મારે ભૌતિક ચીજો પ્રાપ્ત કરવાનું લક્ષ્ય છે સાથે એ માન્યતા છે કે જે ઈમાનદાર હોય છે તેમને જીવનમાં ખૂબ સામનો કરવો પડે છે. જેઓ બીજાની જેમ ચાલે છે તેઓ ખૂબ જલ્દી સફળતા પ્રાપ્ત કરે છે. તો શું સફળતા સ્થૂળ વસ્તુઓની પ્રાપ્તિ માં છે? આ માન્યતા એ કારણે છે કે હું પોતાને શરીર સમજુ છું. પરિણામે આપણે એવું વિચારીએ છીએ કે શરીરને જેટલું સુખ મળે એટલું આરામદાયક જીવન જીવી શકીશ. આ માટે ખોટો રસ્તો પસંદ કરતાં પણ અચકાઇશ નહીં. પરંતુ આ પ્રકારનું કાર્ય જીવનમાં અશાંતિ ઉભી કરે છે. આપણી એક માન્યતા બની જાય છે કે જૂઠું બોલો, અપ્રમાણિક બનો પરંતુ પકડાવો નહીં. આ મારી હોશિયારી છે. ભલે બીજા દ્વારા આપણે પકડાઈ એ નહીં પરંતુ આપણને પોતાને તો ખ્યાલ આવી જ જાય છે કે હું ખોટું કરી રહેલ છું.
આપણે મૂળ પ્રકૃતિથી વિરુદ્ધ કામ કર્યું પરિણામે જીવનમાં ડર તથા અશાંતિનો અનુભવ સતત કરીએ છીએ. અપરાધ ભાવનાની ઉર્જા ઉત્પન્ન થઈ તો તેનું પરિણામ સકારાત્મક નહીં હોય. હવે મને એ લક્ષ મળ્યું છે કે મારી પ્રાથમિકતા આત્માના મૂલ્યો જાળવીને કાર્ય કરવાની છે. જ્યારથી આપણને સમજમાં આવ્યું અને આપણે પોતાનું પરિવર્તન કર્યું તો વધુ વિચારવું નથી પડતું. ઘણીવાર આપણે કહીએ છીએ કે તે સમયે વિચારવું પડે છે કે સાચું બોલીએ કે જૂઠું બોલીએ! પરંતુ જ્યારે આપણા સ્પષ્ટ વિચાર છે કે – ‘હું આત્મા છું’. પછી આપણી પાસે બે વિચાર નથી આવતા કે આમ બોલું કે તેમ બોલું. આપણે સાચું જ બોલવું છે. ભલે તેનું પરિણામ કોઈ પણ આવે, કારણકે મારે મારી નજરમાં ખોટું નથી બનવું.
આજ સુધી આપણે એવું વિચારતા હતા કે – ‘હું શરીર છું’. તો શરીરનું ધ્યાન રાખતા હતા. શરીરના સુખ માટે આપણે વિચારતા હતા. આપણા આદર્શો ઉપર ચાલવું મુશ્કેલ નથી, તે સ્વાભાવિક છે. ભલે મને આર્થિક નુકસાન થાય પરંતુ મારે મારા આદર્શો છોડવા નથી તે પાકું કરી લેવું જોઈએ.
આજે ઘણા લોકો એવું વિચારે છે કે હું આદર્શો ઉપર ટકી રહ્યો પરંતુ સફળ થયો નહીં. આવા વિચારોના કારણે તેઓ દુઃખી થાય છે. પરંતુ પણ એ યાદ રાખવાનું છે કે જે સ્થૂળ વિનાશી ચીજોનું નુકસાન થાય છે તે એટલું મહત્વ નથી, પરંતુ આજે આદર્શો ઉપર ચાલનાર વ્યક્તિ દુઃખી એટલે થાય છે કે તે એવું વિચારે છે કે હું સફળ એટલા માટે ન થયો કે હું આદર્શો ઉપર ટકી રહ્યો. આજે એવી ઘણી વ્યક્તિઓ છે કે જે આદર્શો ઉપર ચાલવા છતાં સફળ છે. તેની જિંદગીમાં સુખ-શાંતિનો અનુભવ કરી રહેલ છે. હા જ્યાં સુધી ભૌતિક સફળતાની વાત છે તો તે જીવનમાં ગૌણ બની જાય છે. દરેક વ્યક્તિનો મૂળભૂત હેતુ જીવનમાં સુખ-શાંતિનો અનુભવ કરવાનો હોય છે, જે આદર્શો ઉપર ચાલવાથી કરી શકાય છે. આદર્શો ઉપર ચાલવાથી ભૌતિક ચીજોની પ્રાપ્તિ વધુ પ્રમાણમાં નહીં થાય પરંતુ શૂન્ય તો નહીં જ થઈ જાય. આવી વ્યક્તિ પોતાનું જીવન આદર્શો સાથે માનસિક શાંતિનો અનુભવ કરતા-કરતા સહેલાઇથી પસાર કરી શકશે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)