ઈચ્છા વત્તા પુરુષાર્થ બરાબર સફળતા…

ગુજરાતના એક નાનકડા ગામમાં એ બાળક જન્મ્યો સાવ સામાન્ય પરિવારમાં. પિતા શિક્ષક હતા, મહિને પંદર રૂપિયાનો પગાર. બે છેડા ભેગા કરવા નોકરી ઉપરાંત ક્યારેક કોઈનું નામું લખે. આમ પગાર અને ઓવરટાઈમમાંથી માંડ ઘરનું ગાડું ગબડે. એ બાળક ઘરથી આશરે પંદર કિલોમીટર ચાલીને બાજુના ગામમાં ચાલીને જતો ને ત્યાં મફત મળતી છાશ લઈ આવતો. આવી દારુણ પરિસ્થિતિના કારણે એનો અભ્યાસ માત્ર 10માં ધોરણ સુધી જ થઈ શક્યો.

એક દિવસ એ બાળકે જૂનાગઢ શહેર જઈને શિવરાત્રિના મેળામાં પૂરી-શાકની લારી કરી પૈસા કમાવાનું નક્કી કર્યું. અહીંતહીંથી પૈસા ભેગા કરીને સામાન ખરીદ્યો. જાતે જ પૂરી વણે, તળે… પોતે જ શેફ, પોતે જ સર્વ કરે. વાસણ પણ પોતે જ ઊટક્યાં. કૅશિયર પણ એ જ. મોડી રાતે ગ્રાહકોની વણઝાર થંભી ને હિસાબ કર્યો તો… લૉસ. હા, આટલી મહેનત પછી પણ ખોટ ગઈ હતી. આમ છતાં હિંમત હાર્યા વિના એણે ગાંઠ વાળી કે જીવનમાં કંઈ કરવું તો છે જ.

એ ૧૭ વર્ષનો થયો ત્યારે પ્રચંડ પુરુષાર્થથી આફ્રિકાના એડન શહેરની પેટ્રોલકંપની બાસ ઍન્ડ કંપનીમાં મહિને ૩૦૦ રૂપિયાના પગારની નોકરી મળી. દરરોજ ગ્રાહક માટે પેટ્રોલ ભરતાં ભરતાં એ વિચારે કે ક્યારેક મારી પણ આવી કંપની હશે. થોડાં વર્ષ એડનમાં રહ્યા બાદ એ મુંબઈ આવે છે, ભૂલેશ્વર વિસ્તારમાં દોઢસો રૂપિયાના ભાડાવાળી ઑફ્સિ લઈને ૧૫,૦૦૦ રૂપિયામાં ભાગીદારીમાં કંપનીની સ્થાપના કરી. એ કંપની આજે વિશ્વની શ્રેષ્ઠ કંપનીઓમાં અગ્રતાક્રમે છે. નામઃ ‘રિલાયન્સ.’ સફ્ળતાની ઊંચાઈએ પહોંચનારો એ યુવક એટલે ધીરુભાઈ અંબાણી.

વિકટ પરિસ્થિતિમાં પણ આગળ વધવાની ધગશ હોય તો તમને ક્યારેય કોઈ નથી રોકી શકતું. પૃથ્વી ઉપર વસતો પ્રત્યેક માનવ સફ્ળતાને પ્રાપ્ત કરી શકે છે. હા, આ સફ્ળતા સાર્થક ત્યારે બને છે જ્યારે તેમાં વિશ્વને કંઈ આપવાની ભાવના ભળે.

અમેરિકાના વિશ્વવિખ્યાત વિજ્ઞાની થૉમસ આલ્વા એડિસને ૧૮૭૯માં ૧૦ હજાર પ્રયોગ પછી દુનિયાનો સૌથી પહેલો વીજળીનો ગોળો અથવા ઈલેક્ટ્રિક બલ્બ બનાવ્યો. વીજળી જાય ત્યારે આપણે જે ટોર્ચની મદદ લઈએ છીએ તેમાં સેલ વપરાય છે તે સેલ બનાવવામાં એડિસનના મગજની નસ તૂટી ગયેલી, આ માટે એમણે ૫૦ હજારથી વધુ એક્સપરિમેન્ટ કરવા પડેલા. ‘થિન્ક ઍન્ડ ગ્રો રિચ’ જેવા મનનીય પુસ્તક માટે જાણીતા, સેલ્ફહેલ્પનાં પુસ્તકોના અમેરિકન લેખક નેપોલિયન હિલે એક દિવસ એડિસનને સવાલ કરેલોઃ “મિસ્ટર એડિસન, તમને ૫૦ હજાર એક્સપરિમેન્ટ પછી પણ સફ્ળતા ન મળી હોત તો તમે શું કરત?’’

એડિસનઃ “મિસ્ટર હિલ, તો હું તમારી સાથે ગપ્પાં મારવામાં ટાઈમ વેસ્ટ કરતો ન હોત, પણ મારી લેબોરેટરીમાં જઈને પચાસ હજારની ઉપર એક-બે-ત્રણ એક્સપરિમેન્ટ કરતો હોત.

આ જ મિસ્ટર એડિસનને એમના ૮૦માં જન્મદિવસે સવાલ થયોઃ “તમારી સફ્ળતાનું રહસ્ય શું?’’

એમનો જવાબ હતોઃ “સફ્ળતા તો હજુ મેળવવાની બાકી છે. હા, છતાં સફ્ળતા મેળવવા માટે છેલ્લાં ૭૦ વર્ષથી સતત ૧૬ કલાક હું મારી લેબોરેટરીમાં વિતાવું છું.”

-અને થૉમસ આલ્વા એડિસન સ્કૂલમાં ભણતા ત્યારે શિક્ષક તેમને વિચિત્ર અને મૂરખ કહેતા. ત્યાં સુધી એડિસનના પિતા પણ તેમને ઠોઠ નિશાળિયો કહેતા, પરંતુ એડિસનના મનમાં આ શબ્દોની કોઈ અસર નહોતી. કારણ તેના લોહીના પ્રત્યેક લયમાં પ્રામાણિકપણે કાર્ય કરવાની તમન્ના હતી, ઊંચાઈને પ્રાપ્ત કરવાની અદમ્ય ઈચ્છા હતી. તેથી જ તે વ્યક્તિએ વિશ્વને અપ્રતીમ સાધનોની અને નવા આવિષ્કારોની ભેટ આપી. સમગ્ર વિશ્વ તેના આ પ્રદાનનું સાક્ષી છે.

સફ્ળતા પામવી એ મનુષ્યની ઈચ્છા પણ છે અને ફરજ પણ. જીવનમાં આગળ વધવાની ઈચ્છા રાખવી જ જોઈએ. હા, એ ભાવનામાં પુરુષાર્થ ભળે તો માણસ સફ્ળતાનાં શિખર અવશ્ય સર કરે છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)