ગિરનાર પરિક્રમાઃ ભક્તિ, ભજન અને સત્સંગનો સમન્વય

ગામી 31 ઓક્ટોબરથી ગરવા ગિરનારની ગોદમાં લીલુડી પરિક્રમાની શરૂઆત થઈ રહી છે. ગિરનારની પરિક્રમા કરવાનું આધ્યાત્મીક દ્રષ્ટીએ ખૂબ મહત્વ રહેલું છે. કહેવાય છે કે ગિરનાર પર્વત પર અનેક દેવી દેવતાઓ અને સતપુરૂષોનો વાસ છે. ત્યારે આવા રૂડા ગિરનારની પરિક્રમા કરવાથી એક અલગ પ્રકારની દિવ્ય ઉર્જા અને સાથે જ પ્રકૃતીના સાનિધ્યમાં પ્રાપ્ત કરેલી શાંતિનો અદભૂત અનુભવ થાય છે.ગિરનારની પરિક્રમાનું ખૂબ મહત્વ રહેલું છે. ગિરનારના પર્વત પર ગુરુ દત્તાત્રેય ભગવાન બિરાજમાન છે. સાથે જ અનેક દેવી દેવતાઓ અને સતુપુરૂષો ગિરનારમાં બિરાજીત છે. તો ગિરનારની તળટીમાં ભવનાથ મહાદેવના બેસણા છે. ગિરનાર એક અગ્નિક્રૂત પર્વત છે. જેના ઉપર સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. સંતો-શુરાઓ અને સતીઓની આ પાવન ભૂમી છે, જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા, સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગીરના સાવજની જગપ્રસિધ્ધીની મહેક પ્રસરી રહી છે. આવી પવિત્ર ભૂમી પર ઘણા વર્ષોથી પરિક્રમા દરવર્ષે યોજાય છે. જેને લોકભાષામાં પરકમ્મા અને લીલૂડી પરકમ્મા પણ કહેવાય છે. ગરવા ગિરનારની ફરતે યોજાતી આ ૩૬ કિલોમીટરની પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભકતો આવે છે. આ પરિક્રમા કારતક સુદ અગિયારસે ચાલુ થાય છે અને પૂનમના દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પૂર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ થઈ તેનો પાકો સમય મળતો નથી પરંતુ અગાઉના સમયમાં ફકત સાધુ-સંતો જ કોઈ પણ જાતનાં સરસામાન લીધા વિના પરિક્રમા કરતા હતા અને તે દરમિયાન ભજન ભકિત અને સત્સંગનો સમન્વય થતો હતો. ત્યાર બાદ સમય બદલાતા, આ પરિક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા, જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજિક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની આ પરિક્રમા સ્વયંભૂ છે.

આ પરિક્રમાનું મહત્વ ખાસતો એટલા માટે વધી જાય છે, કારણકે આવા ધાર્મિક સ્થળે એક સાથે અલગ અલગ પ્રાંત, રીતરિવાજ અને પહેરવેશનાં લોકોની સંસ્ક્રૃતિ જોવા મળે છે. શહેરની તમામ સુખ સુવિધાથી દૂર પ્રક્રૃતિનાં ખોળે અને જંગલની ઘટાટોપ વનરાઈઓની વચ્ચે ખળખળ વહેતા ઝરણાઓની સંગાથે સુમધુર કલરવ કરતાં પક્ષીઓનાં સથવારે પ્રક્રૃતિના સાનિધ્યમાં જીવનનાં ત્રિવિધ તાપથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારનાં દુ:ખ ભુલીને આવનાર સમયમાં બને તેટલું શક્તિ અને પૂણ્યનું ભાથુ બાંધવા માટે પરમ સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે. પરિક્રમા દરમિયાન કેડીઓ, ધુળીયા રસ્તાઓ, ડુંગરો, નાના મોટા ઝરણાઓ, સોળેકળાએ ખીલેલી વનરાઈ અને કુદરતી સૌંદર્ય પોતાના એક અલગ મિજાજમાં ખીલેલું હોય છે, જે માનવીને એક અલગ પ્રકારની ઉર્જા સાથે સ્ફૂર્તી અને અનન્ય આનંદ આપે છે. ચોમાસું હમણાજ પૂરૂ થયું છે અને ચોમાસા બાદ અહીંયા જાણે પ્રકૃતીએ પોતાની લીલી ચાદર પાથરી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. સુંદર મજાના ઘટાટોપ વૃક્ષો, અલગ અલગ પ્રકારના પુષ્પો અને જમીન પર ફેલાયેલી લીલોતરી આ તમામ વસ્તુઓ યાત્રિકોને મંત્રમુગ્ધ કરે છે અને આશરે ૩૬ કિલોમીટરનો પગપાળા રસ્તો કયારે પૂર્ણ થઈ જાય છે અને થાક પણ કયાં ગાયબ થઈ જાય છે તે ખબર પડતી નથી.

