ઈશ્વરે આપણને માનવદેહની અમૂલ્ય બક્ષિસ દીધી તે સાથે કષ્ટ પણ દીધાં. માનવજીવન ક્યારેય સીધી રેખામાં નથી ચાલતું. અનેક વેળાએ એ જોખમી વળાંક,
ખાડા-ટેકરા અને તોફાનોથી ભરેલું હોય છે, પણ સવાલ એ નથી કે રસ્તામાં કેટલા પથ્થર આવે છે. સવાલ એ છે કે તમે એ પથ્થરો ઠોકર ખાવા માટે વાપરો છો કે સફળતાની ઈમારત ચણવા માટે? જ્યારે પરિસ્થિતિ આપણી વિરુદ્ધ હોય ત્યારે સામાન્ય માણસ હથિયાર હેઠાં મૂકી દે છે, પણ જેનો સંકલ્પ સિમેન્ટ કોન્ક્રીટ જેવા મજબૂત જાન હોય છે એ જ ઈતિહાસ રચી જતા હોય છે. કપરા સંજોગ કે પરિસ્થિતિ આપણને તોડવા માટે નહીં, પણ આપણી અંદર છુપાયેલી અપાર ઊર્જાને જગાડવા માટે આવતાં હોય છે. જે માણસ મનથી હારી નથી જતો એને દુનિયાની કોઈ નબળાઈ કે આર્થિક તંગી રોકી શકતી નથી.
જેમ કે 13 વર્ષની વયે આંખોનાં તેજ ગુમાવનાર જર્મનીના એરિક વેનમાયર એવરેસ્ટની ટોચ આંબી ગયા. કારણ? શારીરિક પડકાર હતા, પરંતુ એ તેના ધ્યેયને અંધ નહોતા કરી શક્યા.
વિષમ પરિસ્થિતિમાં એડનમાં નોકરી કરનાર મધ્યમવર્ગી ધીરુભાઈ અંબાણીને આર્થિક ભીંસ ક્યાં ઓછી હતી? છતાં પરિસ્થિતિની સામે મંડ્યા રહેવાના અભિગમથી એ પ્રગતિના પર્વત ચઢી શક્યા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું સામ્રાજ્ય સ્થાપી શક્યા. બીજા વિશ્વયુદ્ધ વખતે જપાનને ક્યાં અગમચેતી મળેલી? પરંતુ પરિસ્થિતિને તાબે થયા વિના સકારાત્મક વલણ રાખીને અને સંપીને સૌ એક દિશામાં આગળ વધ્યા, જેના કારણે જપાન થોડા સમયમાં બેઠું થઈ ગયું.

અમેરિકન લેખક હેન્રી ડેવિડ થોરોએ ગ્રૅજ્યુએટ થયા પછી પ્રોફેસર થવા એક કૉલેજમાં અરજી કરી, જેમાં એ નપાસ થયા, પરંતુ હાર્યા કે થાક્યા વિના વિઘ્નોનો સામનો કરતા રહ્યા. આજે એ જ કૉલેજમાં, યુનિવર્સિટીઓમાં થોરોનાં પુસ્તક અભ્યાસક્રમમાં ભણાવવામાં આવે છે.
જીવનમાં વિઘ્નો તો આવવાનાં જ. કોઈ તેને રોકી નથી શકવાનું, પરંતુ તેનો સામનો કરીને વિઘ્નને પડકારી જરૂર શકાય. આવા સમયે આપણો અભિગમ જ આપણી પ્રતિભાનું પ્રતિબિંબ છે. કમનસીબે, આજે માણસ આ જ દિશામાં થાપ ખાતો જોવા મળે છે અને, આત્મહત્યાના બનાવ વધતા જાય છે.
એક શબ્દમાં જોઈએ તો પડકાર એટલે આહ્વાન. બીજી રીતે કહીએ તો જીવનમાં પ્રતિકૂળ સંજોગોનું ઓચિંતું આગમન. પડકારની અભિવ્યક્તિ જુદી જુદી હોઈ શકે છે. જેમ કે, અકસ્માતમાં શરીરનાં અંગને ખોવાનો વારો આવે તે શારીરિક પડકાર. ધંધામાં પૈસાની ખેંચ ઊભી થાય તે આર્થિક પડકાર અને ધરતીકંપ, વાવાઝોડા, પૂર જેવી આપત્તિઓ એટલે કુદરતી પડકાર. લૌકિક ક્ષેત્રે આગળ વધેલી વ્યક્તિઓએ આવા પડકારો સામે ઝઝૂમીને જ સફળતા પામ્યા.
હવે એથી જરા આગળ વધીને કહીએ કે, આપણા પોતાના માટે તો આપણે કદાચ ગમે એવી પ્રતિકૂળ પરિસ્થિતિ સામે લડી શકીએ. ધારો કે મુંબઈના બીકેસી વિસ્તારમાં વિઝા મેળવવા સવારે 9 વાગ્યાની ઍપોઈન્ટમેન્ટ છે. તમારે મુંબઈના પરા થાણાથી લોકલ ટ્રેનમાં ધસારાના સમયે પ્રવાસ કરીને, દાદર સ્ટેશને ટ્રેન બદલીને બાન્દ્રા જવાનું છે… પણ જવાનું છે એટલે જવાનું જ છે. જો આવો જ અભિગમ જીવનમાં આવતા પડકારો સામે રાખીએ તો?

બીજા માટે પણ જરાયે અકળાયા વિના પડકારોને પડકારનાર હતા વિરલ સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ. ૧૯૮૭ના કારમા દુષ્કાળ વખતે મૂક પશુઓ અને તેમના માલિક-ખેડૂતોની વેદનાને પામીને પ્રમુખસ્વામી મહારાજે ગુજરાતમાં ચાર ઠેકાણે કૅટલકેમ્પ કરેલા. આ પ્રકલ્પમાં જ્યારે આર્થિક ખેંચ ઊભી થઈ ત્યારે સ્વામીશ્રીએ કાર્યકર્તાઓને કહ્યું, “હું ચાર ગામડાં વધુ ફરીશ, પણ આ સેવાકાર્ય તો ચાલુ રાખવાનું જ છે.”
આ કથનમાં એમનો અભિગમ કેટલો હકારાત્મક છે તે જણાય છે. સ્વામીશ્રીએ ખૂબ મક્કમતાથી આર્થિક અને કુદરતી વિઘ્નોને ગણકાર્યા વિના કાર્ય કર્યું છે, તેથી આજે ન કેવળ ગુજરાત પરંતુ આખું વિશ્વ તેઓનું સ્મરણ કરે છે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)






