સાધુ જ્ઞાનવત્સલદાસ: 21મી સદીની સૌથી મોટી ભૂલ

થોડા સમય પહેલાં મારી પાસે એક ભાઈ આવ્યા. મને કહે, “મારો યુવાન પુત્ર આમ તો બધી રીતે સારો છે, સારું ભણ્યો છે, સારી જૉબ છે, પણ એનો એક પ્રોબ્લેમ છે. એ સતત એવું ઈચ્છતો હોય છે કે બધા લોકો, બધો સમય એને જ જોયા કરે, મને મળવા પડાપડી કરે…સૌ એવું ઈચ્છે કે હું સૌનો ઈચ્છનીય હોઉં.”

એમની વાત સાંભળીને હું વિચારમાં પડી ગયો. મને થયું, બધો સમય, બધાં જ સ્થળે, બધા લોકો પોતાને ઈચ્છિત અથવા અંગ્રેજીમાં જેને ડિઝાયરેબલ કહે છે એવી અપેક્ષા રાખતી વ્યક્તિ એ વ્યક્તિ છે વસ્તુ કે જણસ? પોતાની જાતને સતત ડિઝાયરેબલ ગણવી એ 21મી સદીની જીવનની મોટામાં મોટી ભૂલ છે.

પોતાની જાતને ડિઝાયરેબલ બનાવવાની લાયમાં એ આદર્શ સાથે, સચ્ચાઈ સાથે સાથે સમાધાન કરે છે એની એને ખબર હશે? એક વાત સમજી લેવી જોઈએ કે જીવનમાં હંમેશાં ક્વૉન્ટિટી કરતાં ક્વૉલિટીને મહત્વ આપો. ક્વૉન્ટિટી તમને ભર્યાભાદર્યાની અનુભૂતિ કરાવશે, પણ કવૉલિટી તમને પરિપૂર્ણ બનાવશે. પરિપૂર્ણ બનાવાની શક્તિ ક્વૉન્ટિટીમાં નથી હોતી.

નથી લાગતું કે આપણે પૈસા અને પ્રતિષ્ઠાને આપણે જરા વધારે પડતી સત્તા આપી દીધી છે? પૈસા અને પ્રતિષ્ઠાએ આપણા જીવનનો રીતસરનો ભરડો લીધો છે એમ કહેવામાં અતિશયોક્તિ નહીં ગણાય. બીજા શબ્દોમાં આજનો માનવી પૈસા પર, સંપત્તિ પર વધારે પડતો આધાર રાખી બેઠો છે. સફળતા પાછળની આંધળી દૌડથી જરા શાંતિથી બેસો અને જરા આત્મનિરીક્ષણ કરો કે હું જે કરી રહ્યો છું એ બરાબર છે?

જુઓ, તમે મેરેથોન દૌડમાં ભાગ લો હોય તો એમાં તમે કેટલા ફાસ્ટ દોડો છો એ મહત્વનું છે, પણ જીવનની દૌડમાં પણ તેજ ગતિ નહીં, પરંતુ સ્થિર ગતિ મહત્વની છેઃ તમે કેટલા સ્ટેડી રહીને આગળ વધો છો એ મહત્વનું છે. સતત તેજ ગતિએ દોડતા રહેવું એ થઈ ક્વૉન્ટિટી, જ્યારે રનિંગ સ્ટેડી ઈઝ ક્વૉલિટી.

અગાઉ કહ્યું એમ, ક્વૉલિટી તમારું જીવન પરિપૂર્ણ બનાવે છે. જો ખેલ સ્પર્ધામાં તમે પાછળ પડ્યા કે દોડતાં દોડતાં પછડાયા તો ખાલી મેડલ ગુમાવશો, પણ જીવનની દૌડમાં પછડાયા તો કદાચ જીવ પણ જઈ શકે. ભાગદૌડભર્યું જીવન જીવવા કરતાં સારું જીવન કેમ જીવવું એની પર ધ્યાન આપો. એ વિચારો કે મારા પરિવારજનો, મારા મિત્રો, સાથે કામ કરનારા મારા સહકર્મચારીઓ, મારો સમાજ મારી પાસેથી શું અપેક્ષા રાખે છે.

બને છે એવું કે મેં આ કર્યું, મેં પેલું કર્યું, હું આ બન્યો, મેં આ પદ મેળવ્યાં, વગેરે વગેરેથી ઓળખાવાની લાયમાં માણસ માનવ તરીકે ઓળખાવાનું ભૂલી ગયો છે. હું, મેં, મારું, એ થઈ ક્વૉન્ટિટી… જ્યારે મારું અસ્તિત્વ છે એ થઈ ક્વૉલિટી. આજે લોકોને મેં કર્યું એની યાદી જોઈએ છે. જોઈએ છે એટલું જ નહીં, પણ એવી યાદી ખૂબ લાંબી હોય એવું ઈચ્છે છે. ‘આઈ ડિડ’ને બદલે ‘આઈ ઍમ’નું લાંબું લિસ્ટ બનાવો તો એ થઈ ક્વૉલિટી. ‘આઈ ઍમ’માં હજારો ‘આઈ ડિડ’નાં લિસ્ટ બનાવવાની તાકાત છે.

ફોરેન વૅકેશન, મોંઘીદાટ ક્લબની મેમ્બરશિપ, મનોરંજન એ જીવનનો એક ભાગ છે એ સાચું, પણ પરિવાર, તમારું કામકાજ, સહકર્મચારીઓ કરતાં એ જરાય મહત્વનાં નથી. જે ક્ષણે આવી બધી ભૌતિક ચીજોમાં ખોવાયા એ ક્ષણે પરિવાર, મિત્રો, કામકાજ, સહકર્મચારી પણ ખોઈ બેસશો, એ લોકો તમારાથી અંતર રાખતાં થઈ જશે. કામ કરો, મહેનત કરો, આગળ વધવા પ્રાસ કરો, સાથે સાથે પણ સારું જીવન જીવવાને મહત્વ આપો. તમારે જ્યાં પહોંચવું છે ત્યાં, નક્કી કરેલા ગંતવ્ય સ્થાને પહોંચવા ઉડાન ભરો, ધંધાનો પથારો જેટલો વિસ્તારવા માગતા હો એટલો વિસ્તારો, પણ મૂળિયાં મજબૂત રાખીને, પગ જમીન પર રાખીને… તો જીવનમાં ક્યારેય હાર નહીં અનુભવો.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)