કબીરવાણી: બાહ્ય આડંબર નહીં, આંતરિક જાગૃતિ જરૂરી

બૈલ ગઢન્તા નરગઢા, ચૂકા સીંગ રમ પૂંછ,
એક હિ ગુરુ કે નામ બિનુ, ધિક દાઢી ધિક મૂછ.

સંસ્કૃત સુભાષિતમાં કહેવાયું છે કે જે વ્યક્તિને સાહિત્ય, સંગીત કે કલામાં રુચિ નથી, તે સાક્ષાત્ પૂંછડા વિનાના પશુ જેવી છે. તે મૃત્યુલોકમાં ભારરૂપ છે અને મનુષ્યનું રૂપ ધારણ કરેલા ચરતા મૃગ સમાન છે.

કબીરજી આ સુભાષિતની સરખામણી અને કલ્પનામાં થોડો ફેરફાર કરીને કહે છે કે ઈશ્વર જ્યારે બળદનું નિર્માણ કરી રહ્યા હતા, ત્યારે જાણે શીંગડા અને પૂંછડું આપવાનું ભૂલી ગયા અને એ જ પ્રાણી મનુષ્યના સ્વરૂપમાં જન્મ્યું. પરંતુ તેને સદ્ગુરુ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થયું નથી.

આવો મનુષ્ય દાઢી-મૂછ ધરાવતો હોય, તો પણ તે ધિક્કારપાત્ર છે. જેનું અંતરમન જાગૃત થયું નથી, તેના બાહ્ય પ્રતીકો અર્થહીન છે.

અબુધ માણસને આપણે ઘણીવાર ‘સાવ ઢોર જેવો છે’ એમ કહીને ઉતારી પાડીએ છીએ, કારણ કે પશુ સામાન્ય રીતે આવેશ, ભય અથવા તાલીમના કારણે ચોક્કસ રીતે વર્તે છે. પરંતુ મનુષ્યની મનુષ્ય તરીકેની ફરજ એ છે કે તે હંમેશાં શાંતચિત્તે વિચાર કરે અને વિવેકપૂર્ણ વર્તન કરે.

ગુરુનામ અને ગુરુમંત્ર આ કાર્યમાં અત્યંત ઉપયોગી સાબિત થાય છે. તે મનુષ્યને પશુવૃત્તિમાંથી માનવતા અને માનવતામાંથી દિવ્યતા તરફ લઈ જવાનો માર્ગ દર્શાવે છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)