સાધુ જ્ઞાનવત્સલદાસ: સમૃદ્ધ બનવું છે? આટલી વાત ગાંઠે બાંધી લો…

આજની કોલમનું હેડિંગ વાંચીને વિચારના વમળમાં ગોથાં ખાવા માંડો એ પહેલાં એક ચોખવટ. હેડિંગ ધ્યાનથી વાંચોઃ વાત સમૃદ્ધ બનવાની છે, પૈસાદાર બનવાની નહીં.

આ લેખ વાંચનારામાંથી ઘણાએ સિદ્ધહસ્ત થવાના, સફળ થવાના, સમૃદ્ધ થવાના ઉપાય સૂચવતાં પ્રેરણાદાયી પુસ્તકો વાંચ્યા હશે, અને એમાં કંઈ ખોટું પણ નથી. પણ આજે હું તમને એક સાવ સરળ ઉપાય બતાવું છું, પણ એ પહેલાં આ એક પ્રસંગ મમળાવોઃ

જૉન ગોડાર્ડ

અમેરિકન ઍડવેન્ચરર, એક્સપ્લોરર જૉન ગોડાર્ડ પંદર વર્ષના હતા ત્યારે એમણે જીવનમાં જે જે કરવું છે એની એક યાદી બનાવી. જેમ કેમાઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવું છે, કિલિમાન્જારો પર્વત ચઢવો છે, નાઈલ નદીમાં તરવું છે, વગેરે. આવાં ધ્યેયનો સરવાળો થયો 57. આમ તો 127 ધ્યેય હતાં, પણ લગ્ન કરવાં છે, બાળકો પેદા કરવાં છે કે 21મી સદીનો સૂર્યાસ્ત જોવો છે, વગેરેની બાદબાકી કરીએ તો 57 ધ્યેય થયાં. ગોડાર્ડ સાઠના થયા ત્યારે એક દિવસ પેલું લિસ્ટ ચકાસવા બેઠા. જે ધ્યેય પાર પાડ્યાં એની સામે રાઈટ ટિક્ કરતા ગયા.

-અને જૉન ગોડાર્ડને પોતાને આશ્ચર્ય થયું તે 57માંથી પંચાવન ધ્યેય એમણે પાર પાડ્યાં છે. 2013માં 88 વર્ષની વયે જેમનું અવસાન થયું એ જૉન ગોડાર્ડે બે પુસ્તક લખ્યાં, ‘ધ સર્વાઈવર’ અને ‘કાયાક્સ ડાઉન ધ નાઈલ.’ આ ઉપરાંત બેસ્ટસેલર પુસ્તક‘ચિકન સૂપ ફૉર ધ સાઉલ’માં એમનો સમાવેશ કરવામાં આવ્યો, એમના જીવન પર ફિલ્મ બની છે.

કહેવાનું તાત્પર્ય એ કે જીવનમાં સંકલ્પ મહત્વના છે. જરાય આળસ કર્યા વગર આજે જ એક લિસ્ટ બનાવો. જીવનમાં શું શું કરવું છે એ લખતા જાઓઃ બિઝનેસમાં, ફૅમિલીમાં, ફ્રેન્ડ સર્કલમાં, સોશિયલ સર્વિસ ક્ષેત્રે, વગેરે. આ બધું તમે વિચારતા હશો જ, પણ વિચાર તો બાષ્પીભવન થઈ જશે, જ્યારે લખેલું વંચાશે. લિસ્ટ બનાવીને રોજ સૌથી વધારે સમય જે જગ્યા વિતાવતા હો ત્યાં ચોંટાડી દો. એ તમને સતત યાદ અપાવશે કે જીવનમાં આટઆટલું કરવાનું છે. સંકલ્પની સાથે મહત્ત્વનો છે પુરુષાર્થ.

મહાનની પંગતમાં બેસતા ક્રિકેટર સચીન તેંડુલકરે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વીસ વર્ષ પૂરાં કર્યાં ત્યારે એમને એમની સફળતાનું રહસ્ય પૂછવામાં આવ્યું. એમનો જવાબ હતોઃ “હું ક્રિકેટ માત્ર રમતો નથી, પણ સૂતાં-જાગતાં-ઊઠતાં-બેસતાં, ચોવીસે કલાક ક્રિકેટ ક્રિકેટ અને ક્રિકેટનું સ્મરણ કરું છું. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વીસ વર્ષ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં ચાર એમ છેલ્લાં ચોવીસ-પચીસ વર્ષમાં એવો એક પણ દિવસ ગયો નથી, જ્યારે હું સવારે છ વાગ્યે મેદાન પર પ્રૅક્ટિસ કરવા ગયો ન હોઉં.”

એ પછી એમને સવાલ થયો કે, આગલે દિવસે રનના ઢગલા કર્યા હોય તો?

સચીનજી કહે છેઃ“આગલે દિવસે મેં હાફ સેન્ચુરી, સેન્ચુરી કે ડબલ સેન્ચુરી ફટકારી હોય તો પણ, બીજા દિવસે સવારે છ વાગ્યે પાંચસો ડિલિવરી (બૉલ)નો સામનો કરવાનો એટલે કરવાનો જ. એ પછી જ મોબાઈલ અને સોશિયલ મિડિયા ઉઘાડું.”

તો, આ રીતે થવાય છે સમૃદ્ધઃ સંકલ્પ અને ધ્યેય સાથે જ મહત્ત્વનો છે પુરુષાર્થ. હા, પુરુષાર્થ તો આપણે બધા કરીએ જ છીએ, પણ એક વાત સમજી લેજો કે જે જેવો પુરુષાર્થ કરે એ એવી વ્યક્તિ બને. સામાન્ય પુરુષાર્થ કરનાર સામાન્ય વ્યક્તિ બને, પરંતુ અસામાન્ય પુરુષાર્થથી સામાન્ય વ્યક્તિ અસામાન્ય બની જતી હોય છે. ઈતિહાસ સાક્ષી છે.

ટૂંકમાં, આજે જ સંકલ્પ કરો, એક યાદી બનાવો અને સારા વિચાર, સદ્ગુણ તથા ઈશ્વરમાં શ્રદ્ધા સાથે દોડવા માંડો. જો એકલા દોડશો તો જીવનમાં પ્રગતિ થશે, જ્યારે પોઝિટિવિટી, સદ્ગુણ અને ભગવાનમાં શ્રદ્ધા રાખીને દોડશો તો સિદ્ધિ પ્રાપ્ત થશે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)