તણાવમુક્ત તથા સ્થિર જીવન જીવવાના ઉપાયો

આપણે દિવસ દરમિયાન એવું શું કરીએ જેથી આપણે તણાવ મુક્ત રહી શકિયે તથા સ્થિર જીવન જીવી શકીએ. આ માટે આપણે આપણા વિચારો ઉપર ધ્યાન રાખવું જોઈએ. પરંતુ મોટાભાગના મનુષ્ય માટે એ પ્રશ્ન હોય છે કે આપણા વિચારોને કેવી રીતે ચેક કરીએ? કારણ કે આપણી અંદર ઘણો બધો અવાજ છે. ઘણીવાર આપણે એવા સ્થળે બેઠા હોઈએ છીએ કે જ્યાં ખુબ જ શાંતિ હોય છે. છતાં પણ આપણી અંદર અનેક પ્રકારના વિચારો નો અવાજ ઉત્પન્ન થતો હોય છે. ઘણીવાર આપણા વિચારો એટલી ઝડપથી ઉત્પન્ન થતા હોય છે કે તેને સમજવું મુશ્કેલ બની જાય છે.

કોઈ વાર એક વિચાર આવે છે તો કોઈવાર બીજો વિચાર આવે છે તો કોઈવાર ત્રીજી બાબત અંગે મન વિચારે ચઢી જાય છે. અંદર માં સતત જે આટલા બધા અવાજ ચાલી રહ્યા હોય છે તે આપણા વિચારોના અવાજ હોય છે. એક હોય છે વર્તમાનમાં ચાલી રહેલ ઘટનાઓના અવાજો અને એક હોય છે ભૂતકાળના બની ગયેલ પ્રસંગોના અનુભવ ના વિચારો. હવે આપણે આ વિચારોને શાંત કરવાના છે. આ માટે સાવધાની સાથે પ્રયત્ન કરવો પડશે તથા આ વિચારોને શાંત કરવાનો પ્રયત્ન કરવાનો છે નહીં કે તેને ખતમ કરવાનો.

 

ઘણી વ્યક્તિઓ મનને વિચાર રહિત કરવાનો પ્રયત્ન કરે છે અને સમજે છે કે મેડિટેશન એટલે મનમાં કોઈ વિચાર જ ન આવે મન એકદમ શાંત બની જાય. મન ક્યારેય પણ શાંત નહીં થાય, તેનું કામ જ છે વિચારો કરવાનું. હા આપણે મનના વિચારોની ઝડપ ઓછી કરી શકીએ છીએ. મનને શાંત કરી શકીએ છીએ. આ માટે યોગ્ય દિશામાં પ્રયત્ન કરવો પડશે. “હું શાંત સ્વરૂપ આત્મા છું”. એ પાકું કરવું પડશે. પોતાની સીટ પર બેસી જાવ અને પોતાની અંદર ચાલતા વિચારોને જાણવાનો પ્રયત્ન કરો. જ્યારે આપણે પોતાના વિચારો ઉપર નજર રાખવાનું શરૂ કરીએ છીએ તો વિચારો ધીરે ધીરે ઓછા થતા જાય છે અને આપણે શાંતિ તથા શક્તિનો અનુભવ કરીએ છીએ. આપણી ઘણી બધી શક્તિઓ બચી જાય છે.

જ્યારે આપણે આખા દિવસના કામ પછી ઘેર પાછા જઈએ છીએ ત્યારે આપણા મનમાં ઘણા બધા અવાજ આવતા હોય છે કારણકે દિવસ દરમિયાન મનમાં વ્યર્થ બાબતોના જ વિચારો ચાલતા હોય છે. આજે આ વ્યક્તિ સાથે ચર્ચા થઈ, વિચારોમાં મતભેદ નો અનુભવ થયો, લક્ષ પૂરું ન થયું. હવે આપણે આ પ્રકારના વિચારો સાથે સૂઈ જઈએ છીએ. આપણે તો સુઈ ગયા પરંતુ હજુ પણ મનમાં એ અવાજ ચાલી રહ્યા છે તેમાં પાછું ટીવી જોઈને બીજા વધારાના અવાજો મનમાં ભેગા કર્યા.

સુવાના10 મિનિટ પહેલા તથા સવારે ઉઠ્યા પછી નો દસ મિનિટનો સમય આપણા જીવન માટે ખૂબ અગત્યનો છે. આ સમયનો ઉપયોગ આપણે પોતાના મનને શાંત કરવા માટે કરી શકીએ છીએ તથા આપણા મન દ્વારા સકારાત્મક વિચારો ઉત્પન્ન કરી શકીએ છીએ. મનને શાંત થવામાં થોડો સમય લાગે છે આથી બે-ત્રણ મિનિટ નો સમય માટે પુરતો નથી. બ્રહ્માકુમારીઝ સંસ્થામાં સુંદર સુવાક્ય છે – “કમ બોલો, ધીરે બોલો, મીઠા બોલો”. તો આનો અભ્યાસ કરવો જોઈએ.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)