આપણે મનને શરતોમાં બાંધી દઈએ છીએ કે આમ થશે તો હું ખુશ થઈશ. એટલે આપણું મન પણ એમ વિચારે છે કે જ્યારે આમ થશે ત્યારે હું ખુશ થઈશ. જ્યાં ખુશી બીજી બાબતો ઉપર આધારિત થઈ ગઈ. ત્યાંરે બીજા મુદ્દાઓ પણ આવે છે. આમાં અગત્યની વાત તો એ છે કે આપણે આપણા મનને ચેક કરતા રહીએ કે તે ખુશ છે કે નહીં! સાથે-સાથે એ પણ યાદ રાખીએ કે, આપણી ખુશી બીજી વાતો પર આધારિત ન રહે. ભૂતકાળ કે ભવિષ્ય અંગે ચિંતા ન કરતા આપણે દરેક વાતોમાં સ્થિર રહેવાનું છે.
મારે ખુશ રહેવા માટે મારી પોતાની ઉપર કામ કરવાનું છે. જો મારૂ મન સ્થિર રહી શકતું નથી તો તેના માટે હું બીજાને દોષી નહીં ગણાવી શકું. સામાન્ય રીતે આપણે કોઈ પણ ઘટના માટે બીજાને જવાબદાર ગણાવીએ છીએ. આ અંગે ઘણો વાદ-વિવાદ પણ કરીએ છીએ. હું પોતે જ મજબૂત છું, સ્થિર છું. તો મારે ખુશ રહેવા માટે કોઈની જરૂર નથી, કારણકે હવે હું મારા દુઃખ કે દર્દ માટે બીજાને જવાબદાર નહીં ગણુ. મને એ ખબર છે કે, જે સ્થિતિ મેં ઊભી કરી છે તે મારે જ સમાપ્ત કરવી પડશે.
આ પ્રમાણે વિચારવાથી હંમેશાં સ્થિર તથા ખુશ રહી શકીએ છીએ. જો આપણે ભૂતકાળમાંથી કોઈ વાતો શીખવી હોય તો સકારાત્મક વાતો શીખીએ. વ્યર્થ ચિંતન કે વર્ણન કરવાથી ઊલટાનું આપણને જ નુકસાન થાય છે. મારું પૂરું ધ્યાન એ બાબત પર હોવું જોઈએ કે મારે કેવી રીતે આગળ વધવું છે, મારા વ્યક્તિત્વનો વિકાસ કેવી રીતે થાય? આ પ્રમાણે વિચારવાથી આપણે મજબૂત થતાં જઈશું. પરિણામે આપણી વાતચીત બીજાને પ્રેરણા આપશે. જો આપણે બીજા સાથે કલાકો સુધી સમસ્યાઓનું વર્ણન કરીશું તો આપણું દર્દ સામેની વ્યક્તિ સુધી પહોંચશે. આમ કરવાથી હંમેશા દર્દમાં રહેવાનો જ મારો સંસ્કાર બની જશે.
જો હું ખુશ નથી રહી શકતી તો બીજાને ખુશી પણ નથી આપી શકતી. પરિણામે હું માનસિક તણાવનો અનુભવ કરું છું. આજથી 15-20 વર્ષ પહેલા આપણા જીવનમાં તણાવ શબ્દ ન હતો. આજ-કાલ તો વિદ્યાર્થી પણ આ શબ્દનો પ્રયોગ કરે છે. જેના માટે આપણે કહેતા હતા કે – “વિદ્યાર્થી જીવન સર્વોત્તમ જીવન છે”. આજે એજ વિદ્યાર્થી જીવનમાં તણાવ વધતો જાય છે. આજે એવી માન્યતા છે કે જો તમને કોઈ ટેન્શન નથી, તમે એકદમ હાલકા છો તો અર્થ એ કે તમે કાંઈજ કરી નથી રહ્યા. આ આપણી માન્યતા છે કે જીવનમાં તણાવ બહુ સ્વાભાવિક છે.
કોઈ વિદ્યાર્થીને કાલે પરીક્ષા છે પરંતુ તે અભ્યાસ નથી કરી રહેલ તો આ તેની બેદરકારી છે. આવા સમયે તેના મનમાં એવા વિચારો ચાલે છે કે હવે શું થશે? મારા માર્ક્સ સારા નહીં આવે તો મારા માતા-પિતા શું કહેશે? મારા મિત્રો શું વિચારશે? આ પ્રકારના નકારાત્મક વિચારોના ચક્રવ્યુહમાં તે ફસાઈ જાય છે. આ સમયે જો તે અભ્યાસ કરવા બેસે છે તો પણ બરાબર અભ્યાસ કરી શકતો નથી. તેનું મન વ્યર્થ સંકલ્પોમાં જતું રહે છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)