રાજયોગ મેડિટેશનમાં આપણા વિચારો બદલાય છે. શરીર તથા પોશાક પણ મહત્વપૂર્ણ છે પરંતુ આપણને તે જાગૃતિ હોવી જોઈએ કે આ મારો પોશાક છે જે સાફ હોવો જોઈએ. મારું શરીર સ્વચ્છ અને સ્વસ્થ હોવું જોઈએ. પરંતુ એવું તો ન જ થવું જોઈએ કે મારુ છે તે મને યાદ રહે અને હું કોણ છું તેને જ આપણે ભૂલી જઈએ. જ્યારે આપણે દર્પણમાં જોઈએ છીએ ત્યારે આપણને શરીર પર પહેરેલ પોશાક દેખાય છે, પરંતુ સાથે સાથે એ પણ સમજ જોઈએ કે મેં આત્માએ આ પોશાક શરીર ઉપર પહેરેલ છે. જ્યારે આપણે દર્પણમાં આપણો ડ્રેસ જોઈએ છીએ ત્યારે આપણે એવું નથી વિચારતા કે હું ડ્રેસ છું.
વાસ્તવમાં આપણે દિલ દર્પણમાં (સંકલ્પ રૂપી દર્પણમાં) જોવાનું છે કે હું આત્મા કેવી છું? મારામાં ગુસ્સો, દુઃખ કે ઇર્ષ્યાનો ડાઘ તો નથી! જો આપણને લાગે કે મારામાં ડાઘ લાગેલો છે તો એક મિનિટ માટે શાંતિમાં બેસીને તેને સાફ કરી દેવો જોઈએ. આપણે આપણા શરીરનું પણ ધ્યાન રાખવાનું છે. દર્પણમાં જોતી વખતે એ સ્મૃતિ રાખવાની છે કે આ મારું શરીર છે. આજે જો શરીરની કોઈ બીમારી થાય છે તો હું બહુ જ દુઃખી થઈ જાઉં છું. આ સમયે એવા વિચાર કરીએ કે હું શરીર થી અલગ છું. જ્યારે કોઈનું અવસાન થાય છે ત્યારે આપણે એવું વિચારીએ કે એ આત્મા એ પોતાનું શરીર છોડી દીધું. આત્મા તો અવિનાશી છે. કોઈ વ્યક્તિનું મૃત્યુ નથી થયું પરંતુ તે આત્માનો આ શરીરમાં પાર્ટ પૂરો થયો માટે તે આત્માએ આ શરીર છોડી બીજું શરીર ધારણ કરેલ છે.
આ પ્રકારે વિચારોને કન્ટ્રોલ કરવાથી જે જે બાબતો થી આપણે દુઃખી થઈ રહ્યા હતા તે બદલાઈ જશે. આધ્યાત્મિક જ્ઞાન સમજ્યા પછી આપણું દરેક લૌકિક કાર્ય અલૌકિક હોવું જોઈએ. કોઈ પરિસ્થિતિના કારણે બધા લોકો ભયભીત છે, પરંતુ આપ સ્થિર છો. તો આ આપની વિશેષતા છે. હું એક ચૈતન્ય શક્તિ આત્મા છું. આપણે બધા એક સમાન જ્યોતિ બિંદુ આત્મા છીએ એવું સમજવાથી બીજા સાથે સરખામણી કરવાની કે હરીફાઈ કરવાની વૃત્તિ સમાપ્ત થઈ જશે. પહેલા જ્યારે હું વિદેશ જતી હતી ત્યારે એ સ્મૃતિમાં રહેતું હતું કે હું ભારતીય છું. કોઈને પણ મળતી વખતે એ ભાવ રહેતો હતો કે આ અમેરિકન છે, આ પાકિસ્તાની છે, આ યુરોપિયન છે. પરંતુ હવે એ વિચાર આવે છે કે હું એક આત્મા છું. બીજા પણ ચૈતન્ય શક્તિ આત્મા છે.
આપણે બધા એક પરમપિતા પરમાત્માની સંતાન આત્મા આત્મા ભાઈ-ભાઈ છીએ. આત્માનો કોઈ ધર્મ નથી હોતો. બધીજ આત્માઓ જ્યોતિ બિંદુ સમાન છે. આપણે આપણા જીવનને એ સમજ સાથે ચલાવવું જોઇએ કે આ મારું શરીર છે. હું શરીરની માલિક ચૈતન્ય શક્તિ આત્મા છું. આજે કોઈ કીમતી ગાડી માં આવે તો આપણે ખૂબ પ્યાર થી તેની સાથે વાતો કરીશું, પરંતુ જો કોઈ સાયકલ ઉપર આવે તો આપણી વાત કરવાની રીતભાત બદલાઈ જાય છે. એનો અર્થ એ કે આપણે ગાડી સાથે વાત કરી રહ્યા છીએ વ્યક્તિ સાથે નહીં. પરંતુ જો હું પૂછું કે તમે ક્યાં રહો છો, ક્યાંથી આવો છો? તો હું આપની સાથે વાત કરી રહેલ છું ગાડી સાથે નહીં. આપણે જીવનમાં જે પ્રાપ્તિ કરી છે તે અસ્થાઈ છે, આપણું શરીર પણ. ધારો કે આપણે બહાર જઈ રહ્યા છીએ અને એક્સિડન્ટ થઈ જાય છે મારો પગ તૂટી જાય છે. ડોક્ટર ઓપરેશન કરીને નવો પગ બેસાડે છે. એમ મારું શરીર બદલાઈ જાય છે. એ જ રીતે આપસના સંબંધ પણ બદલાઈ શકે છે. રાજયોગ આપણને એ શીખવે છે કે હું પવિત્ર સ્વરૂપ આત્મા છું અને હું બીજી આત્મા સાથે વાત કરી રહેલ છું.
