માનવીની સનાતન સમસ્યાઃ અસ્થિર માનસતંત્ર…

તમે, હું, આપણે સૌ બાળપણમાં આ પાઠ ભણ્યા છીએ. ધાર્યા નિશાન પર તીર તાકીને ઊભેલા અર્જુનને ગુરુ દ્રોણાચાર્ય પૂછે છે કે તને તારી આસપાસ શું દેખાય છે ત્યારે અર્જુન કહે છેઃ હે ગુરુવર્ય, મને તો પક્ષીની એક આંખ સિવાય બીજું કંઈ જ દેખાતું નથી. તે પછી, દ્રૌપદી-સ્વયંવરમાં ત્રાજવાંનાં બે પલ્લાંમાં પગ સ્થિર કરી એમણે મત્સ્યવેધ કર્યો. આવી અસીમ એકાગ્રતાનું જેને વરદાન હતું એ અર્જુને પણ શ્રી કૃષ્ણને કહ્યું હતું: પ્રભુ, ચંચળ મનને હું સ્થિર કરી શકતો નથી.

આ વ્યગ્રતા પાંચ હજાર વર્ષ પૂર્વેના માત્ર અર્જુનની જ નહીં, પણ પૃથ્વી પર વસતા પ્રત્યેક પાર્થની છે. માનવીની અપાર શક્તિ અને સામર્થ્યની વંદના કરતાં કહેવાયું છે કે કાળા માથાનો માનવી ધારે તે કરી શકે. માણસને પોતાના ખોળામાં સમાવી લેતું વિમાન બનાવી એ આભને આંબતો થઈ ગયો તો હજારો ટનની સામગ્રી સાથે સમુદ્ર પર સરકવા લાગ્યો, પવનની ઝડપે દોડતી બૂલેટ ટ્રેનમાં ફરતો થયો. દુનિયાઆખીને મૂઠીમાં સમાવી લેતા મોબાઈલ ફોન, સ્માર્ટ ફોન એણે શોધ્યા. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની તો સૃષ્ટિ જ નિરાળી.

આવી દોમ દોમ સિદ્ધિ મેળવનાર માણસ પોતાના મન સામે કેમ હારી જતો હશે? જંગલી પશુને આંગળીને ઈશારે નચાવનારો માણવ મન આગળ કેમ નાચવા લાગે છે? ભૂકંપમાં પણ અડીખમ રહે તેવા નિવાસ રચનારો માણસ મનના એક ઝપાટે કેમ ભોંયભેંગો થઈ જાય છે?

ગણતરીના દિવસોમાં 2022નો અસ્ત થશે અને 2023 ઉદય. લોકો જાતજાતના સંકલ્પ લેશેઃ સવારે વહેલા ઊઠવાનો, ઓછું ખાવાનો, નિત્ય કસરત કે વૉકિંગ કરવાનો… પણ મન એમને એવા રમાડશે કે બધું ફોક.

ખરાબ વિચારો કે વ્યસનો સામે, કુટેવો કે ક્રોધી સ્વભાવ સામે મન હંમેશાં હિંમત હારી જાય છે. અભ્યાસ કે સ્પૉર્ટ્સમાં મળેલી નિષ્ફળતાને અને પ્રેમ કે પરિવારમાં થયેલા કડવા અનુભવને મન ભૂલી જ શકતું નથી. હા, કોઈનું મન સાવ ભાંગી ગયું છે તો કોઈકનું સાવ થાકી ગયું છે. એટલે સ્તો આજે મનોચિકિત્સકોના દરવાજે મોટી લાઈનો લાગે છે.

શરીરને દુરસ્ત રાખવા માટે આપણે ઘણું બધું કરીએ છીએ પણ વધારે અગત્યનું એ છે કે આપણું મન પણ દુરસ્ત રહે. કહેવાયું છે કે મન જ મનુષ્યનાં બંધન અને મુક્તિનું કારણ છે.

સર્વ સુખ કે દુઃખનું કારણ એવા અશાંત અને અસ્થિર મનને વશ કરવાનો ઉપાય બતાવતાં શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે: મન ચંચળ છે, એને વશ કરવું મુશ્કેલ છે, પણ અભ્યાસ અને વૈરાગ્ય વડે તેને વશ કરાય છે. શાનો અભ્યાસ? મનને વશ કરવાનો અભ્યાસ. એવા અભ્યાસની પાઠશાળા એટલે આપણાં મંદિરો, શાસ્ત્રો અને પવિત્ર સંતો. એટલું નિશ્ચિત છે કે સનાતન પ્રશ્નોના ઉત્તર આધ્યાત્મિક જગતમાંથી મળવાના છે, અન્યથા માનવીના અસ્તિત્વનો હેતુ સમજવો જ અશક્ય છે.

માનવમનની શુદ્ધિ, સંવૃદ્ધિ, સ્થિરતા અને સલામતી માટે આધ્યાત્મિકતા જરૂરી છે અને આધ્યાત્મિકતાની સર્વાંગ સંપૂર્ણ સિદ્ધિ થાય તે માટે મંદિરો. હાલ જેમનો શતાબ્દી મહોત્સવ ઊજવાઈ રહ્યો છે તે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા: “મનને સ્થિર કરે તે મંદિર, ઉચ્ચ જીવનની પ્રેરણા આપે તે મંદિર.”

પ્રમુખ સ્વામી મહારાજે મંદિરોનું માત્ર મહિમામંડન ન કરતાં વિશ્વભરમાં ૧૧૦૦થી વધુ મંદિરો એકલા હાથે ઊભાં કર્યાં. સાથે સાથે પોતાના સંતો દ્વારા શાસ્ત્રજ્ઞાનની સરવાણી વહાવી શાસ્ત્રોને અનુમોદન આપ્યું. આમાં કોઈ હરીફાઈ કે કોઈને બતાવી આપવાનો આશય નહોતો. એમનો હેતુ એક જ હતોઃ લોકો જ્ઞાન પામી મનને સ્થિર રાખી શકે.

તો ચાલો, આપણાં મનને અસ્થિર કરનારાં અનિષ્ટોથી દૂર રહીને મનને મજબૂત કરે તેવાં મંદિરો અને એ રીતે ગમે તેવી પરિસ્થિતિમાં આપણને સ્થિર રાખે તેવા ગુણિયલ સંતો તથા શાસ્ત્રોના સંગે રહી મનનું ઘડતર કરીએ, મનને મજબૂત બનાવવા કમર કસીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)