બધું છે છતાં કંઈ નથી?

અંગ્રેજી ભાષાના અદભુત જોડણીકોશ (ડિક્શનરી)ના રચયિતા, ઈન્ગ્લાન્ડના મહાન લેખક સેમ્યુઅલ જોન્સન એમના મનનીય સુવિચારો માટે પણ જાણીતા હતા. એ લખી ગયા કે “મૅન ઈઝ બૉર્ન ક્રાઈંગ, લિવ્સ કમ્પ્લેનિંગ ઍન્ડ ડાઈઝ ડિસઅપોઈન્ટેડ” અર્થાત્ માણસ રડતો રડતો જન્મે છે, જીવે ત્યાં સુધી સતત ફરિયાદો કરતો રહે છે અને સરિયામ નિરાશા સાથે એ આ દુનિયામાંથી વિદાય લે છે, મૃત્યુ પામવાની ક્ષણ સુધી એને સંતોષ નથી હોતો. મૃત્યુ સામે દેખાતું હોવા છતાં માણસ કંઈકેટલીય આશા, ફરિયાદ, લક્ષ્ય લઈને બેઠેલો હોય છે. અંતે આ બધું પોતાની સાથે લઈને મરે છે.

આની પાછળનું કારણ શું? માણસને જીવનમાં હરહંમેશ ફરિયાદ, અસંતોષ રહે છે આનું કારણ એ જ કે તે જીવનને સારી રીતે સમજી નથી શક્યો. જીવનને સમજી ન શકનારા માનવીની અંદર એક પ્રકારનાં અસંતોષ અને અસુખ રહે છે.

ધારો કે તમે ખૂબ કમાઈ લીધું છે, જીવનમાં જેને સુખ-સગવડ કહે છે એ બધાં મેળવી લીધાં, બૅન્કમાં કરોડો જમા છે, પણ આટલું બધું હોવા છતાં જો તમારી જાત શુદ્ધ નથી, તમારો આત્મા શુદ્ધ નથી, તમારા પારિવારિક સંબંધો સારા નથી, તમારી અંદર પ્રામાણિકતા નથી, તમારી ગમતી પ્રવૃત્તિને નાનામોટાં દાન કરતા નથી, ઈશ્વરમાં શ્રદ્ધા-ભક્તિ નથી… જો આ બધા મુદ્દા ચૂકી ગયા તો સમજી લેજો કે કરોડો કમાયા હોવા છતાં ખરા અર્થમાં તમે જીવન હારી ચૂક્યા છો.

(નેપોલિયન બોનાપાર્ટે)

1789ની ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન ચાવી રૂપ ભૂમિકા ભજવીને ફ્રાન્સના પહેલા સમ્રાટ થનાર તથા માનવઈતિહાસના સૌથી બાહોશ મિલિટરી જનરલ તરીકે સ્થાન પામનારા નેપોલિયન બોનાપાર્ટે પોતાના અંત સમયે પોતાનું જીવનચરિત્ર લખ્યું, જેમાં એમણે નોંધ્યું કે હું ધારું તો આ ધરતી અને આકાશ વચ્ચેની તમામ ચીજવસ્તુ, તમામ સુખ-સગવડો અબી હાલ ખરીદી શકું. દુનિયાઆખીને મારા પગમાં નમાવી શકું. આટલો શક્તિમાન હોવા છતાં મેં મારા આખા આયખામાં છ દિવસ પણ સુખના જોયા નથી.

નવાઈ લાગેને હા, કેમ કે આપણે જેને સુખ માનીએ છીએ એવી સત્તાસંપત્તિ તો નેપોલિયન પાસે હતી જ, છતાં એ કયા ખાલીપાની વાત કરી રહ્યા છે? કયા સુખની વાત કરી રહ્યા છે? આ ખરેખર આપણે વિચારવાનું છે. આપણે જેની કલ્પના કરીએ કે જેના વિચારો કરીએ એના કરતાં પણ વધારે નેપોલિયન પાસે હતું, તેમ છતાં એ સુખી નહોતા. તો શું આપણું ધન આપણને સાચો આનંદ અને સાચું સુખ આપી શકશે?

1970ના દાયકામાં એલ્વિસ પ્રેસ્લી પોતાની કળાના આધારે માત્ર ૩૦ વર્ષની વયે અપાર સંપત્તિ, વૈભવમાં આળોટતો હતો. તે વખતે એટલે કે આજથી પાંચ દાયકા પહેલાંના સમયમાં પ્રાઈવેટ પ્લેનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જનાર એલ્વિસ એકમાત્ર વ્યક્તિ. યુવાવયે આવી બાદશાહી જાહોજલાલી એલ્વિસ પ્રેસ્લીએ ભોગવી હતી. તેના વિશે એવું કહેવાતું કે જિસસ ક્રાઈસ્ટ બાદ તે એવી વ્યક્તિ હતી, જેને આટલી પ્રસિદ્ધિ મળી હતી.

(એલ્વિસ પ્રેસ્લી)

આવી લખલૂટ જાહોજલાલી અને સતત પ્રશંસકોથી, લોકોથી ઘેરાયેલા હોવા છતાં પણ એલ્વિસ પ્રેસ્લીને એકલતા અનુભવતો. માત્ર ૩૩ વર્ષની ઉંમરે ૪૦ ઊંઘની ગોળી લઈને એણે આત્મહત્યા કરી હતી. લાખ્ખો યુએસ ડૉલર બૅન્કમાં પડ્યા હોય છતાં માણસ આપઘાત કરે? ત્યારે એ વિચારવાનું કે આપણે તો એના માટે જ દોડીએ છીએ, રાતદિવસ તેની પાછળ જ પાગલ થઈને તેને જ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ.

આવા તો એક નહીં કેટલાય લોકોના પ્રસંગ આપણને સાંભળવા મળશે. ટૂંકમાં આપણે ખરેખર એ સમજવાનું છે કે ભૌતિકવાદમાંથી બહાર આવીને ખરી શાંતિ અને ખરાં સુખને મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ, જીવનને પ્રેમ કરતાં શીખવું જોઈએ. જો આપણે આટલું સમજી જઈશું તો મોટા ભાગના પ્રોબ્લેમના સોલ્યૂશન ઑટોમેટિક આવી જશે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)