આજના છાપામાં સમાચાર વાંચ્યા કે સ્વ. રતન તાતા એમના ઘરનોકરો માટે આશરે સાડાત્રણ કરોડ રૂપિયા, રસોઈયા માટે એક કરોડ અને જર્મન શેફર્ડ શ્વાન માટે વીસ લાખ રૂપિયા મૂકીને ગયા છે. હયાતીમાં અબજો રૂપિયાનાં દાન કરનારા તાતા એમના ઘરનોકરોને ન ભૂલ્યા. આને કહેવાય પારસીશાઈ ખાનદાની.
આ સમાચાર વાંચીને ૧૯૭૦ના દાયકાનો એક પ્રસંગ યાદ આવે છે. એક નિર્ધન અમેરિકન યુવાન પાર્ટાઈમ છૂટક કામ કરીને પોતાના ભણતરની ફી ને અન્ય ખર્ચા કાઢતો. એક વાર સતત ૧૦ દિવસ સુધી કંઈ કામ ન મળતાં તેની પાસે ખાવા માટેના પણ પૈસા ન રહ્યા. કામ માટે તેણે એક પછી એક ઘરના દરવાજા ખખડાવ્યા, પણ નિષ્ફળ. ઘર ઘર ભટકીને હવે એને સખ્ખત ભૂખ લાગી હતી. એટલે એણે નક્કી કર્યું કે હવે જે ઘરે જઈશ ત્યાં પહેલાં કંઈ ખાવાનું મળે એવી રિક્વેસ્ટ કરીશ. આવો નિર્ધાર કરી એણે એક ઘરનો બેલ વગાડ્યો. બારણું ખોલી એક બહેને આવકાર આપ્યો. યુવાનનું દયામણું મુખ જોઈને પૂછ્યું, “તમે ભૂખ્યા લાગો છો? તમારા માટે કંઈક લાવું?”
યુવકે સંકોચ સાથે કહ્યું, “મને માત્ર પાણી આપો.”
એની ઈચ્છા તો ભોજનની હતી, પણ માગણી પાણીની કરી. બહેન સમજી ગયાં. એમણે ઘરમાંથી દૂધનો ગ્લાસ લાવીને યુવકને આપ્યો. યુવકે તેનાં દામ પૂછતાં બહેને કહ્યું, “સેવા અને દયાનું ક્યારેય વળતર ન લેવાય.”
બહેનની ઉદાત્ત ભાવનાને મનોમન વંદન કરી યુવાને ત્યાંથી વિદાય લીધી.
આ વાતને ૨૦-૨૫ વર્ષ વીતી ગયાં. પેલાં બહેનને કંઈ ગંભીર રોગ થતાં ગામમાં યોગ્ય સારવારના અભાવે બોસ્ટન ખાતેની વિશ્વવિખ્યાત ની જ્હૉન હૉપકિન્સ રીસર્ચ હૉસ્પિટલના ફાઉન્ડિંગ ફાધર ડૉ. હાવર્ડ કેલી પાસે લઈ જવામાં આવ્યાં. દર્દીને જોતાં જ એ બહેનને ઓળખી ગયા. તેમણે પોતાની હૉસ્પિટલમાં મહિલાને બે મહિના રાખ્યાં, એમની મન દઈને સારવાર કરી. સામાન્ય પરિસ્થિતિવાળાં આ બહેનને બિલ ચૂકવવાની ચિંતા હતી. તેમણે ચિંતા સાથે સારવારનું બિલ પુછાવ્યું, પરંતુ આશ્ચર્ય. ડૉ. કેલીએ બિલ મોકલાવ્યું, સાથે નોંધ લખીઃ પેઈડ ઈન ફુલ વિથ અ ગ્લાસ ઑફ મિલ્ક અર્થાત્ દૂધના એક ગ્લાસ સાથે તમે પૂરું બિલ ચૂકવી દીધેલું છે! બહેન માટે તો આ ચમત્કાર જ હતો.
ખરું જોતાં આ ચમત્કાર છે સેવાનો, બીજાને મદદ કરવાની શુદ્ધ ભાવનાનો. જેનો મંત્ર છે, હું તમને શું આપી શકું? અથવા હું તમારી શું સહાય કરી શકું?
એક વખત પૂર્વ રાષ્ટ્રપતિ, પ્રખર વિજ્ઞાની ડૉ. અબ્દુલ કલામને પૂછવામાં આવ્યું કે આપ મોટી ઉંમરે પણ આટલો બધો ઉત્સાહ-ઉમંગ કઈ રીતે ધરાવી શકો છો? ક્ષણાર્ધમાં એ કહે, “આ રહસ્ય હું મહાપ્રમુખસ્વામીજી પાસેથી શીખ્યો છું. એ પોતાના સમગ્ર જીવન દરમિયાન સૌને આપતા જ રહ્યા છે. મેં પણ એ જ નક્કી કર્યું છે.”
સેવાભાવનાની આ જ વિશેષતા જેની સેવા કરવામાં આવે તે તો લાભ મેળવે જ છે, પરંતુ સેવા કરનાર તેનાથી વિશેષ પામે છે. એટલું જ નહીં, આ સેવાભાવનાની કદર કરનાર પણ તેમાંથી પ્રેરણા મેળવીને ધન્ય બને છે. સેવાનું ફળ હંમેશાં સ્થૂળ વળતરરૂપે જ મળે એવું જરૂરી નથી. સેવાનું ફળ ભગવાન આપણને અંતરમાં શાંતિ રૂપે પણ આપે છે, જેનું મૂલ્ય સ્થૂળ વળતર કરતાં અનેક ગણું વધારે હોય છે.
૧૦ વર્ષની એક છોકરી બગીચામાં રમીને ઘરે આવી. બગીચામાંથી પાછા ફરતી વખતે લાવેલાં ફૂલ તેણે પોતાના વૃદ્ધ પડોશીને પૂજા માટે આપ્યાં. આ દશ્ય જોઈ બાળકીની માતાએ તેને કહ્યું, “હવે તારા હાથ સૂંઘ!” બાલિકાએ કુતૂહલતાથી પોતાના હાથ સૂંધ્યા તો ગુલાબની સુગંધ અનુભવી. તેનું મન મલકી ઊઠ્યું. માતાએ સરળ છતાં શાશ્વત અને બુદ્ધિગમ્ય બોધ આપતાં કહ્યું કે, “ફૂલો હંમેશાં આપનારના હાથ પર સુગંધ છોડી જતાં હોય છે.”
જીવનમાં માત્ર પૈસા, પદાર્થ, પદવી, પ્રશંસા પ્રાપ્ત કરવી જ પર્યાપ્ત નથી, પરંતુ કોઈના માટે નિઃસ્વાર્થ ભાવનાથી સેવા કરવાથી પણ જીવનમાં સુખ અને શાંતિ મળે છે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
