બાહ્ય નહીં, આંતરિક પરિવર્તનથી મળે શાંતિ…

ચેન્જ ઈઝ ધ ઑન્લી કૉન્સ્ટન્ટ અથવા પરિવર્તન એ તો સંસારનો નિયમ છે જેવા વાક્યો આપણે આપણે અવારનવાર સાંભળતા રહીએ છીએ. એ વાત સાચી કે અહીં ક્ષણે ક્ષણે બધું જ બદલાતું રહે છે. પુષ્પો પાંગરે છે ને કરમાય પણ છે. સૂર્ય-ચંદ્ર ઊગે છે ને આથમે છે, કૅલેન્ડરમાં તારીખો, પાનાં બદલાતાં જાય છે. કાલાંતરે આપણાં શરીરમાંય કેટલાં પરિવર્તન આવી ગયાં. બાલ્યાવાસ્યા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા પણ પરિવર્તનનાં પ્રતિબિંબ છે.

આદિકાળથી માનવી પ્રકૃતિના આ પરિવર્તનની સામે પોતાની સુવિધા, સુરક્ષા માટે પરિવર્તન કરતો રહ્યો છે. પૈડાંથી માંડીને સુપર કમ્પ્યૂટરની સુધીની શોધો માનવજીવનનાં પરિવર્તનોનાં પ્રતીક છે. પહેલાં માણસ માટે પોતાનું ગામડું એ જ દુનિયા હતી. આજે ટેક્નોલોજીએ વિશ્વઆખાને એક ગામ બનાવી દીધું છે. આજે અમેરિકામાં કંઈ બને છે એ જ ક્ષણે અમરેલીમાં બેઠેલા બાબુભાઈના મોબાઈલ પર એ ઘટનાના સમાચાર, વિડિયો ફ્લૅશ થવા માંડે છે.

તો, સવાલ એ કે પોતાના દૈહિક સુખ માટે જ પરિવર્તનનો પવન ફૂંકનાર માણસને એનાં પરિણામ શું મળ્યાં?

ખુનામરકી, લૂંટફાટ, ભ્રષ્ટાચાર, બળાત્કાર જેવાં અનિષ્ટો રોજેરોજ આધુનિક તરકીબોનો ઉપયોગ થકી વકરી રહ્યા છે. રંગપંચમીની પૂર્વસંધ્યાએ (6 માર્ચ, 2023એ) સમાચાર આવ્યા કે ગુજરાતમાં સાઈબર ક્રાઈમે માઝા મૂકૂ છે. આ બધું જોતાં લાગે છે કે પરિવર્તન લાવીને પણ આપણે તો ઠેરના ઠેર જ રહ્યા.

અમેરિકામાં જન્મેલા પણ ઈંગ્લાન્ડને કર્મભૂમિ બનાવનારા કવિ ટી.એસ.એલિયેટ સાચું જ કહે છે: પરિવર્તનો, શોધ-સંશોધનોએ વિશ્વને ગતિ આપી, પરંતુ જીવનની સ્થિરતાના ભોગે પરિવર્તનનો પ્રવાહ આપણને અજ્ઞાન અને વિનાશ તરફ ધકેલી રહ્યો છે.

કબીરજીએ લખ્યું છે: કેવળ રાફડા પર લાકડી પછાડવાથી અંદરના સાપને હણી શકાતો નથી એમ ભીતરની શાંતિ અને જંપ જોઈતાં હોય તો બાહ્ય પરિવર્તનોથી કંઈ નહીં વળે. રાફડા પર લાકડી પછાડો ત્યારે દરમાં ભરાઈ રહેલો સાપ જેમ નિરાંતે સૂતો રહે છે તેમ કપડાં, વાહનો, વાનગી, વગેરેમાં બદલાવ તે તો બાહ્ય પરિવર્તન જ છે. તેનાથી અંદરની અશાંતિ દૂર નથી થવાની, કેમ કે મનની શાંતિ ભૌતિક પદાર્થના આધારે નથી. જો એમ હોત તો મોટા મોટા ચક્રવર્તી સમ્રાટો શા માટે બધું છોડીને શાંતિ માટે વનમાં જતા હોત? અંદરની શાંતિ જોઈએ તો અંદરથી પરિવર્તિત થાઓ. અંદરનું પરિવર્તન એટલે આપણાં વલણમાં પરિવર્તન. આપણા અટિટ્યુડ, દૃષ્ટિકોણનું પરિવર્તન. બસ, આ જ પરિવર્તનની વાત વર્ષોથી આપણાં શાસ્ત્રોને સંતો કરતા આવ્યાં છે.

 

આજથી ૧૦૦ વર્ષ પહેલાંની ઘટના. એક ઘોડાગાડીમાં બે વડીલ સંતોની સાથે એક તેજસ્વી યુવા સંત ગઢપુર તરફ જઈ રહ્યા હતા. અચાનક મારગમાં એક મોટો ખાડો આવ્યો. ચાલકની ગફ્કતના લીધે ઘોડાગાડીનું એક પૈડું તેમાં ફસાયું ને છૂટું પડી ગયું. ત્રણેય સંતો ભોંયભેગા થઈ ગયા. એમને ઈજા પણ થઈ. આમ છતાં યુવા સંતનો મોં પર મંદ સ્મિત ફકકી રહેલું. આ જોઈને એક વડીલ સંત કહે: ‘‘આ કંઈ સમય છે હસવાનો. તમે શું કામ મલકી રહ્યા છો?”

યુવા સંતે કહ્યું. “ગુરુ, પરચો થયો!!’’

સાંભળતાં જ વડીલ સંત કહે: “અરે, આમ ચત્તાપાટ પડ્યા તેમાં શું પરચો થયો?”

પેલા ઈજાગ્રસ્ત યુવા સંતે કહ્યું. “ગુરુ, ભગવાને આપણને જીવતા તો રાખ્યાને!’’

જુઓ, બની ગયેલી ઘટના કે વ્યક્તિ પ્રત્યે યુવા સંતને કોઈ ફરિયાદ નહોતી, જે બને, જે મળે તેને સારી રીતે જોવાનું એક વલણ, એક અભિગમ તેઓ પાસે હતો. આ યુવા સંત બીજા કોઈ નહીં, પણ વિરલ સંતવિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજ હતા, જેમણે વિશ્વને શીખવાડ્યું કે જો સદા સુખી રહેવું હોય તો બાહ્ય દુનિયાને બદલવા કરતાં પોતાના વલણને, કોઈ ઘટના કે વ્યક્તિને આપણે જે રીતે જોઈએ છે એ દષ્ટિ બદલવાની જરૂર છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)