ભૂતકાળને વિદાય આપી વર્તમાનને આવકારો…

ગયા સપ્તાહે લાખો-કરોડોના પગાર અને એવા કસદાર પગારદારને નોકરીએ રાખતાં પહેલાં પુછાતા સવાલની વાત કરી. સાથે વાત કરી મહાપુરુષોની નિષ્ફળતામાં સ્થિર રહેવાની કળાની. જેમ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી લંડનમાં મંદિર બાંધવાની જમીન વિશેનો એક અતિમહત્વનો, પણ પ્રતિકૂળ ચુકાદો સાંભળીને સ્થિર રહ્યા એવું જ જ્વલંત ઉદાહરણ વિજ્ઞાની થૉમસ આલ્વા એડિસનનું છે. મહાનની કક્ષામાં આવતા આ વિજ્ઞાનીએ એક હજારથી વધારે અવનવી શોધના પેટન્ટ મેળવ્યા હતા. એમની બલ્બની શોધ વિશેની બહુ જાણીતી વાત છે કે 10 હજાર નિષ્ફળ પ્રયાસ બાદ એમને સફળતા મળી. આ વિશે એડિસનને પૂછવામાં આવતું ત્યારે એ કહેતા કે ‘હું 10 હજાર વખત નિષ્ફળ ગયો એમ ન કહો. એમ કહો કે મેં 10 હજાર વખત બલ્બની શોધ કરી.’

એડિસનના જીવનનો આ એક પ્રસંગ પણ ઘણો જાણીતો અને એટલો જ પ્રેરક છે. ૧૯૧૪ના ડિસેમ્બરની સાંજે ન્યુ જર્સીના ન્યુ ઑરેન્જ વિસ્તારમાં આવેલી એમની વિશાળ લૅબોરેટરી તથા ફૅક્ટરીમાં ધડાકા સાથે ભીષણ આગ ફાટી નીકળી. થોડા જ સમયમાં આખા પરિસરમાં આવેલાં દસેક બિલ્ડિંગ રાખ થઈ ગયાં. સમાચાર મળતાં એડિસન અને એમનો ચોવીસ વર્ષી પુત્ર ચાર્લ્સ ત્યાં ધસી ગયા. આગથી ચાર્લ્સ અત્યંત વ્યથિત હતો. એ વિચારતો હતો કે પપ્પા હવે સડસઠના થયા. આ ઉંમરે જે નષ્ટ થયું એ ફરીથી સર્જી શકશે?

પણ એડિસને ચાર્લ્સને કહ્યું કે ‘જા, ઝટ જઈને તારી મમ્મીને અહીં લઈ આવ. એણે આવો રાખનો ઢગલો ક્યારેય નહીં જોયો હોય.’

એ પછી આકાશ તરફ જોઈને એ બોલ્યાઃ ‘થૅન્ક ગૉડ. આ વિનાશ પણ મૂલ્યવાન છે. ઑલ માય મિસ્ટેક્સ બર્ન્ડ અપઃ હે ઈશ્વર, તારો આભાર, કેમ કે મારી બધી જ ભૂલચૂક બળીને રાખ થઈ ગઈ.’

અહીં તમે જુઓ કે જે બળ્યું એ એડિસને મહામહેનતે તૈયાર કરેલી નોંધ, માહિતી, ડેટા હતાં. પણ હવે એ બળી ગયાં છે. તરત જ એમનું વલણ, એમનો અભિગમ બદલાઈ ગયો. એમણે એને મિસ્ટેક્સ ગણાવી.

પછી એ બીજું વાક્ય બોલ્યા, ‘67નો થયો તું શું થયું? કાલે સવારે દસ વાગ્યે હું પાછો આવીશ અને એક નવી શરૂઆત કરીશ.’

-અને ખરેખર. આગ લાગ્યાનાં ત્રણ જ અઠવાડિયાં બાદ થૉમસ આલ્વા એડિસને જિગરી દોસ્ત હેન્રી ફૉર્ડ પાસેથી થોડા પૈસા ઉછીના લીધા, ફરીથી પ્લાન્ટ નાખ્યો, એમણે અને કર્મચારીઓએ ડબલ શિફ્ટમાં કામ કર્યું અને પહેલાં કરતાં વધારે પ્રોડક્ટ્સ બનાવવા માંડ્યા. 1918માં એટલે કે આગ લાગ્યાનાં ચાર વર્ષ બાદ એમણે લગભગ એક કરોડ ડૉલરનું કામકાજ કર્યું. એમની કર્મભૂમિ અમેરિકાના ન્યુ જર્સી રાજ્યમાં એમના નામે આખો વિસ્તાર છેઃ એડિસન.

આ હોય છે મહાપુરુષોની સ્થિરતા. મહત્વ નિષ્ફળતાનો ઉપાય તમે શું શોધો છો કે તે વખતે તમારી વિચારપ્રક્રિયા શું હશે એનું નથી. મહત્વનો છે જીવનમાં લાગેલા ધક્કા વખતનો તમારો અભિગમ, કારણ કે એવી અનેક ચીજો છે, જેની પર આપણું કોઈ નિયંત્રણ નથી. દાખલા તરીકે તમે અપાર સંઘર્ષ વેઠીને નવો બિઝનેસ શરૂ કરો છો. એ સારો ચાલવા માંડે છે. અચાનક સરકારી નીતિ એવી આવે છે, જે તમારા બિઝનેસ માટે પ્રતિકૂળ છે. તે વખતે તમે કેવું વલણ લો છો, કેવો અટિટ્યૂડ રાખો છો એ મહત્વનું છે.

દુઃખ કે અચાનક લાગેલો પ્રચંડ ધક્કો લાગે ત્યારે એને સ્વીકારી લો. જે થયું એ થયું. ભૂતકાળ પર ન તો તમારો કોઈ કન્ટ્રોલ છે કે ન તો તમે એ બદલી શકવાના છો. એના કરતાં પડકારને પહોંચી વળવાની તક શોધી નવી શરૂઆત કરો.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)