેશ તથા વિશ્વનું મંગળ થાય તથા ગો-બ્રાહ્મણ અને ધર્મની રક્ષા થાય તેના માટે વ્રત-નિયમાદિનું આચરણ કરતા દાન, પુણ્ય અને ભગવાનનું પૂજન કરવું જોઈએ.

પુરૂષોત્તમ માસ વિશે ધર્મગ્રંથોના મંત્રોમાં કહેવામાં આવ્યું છે કે –
येनाहमर्चितो भक्त्या मासेस्मिन् पुरुषोत्तमे।
धनपुत्रसुखं भुकत्वा पश्चाद् गोलोकवासभाक्।।

અર્થાત – પુરૂષોત્તમ માસમાં નિયમ અનુસાર ભગવાનની વિધિપૂર્વક પૂજા કરવાથી ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે અને ભક્તિ પૂર્વક ભગવાનની પૂજા કરવાવાળા અહીં બધા જ પ્રકારના સુખ ભોગવી મૃત્યુ પછી ભગવાનના દિવ્ય ગોલોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે.

ભગવાન વિષ્ણુની જે પૂજા અર્ચના કરે છે તેમને વૈકુંઠની પ્રાપ્તી થાય છે. ઘણા લોકોના મનમાં એવા સવાલો થાય કે ભાઈ અમે ભક્તિ તો બહુ કરીએ છીએ તો શું અમને હરીના ધામમાં ગતી પ્રાપ્ત થશે. પરંતુ અહીંયા સમજવું જરૂરી છે કે ભક્તિ કરતા સમયે શ્રદ્ધા ખૂબ જરૂરી છે.

  • શ્રદ્ધાનો હોય વિષય તો પૂરાવાની ક્યાં જરૂર છે?

    કુરાનમાં કાંઈ પૈગમ્બરની સહી નથી

એક વાત તો સ્પષ્ટ છે કે શ્રદ્ધાથી કોઈપણ કાર્ય અને કર્મ કરવામાં આવે તેનું ચોક્કસ શુભ ફળ પ્રાપ્ત થાય છે. મંત્ર ન આવડતા હોય, પૂજાની પદ્ધતી ન જાણતા હોય પરંતુ જો તમારો હરી પ્રત્યેનો ભાવ હોય અને એ ભાવ સહિત ભક્તિ કરવામાં આવે તો ચોક્કસ શ્રી હરી તમારાથી રીઝે છે અને તમને ગોલોકમાં લઈ જાય છે. એટલે સમજણ પૂર્વક જો ભક્તિ કરવામાં આવે તો ચોક્કસ ફળ મળે છે. ભક્તિમાં સ્વાર્થ, ઈર્ષા, અભિમાન અને અહંકાર ક્યારેય ન હોવો જોઈએ.

(અહેવાલ- હાર્દિક વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]