તમારી પાસે આ ટૉલફ્રી નંબર છે?

“જીવનની હરેક સમસ્યાનો ટૉલ-ફ્રી નંબર એટલે મિત્ર” અને “આખી દુનિયા જ્યારે સાથ છોડી જાય ત્યારે સાથ નિભાવે એનું નામ મૈત્રી…” ફ્રેન્ડશિપ ડેના દિવસે આવાં ઢગલાબંધ સૂત્રો આપણા મોબાઈલ પર અફળાતા રહે છે.

કેવા હોય છે સમસ્યામાં કામ લાગતા આ ટૉલ-ફ્રી નંબર? વિશ્વવિખ્યાત અમેરિકન ઉદ્યોગપતિ, ફૉર્ડ મોટર કંપનીના માલિક હેન્રી ફૉર્ડને તેમની વૃદ્ધાવસ્થામાં એક પત્રકારે પૂછ્યું: “આજે આપની પાસે જોઈએ એ બધું જ છે, પણ એવું કંઈ છે, જે હજુ આપને મળ્યું નથી?”

ફૉર્ડે ઉત્તર આપતાં કહ્યું: “સાચો મિત્ર… મારી પાસે સાચો મિત્ર નથી.”

અહીં તમે એક વસ્તુ માર્ક કરી? હેન્રી ફોર્ડે મિત્ર આગળ ‘સાચો’ શબ્દ મૂક્યો, કારણ કે મિત્રો બનવા અને મળવા સહેલા છે પણ સાચો મિત્ર મળવો ઘણો મુશ્કેલ છે.

કંઈ આવો જ પ્રશ્ન એક નિવૃત્ત સૈનિકને પૂછવામાં આવ્યોઃ ‘સર, તમને સરહદ પર રહેવું ગમે કે સમાજમાં?’

સૈનિકે કહ્યું કે ‘સરહદ પર… કારણ કે ત્યાં તો મને ખબર છે કે સાથે છે તે દોસ્ત અને સામે છે તે દુશ્મન, જ્યારે સમાજમાં ખબર જ નથી પડતી કે કોણ દોસ્ત છે ને કોણ દુશ્મન.’

બાળપણમાં શેરીઓમાં, મેદાનમાં રમતાં, સ્કૂલ-કૉલેજમાં ભણતાં, નોકરી-ધંધો કરતાં આપણને પણ ઘણી વાર આવી મૂંઝવણ થઈ હશે કે કે આ મારો દોસ્ત છે કે દુશ્મન? જેમ ઘણી વાર અમુક વ્યક્તિને પરણ્યા પછી પસ્તાવો થાય છે કે આના કરતાં પરણ્યો ન હોત હોત તો સારું થાત. તેમ ઘણાને મૈત્રી કર્યા પછી પસ્તાવું પડે છે, કારણ કે મિત્રનાં લક્ષણ જોઈને મિત્ર નથી કર્યો. મિત્ર એ નથી જે આપણને સિગારેટ ફૂંકવામાં, દારૂની મહેફિલોમાં સાથ આપે, નશો ચઢાવી વ્યસની બનાવે, વ્યભિચારના માર્ગે ચઢાવી આપણું ચારિત્ર્ય ભ્રષ્ટ કરે. મિત્રનો ધર્મ એ છે કે આપણને ખરાબ માર્ગે જતાં રોકે અને સારા માર્ગે ચાલવા માટે સમજાવે.

સ્વયં ભગવાન શ્રીરામ સુગ્રીવને જણાવે છે કેઃ “જિન્હ કેં અસિ મતિ સહજ ન આઈ, તે સઠ કત હઠિ કરત મિતાઈ… કુપથ નિવારી સુપંથ ચલાવા, કુપથ નિવારી સુપંથ ચલાવા, ગુણ પ્રગટૈ અવગુન્નિહ દુરાવા.”

ભાવાર્થઃ જેમને સ્વભાવથી જ એવી બુદ્ધિ પ્રાપ્ત નથી એવા મૂરખા હઠ કરીને શા કાજે કોઈની સાથે મૈત્રી કરે છે? મિત્રનો ધર્મ એ છે કે એ મિત્રને ખોટા માર્ગે જતો રોકી સાચો માર્ગ બતાવે. એના ગુણ પ્રગટ કરે અને અવગુણોને છુપાવે.

આ જ વાત દર્શાવતાં પૂ. પ્રમુખસ્વામી મહારાજ જણાવે છે કે, “મિત્રનો ધર્મ એ છે કે આપણને ખરાબ માર્ગે જતાં રોકી સારા માર્ગે ચલાવે.”

આ કેવળ વાચ્યાર્થ નહોતું પરંતુ જીવનમાં ચરિતાર્થ હતું, કેમ કે, પ્રમુખસ્વામી એવા સાચા મિત્ર હતા, જેમણે ગુજરાતમાં નહીં પરંતુ, વિશ્વભરમાં આપત્તિઓ આવી ત્યારે નાતજાતના ભેદ જોયા વગર માતાસમાન વાત્સલ્ય પૂરું પાડી સૌને ઉગાર્યા છે. ૧૯૭૯માં મોરબીમાં મચ્છુ ડેમ તૂટ્યો હોય કે ૨૦૦૧માં ભૂકંપે ભૂજને તારાજ કર્યું હોય કે પછી અમેરિકામાં સાઈક્લોન આવ્યું હોય… આવા તો અનેક પ્રસંગોએ પ્રમુખસ્વામી મહારાજે સમાજને સધિયારો આપવામાં કોઈ કચાશ રાખી નથી.

આશરે ૨૨ લાખ વર્ષ પૂર્વે ભગવાન શ્રીરામે આપેલા ઉપદેશને પોતાના જીવનમાં ચરિતાર્થ કરી આપણાં જીવન સુગંધી બનાવનાર પ્રમુખસ્વામી મહારાજે સમસ્ત સમાજ પ્રત્યે સાચા મિત્રની ભૂમિકા નિભાવી છે. તેમણે બધાંને સાચા માર્ગે લાવવાનો પોતાનાથી બનતો પ્રયત્ન કર્યો છે. સાચા મિત્ર કેવા હોય તે તેમણે સાબિત કરી આપ્યું છે. ભગવાન શ્રીરામ તથા આવા મહાન સંતને વંદન કરીને એટલું જ યાચીએ કે આપણને પણ એવા સાચા મિત્રની ભેટ મળે. અને આપણું જીવન પણ સમૃદ્ધ બને. કારણ કે સાચા મિત્રો સાચો મારગ ચીંધી શકે છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)