આ દુનિયાની કોઈપણ ચીજ વસ્તુ પ્રત્યે પિતાશ્રી બ્રહ્માને આકર્ષણ ન હતું. કારણ કે તે ચીજો અશુદ્ધ તત્વોમાંથી બનેલી છે. ઘણા બાળકો ભગવાનના રથ માટે આપેલ ચીજ વસ્તુનો તેઓ પોતે ઉપયોગ કરે, એવી ભાવના સાથે સુંદર શોલ, સ્વેટર કે અન્ય ભેટ પિતાશ્રી બ્રહ્માબાબા માટે લાવતા હતા. બ્રહ્માબાબા તરત એ વસ્તુ નિમિત બહેનને સાચવવા કે ઉપયોગ કરવા આપી દેતા હતા. ત્યારબાદ પછી કોઈ તેમને મળવા આવતું ત્યારે તે ચીજને સોગાત રૂપે ખૂબ પ્યારથી આપતા હતા. જેથી તે વસ્તુ દ્વારા તેને આપનાર નિમિત્ત પરમાત્મા શિવબાબાની યાદ રહે. પ્યારા બાબા આટલી મોટી ઉંમરમાં પણ બાળકો સાથે નીચે બેસીને ભોજન કરતા હતા. એકવાર તેમની ગેરહાજરીમાં તેમના તકિયાને નવું કવર ચઢાવવામાં આવ્યું. બાબા તરત તે ઓળખી ગયા, અને તેને ઉતરાવી લીધું. તેઓ કહેતા કે જ્યારે શિવબાબા પણ 84મું છેલ્લા પતીત શરીરનો આધાર લે છે, તો હું તેમનો રથ પણ તેમનું અનુકરણ કરું છું.
દરેક નવી ચીજ પહેલા બાળકોને આપીને, તેઓ ખુશ થતા હતા. બ્રાહ્મણ બાળકોને તમામ પ્રકારની સગવડો આપીને બ્રહ્માબાબા પોતે એક નાના જુના રૂમમાં જ નિવાસ કરતા હતા. એ જોઈને ઘણા બાળકો કહેતા, બાબા આપ પણ નવા ભવનના કોઈ એક રૂમમાં નિવાસ કરો. અમે નવા મકાનનું સુખ ભોગવીએ અને તમે જૂના મકાનમાં જ રહો તેવું અમારું મન નથી માનતું. ત્યારે બાબા કહેતા શિવબાબા તો આવે જ છે જૂની દુનિયા અને જુના શરીરમાં. નવી સતયુગી દુનિયા પણ તમારા માટે જ બનાવે છે. પિતાશ્રી બ્રહ્મા બાળકોને નવા ભવનમાં જોઈને ખૂબ ખુશ થતા. પરમાત્મા તો આખી સૃષ્ટિના રૂહાની સેવક છે. બધાને મનુષ્યથી દેવતા બનાવવાની સેવા કરે છે. આથી બાળકો, સેવકનું તો આવા જુના રૂમમાં રહેવું જ ઠીક છે.
બ્રહ્માબાબાના મુખે આ પ્રકારના બોલ સાંભળીને બધા ચૂપ થઈ જતા હતા. તેઓ અંદરથી સમજતા હતા કે બાબાને પોતાની વાત નહીં સમજાવી શકીએ. બાબાની ત્યાગ ભાવના તથા તપસ્યાની દ્રઢતાની સામે બધા માથું ઝુકાવતા હતા. બાબાનો હાથ હંમેશા આપવાની મુદ્રામાં જ રહેતો હતો. તેઓ સાંસારિક સુખ સગવડ પ્રત્યે હંમેશા બેપરવાહ જ રહ્યા. તપસ્યાઓના પ્રકંપનોથી ભરપૂર આજે પણ તેમનો રૂમ બધાને પ્રેરણા તથા શક્તિ આપે છે. બધાને આકારી સ્વરૂપમાં તેમની હાજરીનો અનુભવ થાય છે. એ રૂમમાં બેસવાનાર થોડી સેકન્ડમાં જ ઊંડી શાંતિ, પ્રેમ, પવિત્રતા તથા શક્તિથી ભરપૂર થઈ જાય છે. જે ભવનનો પાયો જેટલો ઊંડો હોય છે તેટલું તે ટકાઉ હોય છે.
પ્રજાપિતા બ્રહ્મા એ પોતાના ત્યાગ તથા તપ દ્વારા આ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના પાયાને એટલો ઊંચો કરી દીધો છે, કે તેમની સામે અને તેમના અવ્યક્ત થયા બાદ પણ સંસ્થા સામે આવેલ મોટા મોટા વિરોધના તોફાનો પણ તેને હલાવી ન શક્યા. બાબાએ ત્યાગ અને તપસ્યાની આહુતી પોતે એકલાએ ના આપી, પરંતુ હજારો બાળકો દ્વારા પણ અપાવી. પિતાશ્રી સંપૂર્ણ વિશ્વને પરમાત્મા શિવની શિક્ષાઓ દ્વારા રામરાજ્યમાં પરિવર્તન કરવાનો જે સંકલ્પ રાખ્યો હતો, તે ધીરે-ધીરે હવે સાકર થતો જાય છે. આવા ત્યાગ તથા તપના દ્રઢ સ્તંભ, દિવ્ય બુદ્ધિ વાળા માનવ જાતિના આદી પિતા પ્રજાપિતાને દિલથી પ્રણામ.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
