કારતક માસના શુક્લ પક્ષમાં આજે બુધવારે પંચમી તિથિ છે. આ તિથીને લાભ પાંચમ તરીકે ઓળખવામાં આવે છે. દિવાળી પછી આવતી આ પંચમીએ જો કોઈ નવો વેપાર કે મુહુર્ત કરવામાં આવે તો તેમા લાભ જ લાભ થાય છે. લાભ પાંચમ માટે એવું કહેવાય છે કે આખો દિવસ વણજોયુ મુહૂર્ત… આખો દિવસ શુભ ગણાય છે.
કારતક માસના શુક્લ પક્ષની પંચમી તિથિ એ લાભ પાંચમના દિવસની વિશેષ માન્યતા છે. દિવાળી પછી આવતી આ પંચમીએ જો કોઈ નવો વેપાર કે મુહૂર્ત કરવામાં આવે તો તેમાં લાભ જ લાભ થાય છે. તેથી વેપારીઓ આ દિવસે પોતાના ચોપડાની સાથે સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરે છે. જેથી કરીને તેમના માટે આ નવુ વર્ષ લાભદાયી નીવડે.
આજના દિવસથી વેપારીઓ પોતાના ધંધા રોજગારની શરૂઆત કરે છે. ખાસ કરીને આ દિવસે શ્રીયંત્રનું પૂજન અને દર્શન શ્રેષ્ઠ છે. માતાજીને ગુલાબનું પુષ્પ અર્પણ કરવું અને કનકધારા સ્તોત્રનું પઠન પણ કરી શકાય છે અથવા શ્રીમહાલક્ષ્મ્યષ્ટકમ્ સ્તોત્રનું પઠન પણ સર્વોત્તમ છે. ખાસ કરીને મહાદેવજી, હનુમાનજી અને ભૈરવ દેવનું સ્મરણ પણ ઉત્તમ ફળદાયી બની રહેશે. આ પ્રકારે પૂજા અર્ચના કરવાથી ખુબ ફાયદો થાય છે.
તો જૈન ધર્મમાં પણ લાભપાંચમનું ખૂબ મહત્વ છે, જૈન ધર્મમાં જ્ઞાનપંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજનો દિવસ માતા સરસ્વતીના સ્મરણ અને પૂજનઅર્ચન માટે પણ શ્રેષ્ઠ છે. આજના દિવસે “ ઓમ્ મહાલક્ષ્મ્યૈ નમ: ” મંત્રજાપ કરવાથી પણ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. તો લક્ષ્મીજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે ગાયનું પૂજન કરવું શ્રેષ્ઠ છે. એકાક્ષી શ્રીફળ સ્થાપના માટે પણ ઉત્તમ દિવસ છે અને શ્રીફળને વેપારધંધાના સ્થાને અથવા તો પૂજાના સ્થાને મૂકવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે.
કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવા લાભપાંચમ ઉત્તમ ગણાય છે. નુતન વર્ષ, અક્ષય તૃતીયા, વિજયા દશમી, ધન તેરસ, લાભ પાંચમ અને ધૂળેટી આ છ દિવસ કાયમી શુભ ગણાય છે, તેથી આ દિવસોમા પંચાંગ જોવાની આવશ્યકતા નથી હોતી. લાભપાંચમને ‘સૌભાગ્ય પંચમી અથવા શ્રીપંચમી’ પણ કહે છે. આપ સૌને લાભ જ લાભ થાય તેવી ચિત્રલેખા પરિવારની શુભેચ્છા…
અહેવાલ- હાર્દિક વ્યાસ