સાધુ જ્ઞાનવત્સલદાસ: માણસાઈની ચમક

સ્વતંત્ર ભારતનો એક વાંચવા-સાંભળવા જેવો અને જીવનમાં ઉતારવા જેવો પ્રસંગ છે. આઝાદી મળ્યા બાદ, ભારતના લોહપુરુષ તરીકે ઓળખાતા અને નવા નિમાયેલા ઉપપ્રધાન મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતના પ્રવાસે હતા. તેમના સચિવ શંકરભાઈ સતત તેમની સાથે જ રહેતા, વલલ્ભભાઈના બધા કાર્યક્રમ, મુલાકાતો ગોઠવતા, તેમ જ તેમની સગવડ–સુવિધાનો ખ્યાલ રાખતા. જો કે સરદારની પ્રકૃતિ મુજબ, તેમની રહેવા-જમવાની વ્યવસ્થા બિલકુલ સાદગીપૂર્વકની અને જરૂરિયાત અનુસાર જ રહેતી. આ પ્રવાસમાં એક ગામમાં સરદારને ખ્યાલ આવ્યો કે રાત્રે તેઓ માટે મચ્છરદાનીની વ્યવસ્થા કરનારા શંકરભાઈ પોતે તો મચ્છરની હેરાનગતિથી આખી રાત સૂઈ જ નથી શકતા. તરત જ સરદારે પોતાની મચ્છરદાની શંકરભાઈ માટે ગોઠવી દીધી અને પોતે સામાન્ય ચાદર ઓઢીને સૂઈ ગયા!

વલલ્ભભાઈ દ્વારા થયેલી આ સાવ સામાન્ય લાગતી ક્રિયા મોટો તફાવત સર્જી દે છે. લોખંડી પુરુષ જીવન જીવે છે, પરંતુ મુલાયમ બનીને બીજા માટે. બીજા માટે ઘસાઈ છૂટવામાં પોતાને સહન કરવાનું થાય તોયે તેઓ પાછા નથી પડતા.

કદાચ આપણે તેમની જેમ બધા માટે ભલે ન ઘસાઈ શકીએ, પણ આપણા જ સ્વજનો માટે આપણે ઘસાઈએ તો? પતિ-પત્ની એકમેક માટે, સાસુ-વહુ એકબીજાં માટે, બે ભાઈઓ પરસ્પર, દીકરા-દીકરી મા-બાપ માટે, ઘરના દરેક સભ્યો જો એકમેક માટે ઘસાય તો પરિવારમાં એકબીજા પ્રત્યે કેવો આદર, કેવો સ્નેહ, કેવી અદભુત લાગણી સર્જાય?

જેમ અકીકના ખરબચડા પથ્થરને લીસા કરવા માટે એક રેતી ભરેલા માટલામાં નાખી તેને હલાવવામાં આવે છે. પરસ્પર ઘસાઈને, ટકરાઈને તે ખરબચડા પથ્થર ચમકદાર અને મૂલ્યવાન બને છે. તેવી રીતે આપણે પણ પરિવારમાં, સમાજમાં એકબીજા માટે ઘસાઈએ તો માણસાઈની ચમકથી ઊજળા થઈ જઈએ.

1980ના દાયકામાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ આણંદમાં હતા. વર્ષોના નિત્યક્રમ મુજબ તેઓ આસપાસનાં ગામોનાં ઘરોમાં વ્યક્તિગત મુલાકાત લેવામાં પરોવાયા. ભરબપોરના અઢી વાગ્યા સુધી આવી પધરામણીઓ ચાલ્યા બાદ સ્વામીજી ડાહ્યાભાઈ ગજ્જરના ઘરે ભોજન લેવા પધાર્યા. આસન અને ભોજન બંને તૈયાર હતાં. ત્યાં તો એક હરિભક્ત હાંફળાફાંફળા થતા આવ્યાઃ “સ્વામી, તમે મારા નવા મકાને આવ્યા ત્યારે હું હાજર નહોતો તો ફરી પધારવા વિનંતી”.

એમની વાત સાંભળી સેવકોએ કહ્યું, “ભાઈ, સ્વામી તમારા ઘરે જઈ આવ્યા, તમારા મકાનના બધા ઓરડાની મુલાકાત લીધી, એને ફૂલો છાંટીને પવિત્ર કર્યા… છેક અગાશી પર પણ જઈ આવ્યા”.

સેવકોનો જવાબ સાંભળીને હરિભક્ત કંઈ બોલી શક્યા નહીં, પરંતુ તેમના ચહેરા પર, ‘હું હાજર નહોતો’ એનું દુઃખ સ્પષ્ટ વંચાતું હતું. તરત જ પ્રમુખસ્વામી મહારાજે તેમનું પત્તર (ભોજન ગ્રહણ કરવાનું પાત્ર) બાજુમાં ખસેડી દીધું અને સંતોને કહ્યું: “ચાલો, આપણે જઈ આવીએ”. પળનાય વિલંબ વિના સ્વામીશ્રી હસતે મોંએ ભોજન ઠેલી એ હરિભક્તના ઘરે ગયા. ફરીથી બધા જ ઓરડામાં પગલાં કર્યાં,  છેક અગાશી સુધી પુષ્પો છાંટ્યાં! તે હરિભક્તને આનંદવિભોર થઈ વિચારવા લાગ્યા કે ‘બપોરે અઢી વાગ્યે પોતાનું જમવાનું ઠેલીને મારા ઘરે ફરીથી પધરામણીએ આવે એવા ગુરુ ક્યાં મળે?’

વ્યક્તિ જ્યારે દેહભાવ અને સ્વાર્થથી ઉપર ઊઠે ત્યારે જ બીજા માટે ઘસાઈ છૂટવાની આવી ભાવના ઉત્પન્ન થાય છે. આપણે પણ મહાપુરુષોના પગલેપગલે ચાલીને આપણા પરિવારજનો માટે, આપણા સહચારીઓ માટે, જરૂર પડે ત્યાં મિત્રો માટે, સમાજ માટે, દેશ માટે; થોડું તો થોડું પણ ઘસાઈને ‘અકીક’ના પથ્થરની જેમ ચમકદાર તો થઈ જ શકીએને! જ્યાં સુધી ફૂલનું અસ્તિત્વ રહે ત્યાં સુધી તે વિશ્વને સુવાસ જ આપે છે, એમ આપણે પણ જ્યાં સુધી જીવીએ, ત્યાં સુધી બીજા માટે ઘસાઈને આપણે પણ સુવાસિત થઈએ, સૌને પણ સુવાસિત કરીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)