સંતાનને સ્માર્ટ બનાવવાં છે?

અમેરિકાના ડેટ્રોઈટમાં એક માતા એકલેહાથે પોતાના બે પુત્રોને ઊછરે. ચાળીસીમાં પ્રવેશેલી એ ડિવોર્સી સ્ત્રી ખાસ ભણેલી નહીં એટલે જે કામ મળે એ કરે. બે છેડા ભેગા કરવાના સંઘર્ષમાં એ સંતાનનાં ભણતરપર ઝાઝું ધ્યાન આપી ન શકે. એક દિવસ માને ખબર પડી કે નાનો દીકરો બેન આખો દિવસ રખડી ખાય છે, ખીસામાં ચપ્પુ રાખે છે, પોતાનાથી નાની ઉંમરનાં બાળકોને ડરાવે-ધમકાવે છે, ભાગ્યે જ સ્કૂલમાં જાય છે. આ જાણીને એ ચિંતામાં પડી ગઈઃ હવે શું કરવું?

એક સાંજે કામ પરથી ઘરે જઈ એણે દીકરા બેનને બોલાવ્યો. પ્રેમથી પાસે બેસાડતાં એણે કહ્યું, “તને ખબર છે, આપણી આ ગલીના નાકે એક ડૉક્ટરનું દવાખાનું છે?”

દીકરાએ કહ્યું કે “હા, મને ખબર છે.”

પછી માતાએ કહ્યું “મોંઘી કારમાં ફરતા અને આલીશાન બંગલામાં રહેતાએ ડૉક્ટર પણ ચપ્પુ રાખે છે એની તને ખબર છે?”

દીકરાને નવાઈ લાગીઃ “એમ?”

માતાને ખબર હતી કે તે વખતે પણ દીકરાના ખીસામાં નાઈફ હતી, પણ એણે એ વિશે હરફ સુધ્ધાં ન ઉચ્ચાર્યો. એના બદલે એણે પુત્રને પ્રેમથી સમજાવ્યોઃ “હા. એ દરરોજ નાઈફનો ઉપયોગ કરે છે, પણ એ એટલું ભણ્યા છે કે નાઈફથી કોઈને ઈજા પહોંચાડવાને બદલે લોકોના દુઃખ દૂર કરે છે. સર્જરીમાં નાઈફનો સદુપયોગ કરે છે. તારી પાસે જે ચાકુ છે એ કોકને દુઃખ પહોંચાડે છે.”

ત્યાર બાદ એ માતા રોજ થોડો સમય કાઢીને દીકરા સાથે આવી વાતો કરતી. વચ્ચે વચ્ચે લાઈબ્રેરીમાંથી સારું પુસ્તક લાવીને કહેતી કે “હું બીજી નોકરીએ જાઉં છું. પાછી આવું ત્યાં સુધીમાં આ પુસ્તકમાંથી દસ પાનાં વાંચજે અને મને કહેજે કે મેં દસ પાનાં વાંચ્યાં.”

ધીરે ધીરે એ કિશોરને પુસ્તકમાં, ભણવામાં રસ પડવા લાગ્યો. એને સારા ગુણ આવવા લાગ્યા. એ આગળ વધતો ગયો, ડૉક્ટર બન્યોઃ ડૉ. બેન કાર્સન.પછી તો એ અમેરિકાની પ્રખ્યાત ‘જૉન હોપકિન્સ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડીસીન’માં એ પીડીઆટ્રિક ન્યુરોસર્જરી વિભાગના વડા પણ થયા. 72 વર્ષી ડૉક્ટર હાલ નિવૃત્ત છે.

ડૉ. બેન કાર્સનની આ સત્ય કથા વાંચ્યા બાદ તમને કોઈ હક નથી ફરિયાદ કરવાનો કે અમારા સંતાન બગડી ગયાં, ભણતાં નથી, અમુક વિષયમાં નબળાં છે, વગેરે. જો આવી ફરિયાદ તમે કરતાં હોવ તો માની લેજો કે એક માવતર તરીકે તમારામાં જ કંઈ ખામી છે, સંતાનમાં નહીં.એકલેહાથે સંતાનોને ઊછરી રહેલી એક માતા જો પોતાના દીકરાને ડૉક્ટર બેન કાર્સન બનાવી શકે તો તમે કેમ નહીં?

જો તમને લાગે કે તમારું સંતાન ફિઝિક્સમાં કે મૅથ્સમાં નબળું છે તો તમારે આટલું જ કરવાનું છેઃ વૉટ્સઍપ, ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ ઓછું કરી એની સાથે બેસવાનું છે. એની ડિફિકલ્ટી સમજી એને મદદ કરવાની છે. દરેક બાળકમાં કંઈ ને કંઈ કરવાની ક્ષમતા હોય જ છે. તમારે એનાં રસરુચિ જાણી એને એ દિશામાં વાળવાના પ્રયત્ન કરવાના છે, એની પ્રગતિની આડે આવતા અવરોધો હટાવી એનું કૌવત બહાર કાઢવાનું છે.

સંતાનને સમય ને સંસ્કાર આપવા એ તમારી સૌથી મોટી જવાબદારી છે. બીજું બધું પછી. જાણી લેજો કે ડાયાબિટીક પેશન્ટ માટે ખાંડ ખતરનાક છે તો માનવમગજ માટે ખતરનાક છે મોબાઈલમાં ઠલવાતો માહિતીનો મારો. કેમ કે મોબાઈલની ક્ષમતા તો 128 જીબી કે 256 જીબી હશે, પણ તમારા મગજની એક મર્યાદા છે. એ અમુક જ લોડ સહન કરી શકશે. એ પછી સામાન્ય બુદ્ધિ ઓછી થઈ જાય, ઈન્ટેલિજન્સ ઘટવા માંડે, વિચારશક્તિ ઓછી થઈ જાય અને આ ઊણપમાંથી જન્મે હતાશા, નિરાશા.

મારો સવાલ એ છે કે શા માટે તમે તમારો સમય આવી નિરર્થક ક્ષુલ્લક પ્રવૃત્તિ પાછળ બગાડો છો? આનો જવાબ શોધી કાઢશો તો તમારા સંતાનની પ્રગતિ કોઈ રોકી નહીં શકે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)