હું એક આત્મા છું એ નિશ્ચય થઈ જાય તો આપણું જીવન જ બદલાઈ જશે

આજે કળિયુગમાં લોકો દુઃખ આશાંતિ ના કારણે તથા સહનશક્તિ ન હોવાના કારણે નાની ઉંમરમાં પણ પોતાના જીવનને સમાપ્ત કરી રહ્યા છે (આત્મહત્યા કરી રહ્યા છે). આ પ્રકારના લોકો પોતાને જ નથી જાણતા તો મનુષ્ય જીવનના મહત્વને કેવી રીતે જાણશે? આપણે આપણા જીવનની કિંમત આર્થિક સધ્ધરતા, શારીરિક સુંદરતા કે હોદ્દા થી નથી લગાવી શકતા. આપણે જે લક્ષ પ્રાપ્ત કરવું છે તેમાં થોડી વધઘટ થઈ શકે છે. પરંતુ ઘણા લોકો લક્ષ્ય પ્રાપ્ત ન થવાના કારણે જીવનને જ સમાપ્ત કરી દે છે, કારણકે તેમણે પોતાને જ ઓળખ્યા નથી.

ઘણા લોકો એવું વિચારતા હોય છે કે મારા નજીકના સ્વજન મારાથી દુર થયા (મૃત્યુ પામ્યા). તો હવે મારા જીવવા નો કોઈ અર્થ નથી. પરંતુ જ્યારે આપણને આપણો સાચો પરિચય પ્રાપ્ત થશે અને એ સમજ આવશે કે આપણે બધા યાત્રીઓ છીએ. જ્યારે જેનું ઉતરવાનું સ્ટેશન આવશે ત્યારે આપણે એકબીજાથી અલગ થવાનું જ છે. આપણે જેની સાથે સંબંધ હતો તે આત્મા તો અવિનાશી છે. ત્યારે કોઈપણ સંજોગોમાં આપણે નિરાશ કે હતાશ નહીં થઈએ. જ્યારે આપણને સાચી વાત સમજમાં આવી જશે ત્યારે સફળતાની વ્યાખ્યા જ બદલાઈ જશે તથા જીવનનો હેતુ જ બદલાઈ જશે.

જ્યારે હું પોતાને શરીર સમજુ છું ત્યારે મૃત્યુ પહેલા મારે જલ્દી જલ્દી બધું પ્રાપ્ત કરી લેવું છે તેવી આશા રહે છે. આપણને જીવન એક હરીફાઈ જેવું લાગે છે. આપણે એવું વિચારીએ છીએ કે જે શારીરિક રીતે સ્વસ્થ છે, જેની પાસે ઊંચો હોદ્દો છે તથા જેની પાસે ખૂબ ધન છે તે સફળ વ્યક્તિ છે. ભલેને તે માનસિક રીતે બિલકુલ કમજોર હોય. તેવી સફળતા મેળવવા માટે આપણે ખોટા માર્ગે જવા પણ તૈયાર થઈ જઈએ છીએ. આપણે બીજા સાથે સરખામણી કરીએ છીએ કે તે મારાથી વધુ ધનવાન છે. શારીરિક રૂપથી વધુ સુંદર છે. આમ આપણો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય છે. પરંતુ જો હું એક આત્મા છું એ નિશ્ચય થઈ જાય તો મારું જીવન જ બદલાઈ જશે.

હું એક બાળકોની સ્કૂલમાં કાર્યક્રમમાં ગઈ હતી. જેમાં ‘આજના સમયમાં ઈમાનદારી થી કામ કરી શકીએ છીએ’. એ વિષય ઉપર બોલવાનું હતું. બાળકો નો પ્રશ્ન હતો કે જે વ્યક્તિ ઈમાનદાર છે તે શુ સફળ વ્યક્તિ છે? પ્રવચન સાંભળ્યા બાદ બાળકોએ વાયદો કર્યો કે અમે તમામ બાબતોમાં ઈમાનદાર રહીશું. શિક્ષક આવીને પાછળથી કહે છે કે બાળકોને આ બધી બાબતો શીખવવાનો શું અર્થ? આજના જમાનામાં કોઈ પણ કામ કામ ઈમાનદારીથી કરવું અશક્ય છે.
ત્યારે મેં તેમને કહ્યું કે બાળકોની જઇને આ સંભળાવો. તેમણે કહ્યું કે એવો થોડું કહી શકાય! એમની સામે તો સારું સારું જ બોલવું પડે. જ્યારે આપ શિક્ષક કે માતા-પિતાની ભૂમિકામાં છો ત્યારે પહેલા આપે મૂલ્યોને ધારણ કરવા પડશે. જો આપ એવું વિચારશો કે આ વસ્તુ વ્યવહાર માં શક્ય નથી અને વાણી દ્વારા એવું કહેશો છે કે આમ કરવુંજોઈએ, તો તમારો હાવભાવ બતાવી દેશે કે તમારી માન્યતા કંઈક જુદી જ છે. પરિણામૅ તમારી શિખામણ નો કોઈ આર્થ નહીં રહે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]