સાધુ જ્ઞાનવત્સલદાસ: નવા જમાનાની નવી વ્યાધિથી જરા સંભાળજો…

અમારા બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં રવિવારના સત્સંગનું એક અદકેરું મહત્વ છે. હમણાં આવા જ સત્સંગ બાદ એક ભાઈ મને મળવા આવ્યા. એમનું કહેવું હતું કે ‘એમની 14 વર્ષની પુત્રી હમણાં ઉદાસ રહ્યા કરે છે, ઘરમાં કોઈની સાથે બહુ વાત કરતી નથી. બસ, સ્માર્ટ ફોનમાં વારે ઘડીએ કંઈ ને કંઈ ચેક કર્યા કરે છે. અમે એની બહેનપણીને પૂછ્યું તો એણે એટલું જ કહ્યું કે અમુક સોશિયલ નેટવર્કિંગ ઍપ પરના મિત્રો સાથે કંઈ અણબનાવ જેવું થયું છે.’

એમને મેં થોડા સમય પછી આવવા કહ્યું ને આ સમસ્યામાં જરા ઊંડા ઊતરવાનો પ્રયાસ કર્યો તો જાણવા મળ્યું કે સ્માર્ટ ફોન અને સોશિયલ મિડિયાના ગાંડપણે અમુક નવી નવાઈના માનસિક વ્યાધિને જન્મ દીધા છે.

‘ફોમો’ (ફીઅર ઑફ મિસિંગ આઉટ). ‘બધા લઈ ગયા ને હું રહી ગયો’ જેવી આ મનઃસ્થિતિ નવી નથી, પણ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ કે ઍપ્સે એને વેગ આપ્યો છે.  જેમ કે, ફેસબુક ઉઘાડતાં જ કોઈ જુએ કે મિત્રોએ કાલે રાતે આઈસક્રીમ ખાવા ગયા હતા એના ફોટા મૂક્યા છે. હું એમાં નથી. તરત એ વિચારના વમળમાં અટવાઈ જાય છેઃ ‘આ લોકોએ 15 ઑગસ્ટની રજામાં જલસા કર્યા. મને ન બોલાવ્યો. હું જાણું ને, પેલો જ ખરાબ છે. બધાએ કહ્યું હશે આપણે આને બોલાવીએ, પણ પેલાએ જ ના પાડી હશે.’

આવું બધું વિચારીને ડિસ્ટર્બ થઈ જતા તમારી આસપાસ પણ હશે. મારે એમને એટલું જ કહેવાનું કે એમાં મૂંઝાઈ શેના જાઓ છો એ લોકોએ ન બોલાવ્યા તો ફાઈન. તમે શા માટે નેગેટિવ વિચારો છો. તમે એમ વિચારો કે એ લોકો એ લોકો છે હું હું છું. બહુ લાગી આવે તો તમે પરિવાર સાથે ફેસ્ટિવલ મનાવો, એના ફોટા મૂકો અને લખો ‘મમ્મી-પપ્પા-દાદા-દાદી સાથે ખીચડી-કઢી-છાશની મજા.’ કાઉન્સેલરોએ આને માટે શબ્દપ્રયોગ બનાવ્યો છેઃ જોમો (જૉય ઑફ મિસિંગ આઉટ) એટલે કે રહી ગયાનો આનંદ અથવા સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સથી ડિસ્કનેક્ટ થઈ જવાની મજા, જે ફોમોથી સાવ વિરોધી છે.

બાકી સોશિયલ મિડિયા પરની પંચાતથી, પોસ્ટથી, કોઈના ફોટા, લાઈક્સ, કમેન્ટ્સની સંખ્યાથી તમારે શું કામ અપસેટ થવું જોઈએ? તમારો મૂડ શું કામ ખરાબ કરવો જોઈએ? બીજાના હાથમાં આ હદે રિમોટ કન્ટ્રોલ આપી દેવાય જ નહીં. આને લીધે તમે પરિવારને પણ સમય આપી શકતા નથી, કંઈ નક્કર, સર્જનાત્મક કાર્ય કરી શકતા નથી. ડિપ્રેશન અને સ્વભાવપરિવર્તન અને એ બધી વાત તો અલગ.

એમાંયે 2000માં કે તે પછી જન્મેલા અને મિલેનિયલ તરીકે ઓળખાતી પેઢીની વાત જ નિરાળી. આ લોકો નવીનવાઈની સમસ્યાથી પીડાય છે અને એમને ઊંઘની ટીકડીઓ ગળવી પડે છે. જેમ કે ‘ટેક્સ્ટાફ્રેનિયા.’ એટલે કે સતત મોબાઈલની રિંગ વાગ્યાનો કે ન વાગ્યાનો ભાસ થયા કરવો. ‘ટેક્સ્ટ એન્ક્ઝાઈટી,’ એટલે કે ખાસ્સી પંદર મિનિટ થઈ ગઈ, પણ મોબાઈલની રિંગ ન વાગી નોટિફિકેશનના રણકાર સંભળાયા નહીં? આમ કેમ? મારા મેસેજનો જવાબ કેમ નથી? એક ‘ફૅડ’ (એફએડી) છે અર્થાત્ ફેસબુક એડિક્શન મેનિયા. દિવસમાં પાંચથી વધુ વખત ફેસબુક ખોલો છો એનો અર્થ તમે ‘ફૅડ’થી પીડાઓ છો. તમારે એક્સપર્ટની મદદની જરૂર છે.

માનસશાસ્ત્રીઓ કેટલાક ઉપાય સૂચવે છે. જેમ કે, જે નથી એનું દુઃખ નહીં, પણ છે એનો આનંદ મનાવો, સારાં પુસ્તક વાંચો, સારી પ્રવૃત્તિમાં મન પરોવો. ફેસબુકના આભાસી મિત્રોને બદલે સાદ પાડો ને પડખે ઊભા રહે એવા સાચા મિત્રો બનાવો. એક અભ્યાસમાં એવી પણ ખબર પડી કે ઋણસ્વીકાર પણ ‘ફોમો’થી બચવાનો એક સારો ઉપાય છે. મતલબ કોઈ સારી ચીજનાં, કોઈનાં સારાં કામનાં વખાણ કરો. આમ કરવાથી મૂડ બની જાય છે, જુસ્સો વધી જાય છે. ટ્રાય કરી જોજો. આટલું કરશો તો ક્યારેય ફોમો-બોમોની જાળમાં નહીં ફસાઓ કે ડિપ્રેશનની ખાઈમાં ધકેલાઈ નહીં જાઓ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)