તંત્ર દ્વારા યાત્રીકો માટે ખાસ સુવિધા

ગિરનારની પરિક્રમાને લઈને તંત્ર દ્વારા યાત્રીકો માટે ખાસ સુવિધા મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. વન વિભાગે ૩૬ કિમીના રૂટ પર રસ્તાની કામગીરી પૂર્ણ કરી છે. રસ્તા પર યાત્રિકોને ઉપયોગી બને તે માટે સાઇનબોર્ડ મુકવામાં આવ્યા છે. રસ્તાઓ પર વન વિભાગ દ્વારા ૩૦૦ કચરા પેટી મુકવામાં આવી છે. યાત્રિકો દ્વારા કચરો જંગલમાં જયાં ત્યાં ફેકવામાં ન આવે તે માટે અપીલ કરવામાં આવી છે.

વન વિભાગ દ્વારા યાત્રિકોને પાન, ગુટખા અને તમાકુ કે તેની બનાવટની વસ્તુઓના વેચાણ અને વપરાશ પર નિયંત્રણ મુકવામાં આવશે. આવા લોકોને જરૂર પડયે પ્લાસ્ટીકના પ્રદૂષણ અંગે દંડ પણ કરવામાં આવશે. લોકોને જંગલમાં પ્રદૂષણ ન થાય તે માટે તકેદારી રાખવા અને જાગૃતિ દાખવવા વન વિભાગે અપીલ કરી છે.

પ્રતિવર્ષ આ યાત્રામાં લાખો ભાવિક ભક્તો જોડાતા હોય છે, જેને લઈને યાત્રીકોની સુખાકારી માટે વહીવટીતંત્ર દ્વારા આગોતરી તમામ કામગીરી આટોપી લેવાઇ છે. પાણી પુરવઠાતંત્ર દ્વારા યાત્રીકોને શુધ્ધ પીવાનું અને ક્લોરીનયુક્ત પાણી મળી રહે તે માટે રૂટના વિસ્‍તારમાં ૧૮ જગ્યાએ પોઈન્‍ટ ઉભા કરી સુવિધાઓ તૈયાર રાખવામાં આવી છે. જેમાં ૧૧ જગ્યાએ બોર આધારીત અને આઠ જગ્યાએ ટાંકી મુકીને યાત્રીકોને પાણી ઉપલબ્ધ કરાવાશે. તમામ જગ્યાએ પાણી પુરવઠા બોર્ડનાં કર્મચારીઓ રાઉન્ડ ધી ક્લોક સેવારત રહેશે. આ વર્ષે મેઘરાજાની કૃપાને લીધે ગિરનારના જંગલના ચેકડેમ પાણીથી છલોછલ છે. નદી નાળા પરથી પાણીનો પ્રવાહ ચાલુ છે. રૂટ પર ૧૦થી ૧૫ જગ્યાએ કુદરતી પ્રવાહ ચાલુ છે. સાબુથી કે પાઉડરથી પાણીને પ્રદૂષિત ન કરવા પણ અપીલ કરવામાં આવી છે.

યાત્રીકો માટે દુધની પણ પૂરતી વ્‍યવસ્‍થા પણ કરવામાં આવશે. નકકી કરેલા પોઇન્ટ પર દુધ વેચાણ થશે અને દુધ વિતરણ કેન્‍દ્ર પર નકકી કરેલા ભાવથી વધારે ભાવ કોઇ લઇ શકશે નહીં અને આવી ફરિયાદો આવશે તો કાયદેસરની કાર્યવાહી જિલ્‍લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવશે. આ વર્ષે ચોમાસું સારુ ગયું હોવાથી ગિરનારની પરિક્રમા કરનારાની સંખ્યામાં વધારો થવાની ધારણા છે. ગુજરાતના ગામેગામથી ભાવિક ભક્તો ગિરનારની પરિક્રમા કરવા ઉમટી પડશે. કેટલાક ભક્તોએ તો ગિરનાર જવાની તૈયારીઓ પણ કરી લીધી હશે. તો કેટલાક લોકોએ સેવા કેમ્પ ઉભા કરવાનું પણ આયોજન કર્યું હશે. ચિત્રલેખા ટીમ તરફથી આપ સર્વેને જય ગિરનારી….

અહેવાલ- હાર્દિક વ્યાસ અને તસવીર- વિજય ત્રીવેદી