તમે સક્રિય છો કે નિષ્ક્રિય?

સક્રિય અથવા કામઢા અથવા પ્રોઍક્ટિવ લોકો હંમેશાં ભવિષ્યનો, આવાનારા પડકારનો પ્રોજેક્ટનો વિચાર કરે છે, એ બધાંમાં શેની જરૂર પડશે, કેવી સમસ્યા આવશે અને જો એવી સમસ્યા આવે તો એનો ઉકેલ શું હોઈ શકે આ બધું વિચારે છે. જ્યારે નિષ્ક્રિય લોકો (રિઍક્ટિવ) જોઈશું, પડશે એવા દેવાશે એવો આળસુ અભિગમ દાખવે છે.

કૉર્પોરેટ કલ્ચરની પ્રોફશનલીઝમની અવારનવાર વાતો થાય છે, એ વિશે જાતજાતના સેમિનાર પણ યોજાય છે. તો, શું છે આ કૉર્પોરેટ કલ્ચર? સરસમજાનાં કપડાં પહેરવાં, સિલ્કની ટાઈ બાંધવી, ચકચકિત શૂઝ, બ્રાન્ડેડ રિસ્ટવૉચ અને કાર. પરંતુ સતત કૉર્પોરેટ કલ્ચરમાં રાચનારાની વિચારપ્રક્રિયા કેવી હોય છે? “ચાર વાગ્યે ફોન કરીશ એમ કહેલું. સાડાપાંચ થયા, હજી ફોન આવ્યો નહીં… હું શું કામ સામેથી ફોન કરું?” “જરાય મૅનર્સ નથી. મેસેજનો જવાબ પણ આપતો નથી.” “આજે ડિરેક્ટર સાહેબે ખાલી ફોગટ મને સંભળાવ્યું. વાંક જોશીનો હતો.” આવી બધી વાતોથી વ્યાકુળ થઈ જાઓ છો. શું કામ?

હું જે સંસ્થામાંથી આવું છું એ ‘બીએપીએસ’નાં દેશ-દુનિયામાં 1200 જેટલાં નાનાંમોટાં કૅમ્પસ છે. દિલ્હી અક્ષરધામ, ગાંધીનગર અક્ષરધામ અને હવે અમેરિકાના ન્યૂજર્સીમાં 265 એકરનું અક્ષરધામ આકાર લઈ રહ્યું છે. અબુધાબીમાં એક વિરાટ મંદિર સર્જાઈ રહ્યું છે… સંસ્થામાં મારા જેવા 1100 જેટલા સંતો છે. 110થી વધુ હૉસ્પિટલ, હૉસ્ટેલ, સ્કૂલ, વગેરે છે. 110થી વધુ હૉસ્પિટલ, હૉસ્ટેલ, સ્કૂલ ચલાવતી બીએપીએસની 162 જેટલી નાનીમોટી સામાજિક પ્રવૃત્તિમાં રત છે. આ બધું કહેવાનું તાત્પર્ય એ કે સંસ્થાને આ સ્તર પર લઈ જનારા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી અથવા અમેરિકાના ધનાઢ્ય, દાનવીર જેડી રૉકફેલર જેવી હસ્તીનાં જીવનમાંથી અનેક વાતો શીખવા જેવી છે, જેમાંની એક છેઃ પ્રોઍક્ટિવિટી. અર્થાત્ નાનીમોટી પરિસ્થિતિથી અકળાઈ જવાને બદલે ગમેતેવી પરિસ્થિતિને અનુકૂળ થઈને નિજાનંદમાં રહેવું. જો તમે નાની નાની વાતોથી ડિસ્ટર્બ થઈ જાઓ છો તો તમે પ્રોઍક્ટિવ નથી.

પ્રમુખસ્વામી એક વાર ન્યૂયૉર્કમાં હતા. એ જે રૂમમાં હતા એ રૂમ બહુ જ નાનો હતો. કોઈએ ટકોર કરી કે “સ્વામી, રૂમ બહુ નાનો છે.”

સ્વામીએ તરત જવાબ આપ્યોઃ “નાનો રૂમ સારો, વીજળીનો વપરાશ ઓછો થાય.”

જરા કલ્પના કરો આ જ પ્રમુખ સ્વામી ન્યૂ યૉર્ક આવ્યા એ પહેલાં ટોરન્ટોમાં હતા, જ્યાં એમનો રૂમ બહુ મોટો હતો. ત્યારે એમણે કહ્યું, “આવા મોટા રૂમ સારા, જેથી વધારે વ્યક્તિનો સમાવેશ થઈ શકે.”

આમ જોવા જઈએ તો આ બહુ નાની વાત છે, પણ આવી નાની નાની વાતોથી તમારો સ્વભાવ, તમારો અભિગમ બહાર આવે છે. અને આ અટિટ્યૂડ અથવા વલણ છેઃ આસપાસના વાતાવરણથી, આસપાસ બનતી ઘટનાની તમારા પર અસર નથી. અથવા જો અસર છે તો નગણ્ય છે. બહાર ગરમી છે, ઠંડી છે, ધોધમાર વરસાદ છે, સ્ટાફમાં આજે બે-ચાર જણ ગેરહાજર છે… આ બધી વાતો તમારી પર કાબૂ મેળવી લે, તમારાં મનમસ્તિષ્કનો કબજો લઈ લે એ કેમ ચાલે? વરસાદ બંધ થાય તો નીકળું, આ ચાર જણ ગેરહાજર રહ્યા ન હોત તો કામ થઈ જાત…

શું કામ?

એક વાત ગાંઠે બાંધી લેજોઃ યૂ આર નૉટ ડિપેન્ડિંગ અપોન યૉર સરાઉન્ડિંગઃ યૂ આર ડિપેન્ડિંગ અપોન જસ્ટ વન થિંગઃ યૉર થૉટ પ્રોસેસઃ તમે શું વિચારો છો, તમારી વિચારપ્રક્રિયા શું છે, પરિસ્થિતિને તમે કઈ રીતે અનુકૂળ થઈ જાવ છો એ જ તમને સારા પ્રોફેશનલ બનાવશે. અને આ જ અભિગમ તમને સારા માનવી બનાવશે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)