ભાઈબીજઃ યમરાજને પણ ભાઈબહેનનું હેત ગમે

ગુજરાતી મહિના અનુસાર શરુ થતાં વર્ષના પ્રથમ મહિનાના બીજા દિવસનું મહાપર્વ એટલે યમપર્વ ભાઇબીજ. જ્યાં મૃત્યુના દેવનો મહિમા યાદ કરવામાં આવે છે. ભાઈબીજ એટલે ભાઈબહેનના હૈયાના શુદ્ધ હેતનું સરનામું. ભાઈબીજના પર્વનું ધાર્મિક મહાત્મ્ય છે.“બહેન એટલે સિસ્ટર નહીં પણ શીતળતાનું સરોવર”.સામાન્ય રીતે આપણે ગુજરાતીઓમાં એવું કહેવાય છે કે દીકરીના ઘરનું તો પાણી પણ ન પીવાય. અર્થાત આપણે દીકરીના ઋણી ક્યારેય રહેતાં નથી. દીકરીને આપો એટલું ઓછું, પણ દીકરીનું લેવાય નહીં અને દીકરીનું ખવાય નહીં, નહીં તો ભોગવવું પડે. પરંતુ આખા વર્ષમાં માત્ર ભાઈબીજના દિવસે ભાઈને પોતાની બહેનના ઘરે હકથી ભોજન કરવાની મંજૂરી આપણાં ધર્મએ આપેલી છે. ભાઈબીજના દિવસે ભાઈ જ્યારે બહેનના ઘરે જમે છે ત્યારે માત્ર ભાઈના પેટને જ ટાઢક નથી પહોંચતી પરંતુ બહેનના આત્માને પણ શીતળતા પ્રાપ્ત થાય છે. બહેની અને વીરાનો સંબંધ જ એવો છે કે જેને માપી કે વર્ણવી ન શકાય. બહેન એટલે ભાઈની સુરક્ષા, પ્રેમ અને તેના વાત્સલ્યનું સાચું સરનામું. ઈતિહાસમાં તો એવા પણ દાખલા છે કે મા પોતાના નાનકડા દીકરાને મુકીને મૃત્યુ પામી હોય ત્યારે તે દીકરાની મોટી બહેન દીકરાની મા બની જતી હોય છે અને એ દીકરાને પોતાની માતાની સહેજ પણ ખોટ ન સાલે એટલે મા જેવી મમતા અને પ્રેમ આપીને એને જગતના ચોકની માલીપા છૂટો મૂકતી હોય છે.

કાર્તિક એટલે કે કારતક માસના શુકલ પક્ષની યમદ્વિતીયા તરીકે ઓળખાતી આ ભાઈબીજ સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે.

એક દિવસ યમુનાજીએ પોતાના ભાઇ મૃત્‍યુના દેવ યમરાજને પોતાના ઘરે ભોજનનું આમંત્રણ આપ્યું. મૃત્યુના દેવ એવા યમરાજા પોતાની બહેન યમુનાના ઘરે ગયાં હતાં અને તેને વસ્ત્રાલંકાર વગેરે આપી તેને ત્યાં ભોજન કર્યું હતું. તેથી બહેનના ઘેર ભાઈ જમે છે અને શક્તિ અનુસાર બહેનને ભેટ આપે છે. બહેન યમુનાએ બનાવેલા સ્વાદિષ્ટ ભોજનથી યમરાજ ખૂબ પ્રસન્ન થયાં અને બહેન યમુનાને ઈચ્છિત વરદાન માગવા જણાવ્યું. યમુનાજીએ ભાઈ યમરાજ પાસેથી વચન માગ્‍યું કે તેણે દર વર્ષે આજના દિવસે તેના ઘરે ભોજન માટે આવવું. ત્‍યારથી યમરાજા દર વર્ષે નિત્‍ય યમુનાજીના ઘરે ભોજન માટે જતાં અને બહેન યમુનાજીના નિત્‍ય સુખની કામના કારતા. આ દિવસે જે બહેન પોતાના ભાઈને ભોજન કરાવે છે તેનો ચૂડલો અખંડ રહે છે અને ભાઈ પણ દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે દરેક બહેન પોતાના ભાઈની લાંબી આવરદાની કામના કરે છે.

આજના દિવસે યમરાજાએ યમુનાજીને આશીર્વાદ આપ્યો કે જે કોઈ પણ માણસ યમદ્વિતીયાના દિવસે યમુનાના જળમાં સ્નાન કરશે અને બહેનના ઘરે જઈને ભોજન કરશે તેને દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ થશે. યમદ્વિતીયાના દિવસે જો યમુનામાં સ્નાન નહીં કરી શકો તો બહેનના ઘરે જઈને બહેનના હાથોથી યમુનાના જળના તીલક લગાવો અને એમના હાથથી બનેલું ભોજન કરવાથી પણ અકાળ મૃત્યુથી રક્ષા થાય છે.

આ ભાઈ બીજ વિશે પુરાણોમાં પણ મહત્‍વ આંકતા કહેવાયું છે કે જે વ્‍યકિત ભાઈબીજના દિવસે બહેનના પ્રેમપૂર્વકના નિમં‍ત્રણને ઠુકરાવીને તેના ઘેર જતો નથી તેના વર્ષભરના તમામ પૂણ્‍યો નાશ પામે છે. આ જ દિવસે યુગાવતાર શ્રી કૃષ્‍ણ બહેન દ્રૌપ‍દીના ઘેર જમવા ગયાં હતાં. દ્રૌપદીનું એક નામ કૃષ્‍ણા પણ હતું. સંકટ સમયે શ્રીકૃષ્‍ણે દ્રૌપદીના ચીર પૂરી ભાઈ તરીકેનું પોતાનું કર્તવ્‍ય નિભાવ્યું હતું. આ દિવસ નૂતનવર્ષ વર્ષ પછી તરત આવતા દિવસે છે, તે પરથી જ તેનું મહત્‍વ આંકી શકાય છે. જે રીતે બીજનો ચંદ્ર ત્‍યાગ, પુરુષાર્થ અને કર્તવ્‍યનું પાલન કરે છે તે રીતે જો ભાઈબહેન પણ આચરણ કરે તો બંનેના જીવન સુખમય વીતે, આ જ છે ભાઈબીજ પાછળનો મુખ્‍ય સંદેશ.

યમુનાજી યમરાજના નાનાં બહેન છે. યમુનાજીને યમરાજે અભય વરદાન આપ્યું હતું કે જે ભાઈબહેન યમુનાજીમાં સ્નાન કરશે તેને યમની યાતનામાંથી મુક્તિ મળશે. આમ ભાઈબીજનો દિવસ એ યમુનાસ્નાનનો દિવસ ગણાય છે. અહેવાલ- હાર્દિક વ્યાસ