સફળતા નહીં, નિષ્ફળતામાં પરખાય હીર…

આજે મારે તમને જરા જુદો વિચાર આપવો છે. થોડા સમય પહેલાં હું અને નવી દિલ્હીમાં રહેતા મારા એક સ્નેહી એક કાર્યક્રમમાં મંચ પર ભેગા થઈ ગયા. આ સ્નેહી બહુ મોટી આંતરરાષ્ટ્રીય કંપનીના સર્વોચ્ચ પદ પર બિરાજે છે. એમનું ઍન્યુઅલ પૅકેજ વીસેક કરોડ રૂપિયાનું છે, કંપનીના પ્રાઈવેટ જૅટમાં દેશ-દુનિયામાં ઊડાઊડ કરે છે. મેં એમને કુતૂહલવશ પૂછ્યું કે ‘કરોડો રૂપિયાના ઍન્યુઅલ પૅકેજવાળાને નોકરીએ રાખતી વખતે ઈન્ટરવ્યૂમાં કેવા સવાલ થતા હશે, એમનો ઈન્ટરવ્યૂ કોણ લે?’

એમનો જવાબ હતોઃ ‘ઈન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન સ્વામી. તમારા બીજા સવાલનો જવાબ હું પહેલાં આપી દઉં. ઈન્ટરવ્યૂ લેનાર સ્વાભાવિક છે કે કંપનીના માલિક, બોર્ડ ઑફ ડિરેક્ટર્સ કે સ્ટેક હોલ્ડર્સ હોય.’

‘સરસ. એમને ઈન્ટરવ્યૂમાં પૂછવામાં શું આવે?’

તો એ કહે, ‘જુઓ સ્વામી, જે વ્યક્તિ વાર્ષિક પચીસ-પચાસ-સો કરોડ રૂપિયાના પગારની નોકરી માટે ઈન્ટરવ્યૂ આપવા આવી હોય એ બાહોશ જ હોય. એટલે નેટવર્ક, સિસ્ટમ, સેલ્સ, માર્કેટિંગ, પ્રોડક્શન, વગેરેની વાતો ન થાય. મોટે ભાગે એમને એક પ્રશ્ન પૂછવામાં આવે છેઃ તમારા જીવનની મોટામાં મોટી નિષ્ફળતા કઈ? અને એનો તમે કેવી રીતે સામનો કર્યો? આ બધાંનું વર્ણન કરવા અડધોએક કલાક આપવામાં આવે.’

કહેવાનું તાત્પર્ય એ કે સફળતા સાથે આગળ વધવું સહેલું છે, નિષ્ફળતા આવે ત્યારે જાતને સંભાળી લેવી એ અઘરું છે. ઘણા એવા છે, જે નિષ્ફળતા નથી પચાવી શકતા અને આપઘાત કરી બેસે છે. એ વખતે તમારે વિચારવાનું કે આ જે કંઈ થયું એ નહોતું થવું જોઈતું, પણ થઈ ગયું તો હવે શું? એ નક્કી કરીને આગળ વધો. ચોમાસામાં પલળવું ન હોય તો છત્રી, રેઈનકોટ તમારે રાખવાનાં, બાકી વરસાદ તો પડવાનો જ.

અહીં એક રસપ્રદ ઉદાહરણ આપું. વર્ષો પહેલાં પૂજ્ય પ્રમુખસ્વામીએ પોતાના ગુરુની ઈચ્છા મુજબ લંડનના હૅરો વિસ્તારમાં મંદિર બાંધવા બહુ મોટી જમીન લીધી, સહીસિક્કા થઈ ગયાં, પણ ત્યાં આસપાસના રહેવાસીઓ કોર્ટમાં ગયા. એમનું કહેવું હતું કે મંદિર આવશે તો રાત-દિવસ ઢોલ, નગારા, ઘંટ વાગશે, અમારી શાંતિ છીનવાઈ જશે. ત્યાંની કાયદાપ્રણાલી મુજબ સહીઝુંબેશ શરૂ થઈ. કોણ તરફેણમાં છે ને કોણ વિરુદ્ધમાં ? આમાં તમારે એ વિસ્તારના બને એટલા રહેવાસીઓનાં ઘરે જઈને તમારી વાત ગળે ઉતારવી પડે. જો કે એ લોકોનું સંખ્યાબળ વધારે હતું એટલે એમને વધારે સહી મળી. કોર્ટનો ચુકાદો આવ્યોઃ બીએપીએસ હૅરો વિસ્તારમાં મંદિર બાંધી નહીં શકે.

આ ચુકાદો આવ્યો ત્યારે પ્રમુખસ્વામી વડોદરામાં હતા. લંડનના ટ્રસ્ટીએ ફોન કર્યોઃ ‘સ્વામી, બૅડ ન્યુઝ. આપણે હૅરોમાં મંદિર નહીં બાંધી શકીએ.’

સમાચાર સાંભળીને પ્રમુખસ્વામીના ચહેરાની એક લકીર સુધ્ધાં બદલાઈ નહીં. એ એક જ વાક્ય બોલ્યાઃ ‘જેવી ભગવાનની ઈચ્છા.’ બીજું વાક્ય એ બોલ્યાઃ ‘આપણે આપણો પ્રયત્ન કર્યો. હવે ભગવાનની ઈચ્છા… એ પરિણામ આપણને માન્ય છે.’ અને ત્રીજું વાક્યઃ ‘આપણે નક્કી કર્યું છે કે લંડનમાં મંદિર કરવું છે એટલે એ તો કરીશું જ. બીજી જમીન શોધવાનું ચાલુ કરી દો. પરિણામ સ્વીકારી લેવાનું, પણ પાછા નહીં પડવાનું.’ એ પછી, સૌ જાણે છે એમ, લંડનના નેસડન વિસ્તારમાં શિખરબદ્ધ મંદિર બંધાયું.

મહાપુરુષોની આ રીત છે. એ પ્રમાણે ચાલશો તો ક્યારેય હતાશા, નિરાશા નહીં આવે, નિષ્ફળતામાં સ્થિર રહેવાશે. એક જ મંત્રઃ જે થયું એ ઈશ્વરઈચ્છાથી થયું. જે થયું એ મારા સારા માટે જ થયું. અંગ્રેજીમાં એક કહેવત છેઃ અ ગુડ ડે. એન્જૉય. અ બૅડ ડે. લર્નઃ કંઈ સારું બન્યું તો માણી લો. કંઈ ખરાબ બન્યું, તો એમાંથી પાઠ શીખી લો. જો આ અભિગમ રાખશો તો હંમેશાં આનંદમાં રહેશો, સફળતા પણ મળશે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]